પ્રકરણ - ૧૨ માલેરાવે એક નિર્દોષ માંત્રિકને જાહેરમાં કોરડા મારીને મારી નાંખ્યો

અહલ્યાબાઈ બોલ્યા, `કેટલું છુપાવીશ તું! મારા જાણવામાં આવ્યું છે કે પ્રજા બહુ દુઃખી છે અને માલેરાવે હવે સાવ ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. તું એક વાત યાદ રાખ. મને કહેવામાં જરાય સંકોચ ના રાખીશ. મારા માટે પુત્રનાં પહેલાં મારી પ્રજા છે. માલેરાવ વિશે હું બધું જ જાણું છું. જે થયું હોય એ બધું જ કહે!"

    ૧૪-સપ્ટેમ્બર-૨૦૨૪   
કુલ દૃશ્યો |

ahilyabai holkar jivankatha prakaran 12
 
 
સૂરજ ઊગતો અને આથમતો રહ્યો. રોજ સવાર પડે છે ને માતોશ્રી અહલ્યાબાઈ પુત્ર માલેરાવને સમજાવે, પણ જેને સમજવું જ નહોતું એ કેવી રીતે સમજે? ઘણો સમય વીતી ગયો હતો. માલેરાવના માથે સૂબેદારીની જવાબદારી હતી પણ તેઓ જરા ય ગંભીર નહોતા. તેમના વ્યસન અને દુર્ગુણો ચાલુ જ નહોતાં પણ તેમાં વધારો ય થયો હતો. તેઓ હવે વધારે અભિમાની, તુંડમિજાજી અને ક્રૂર બન્યા હતા. માળવાની પ્રજા તેમના શાસનમાં ખૂબ જ દુઃખી હતી, પરંતુ અહલ્યાબાઈની આમન્યાને લીધે કંઈ બોલતી નહોતી. અહલ્યાબાઈ પણ જેટલું બને તેટલું સારું કામ થાય તે માટે પ્રયત્નો કરતા હતાં. માલેરાવ એમને પૂછ્યા વિના, એમની જાણ બહાર જ્યારે કામ કરી લેતા ત્યારે અનર્થ થઈ જતો હતો.
 
માલેરાવના માથે સત્તા ચડી ગઈ હતી. એક વખત એક નરાધમે માલેરાવના કાનમાં ઝેર ભર્યું.
 
`સૂબેદારજી, એક વાત ઘણા વખતથી આપને કહેવી છે.'
 
`બોલને, એમાં પૂછે છે શું?'
 
`સૂબેદારજી, તમારી પેલી દાસી છે ને નિર્મળા. એને કોઈ ભોળવી રહ્યું છે.'
 
`શું કહ્યું?' માલેરાવની ભ્રૂકુટી તણાઈ. એ ઊભા થઈ ગયા, કારણ કે નિર્મળા સાથે તેમને મીઠા સંબંધો હતા.
 
તેમણે ગુસ્સાથી પૂછ્યું, `કોણ છે એ નરાધમ?'
 
`પેલો માંત્રિક, જે મહેલે અવારનવાર આવે છે એ. એણે નિર્મળાને કોઈ બાબતે ભોળવી છે.'
 
`નરાધમ મારા રાજમાં જ મારી..' માલેરાવ ખૂબ ગંદુ બોલ્યા અને ઉમેર્યુ, `બે માંથી એકેય ને જીવતાં નથી છોડવાં.'
 
કાનભંભેરણી કરનાર ખોટો હતો. એને પેલા માંત્રિક સાથે અંગત અદાવત કાઢવી હતી એટલે એણે કહ્યું કે, `માલેરાવજી, આમાં નિર્મળાનો જરાય વાંક નથી. એ તો ગરીબડી દાસી છે. ઊલટાનો પેલો માંત્રિક જ એને હેરાન કરી રહ્યો છે.'
 
માલેરાવ કાચા કાનના હતા. તેમને સાચા - ખોટાનું ભાન નહોતું. વળી ગુસ્સો પણ ખૂબ. આ સમાચાર સાંભળતાં જ એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે તાત્કાલિક માંત્રિકને તેડું મોકલ્યું. માંત્રિક ગભરાતો ગભરાતો આવ્યો અને બેહાથ જોડીને સામે ઊભો રહ્યો, `જી, સૂબેદાર સાહેબ! શું સેવા કરું આપની!'
 
`સેવા તો હું કરીશ તારી. નરાધમ, મારી દાસીઓને ભોળવે છે?' માલેરાવે એના પર આરોપ મૂક્યો. માંત્રિક નિર્દોષ હતો. એ તો દંગ જ રહી ગયો. એણે બે હાથ જોડી વિનંતી કરી, `સૂબેદારજી, હું નિર્દોષ છું. મેં આવું કોઈ પગલું નથી ભર્યું.'
 
કાનભંભેરણી કરનારે નિર્મળાને દબાવી રાખી હતી એટલે એ પણ આગળ ના આવી.
 
માલેરાવે તરત જ માંત્રિકને જાહેરમાં કોરડા મારી મારીને મારી નાંખવાનો હુકમ કર્યો. ચારે તરફ સોંપો પડી ગયો. પણ એમની વિરુદ્ધમાં જવાની કોઈની હિંમત નહોતી. રાજ્યના વડીલો અને મંત્રીઓને ખબર પડતાં તેઓ પણ આવી પહોંચ્યા. એ વખતે અહલ્યાબાઈ ગામતરે ગયાં હતાં. હરકુંવરબાઈએ પણ માલેરાવને ખૂબ સમજાવ્યા. પણ માલેરાવ કોઈનું ના માન્યા.
 
જાહેરમાં માંત્રિકને કોરડા વીંઝવાનું શરૂ કરવામાં આવ્યું. માંત્રિક કરગરતો હતો કે હું નિર્દોષ છું પણ એની વાત માલેરાવે કાને ના ધરી. માંત્રિકની પત્ની અને બાળકો દોડતાં આવ્યાં. માલેરાવના પગમાં પડી ગયાં. માલેરાવે એમને ય લાત મારીને કાઢી મૂક્યાં. વડીલોના હાથ હેઠા પડ્યા. મહાભારતમાં જેમ દ્રૌપદીના ચીરહરણ વખતે બધા નીચી મુંડી કરીને બેસી રહ્યાં હતાં તેમ સૌ બેસી જ રહ્યાં અને માંત્રિકને કોરડા વિંઝાતા રહ્યા. માંત્રિકના છેલ્લાં શ્વાસ ચાલી રહ્યા હતા. એણે કહ્યું, `હું નિર્દોષ છું સૂબેદાર. પણ તમે મને સજા કરી છે. હું બદલો જરૂર લઈશ. કારણ કે હું માંત્રિક છું. મરી જઈશ તો પણ તમને નહીં છોડું. હું પાછો આવીશ, જરૂર આવીશ. તમારો જીવ લઈને જઈશ.'
 
માંત્રિક આંતરડીમાંથી બોલતો રહ્યો. અભિમાની માલેરાવે એના શબ્દોને કાનસરો ના આપ્યો. આખરે એણે શ્વાસ છોડી દીધા. વિકૃત મગજના માલેરાવ હરખાતા હરખાતા મહેલમાં ચાલ્યા ગયા. રાજ્યમાં સોપો પડી ગયો.
 
બહારગામ ગયેલાં અહલ્યાબાઈ પાછાં આવ્યાં અને આ બધું જાણ્યું ત્યારે તેમનું હૃદય રડી ઊઠ્યું. અહલ્યાબાઈ સાવ પડી ભાંગ્યાં. તેમના રાજ્યમાં આ રીતે કોઈની જાહેરમાં હત્યા થાય એ સાવ ખોટું હતું.
 
***
 
તુકોજી હોળકર અહલ્યાબાઈના દૂરના સંબંધે દિયર થતા હતા. તેમની ઉંમર ઘણી મોટી હતી છતાં તેઓ અહલ્યાબાઈને માતા જ કહેતા અને અહલ્યાબાઈ પણ તેમને પુત્રવત્ ચાહતાં. આ સંબંધોને કારણે જ તુકોજી, શિવાજી કે અન્ય મંત્રીઓ અહલ્યાબાઈને કદી માલેરાવ વિશે ફરિયાદ નહોતા કરતા. તે બધા તેમનું અપમાન પણ સહન કરી લેતા અને અન્યાય પણ. આ બધા લોકો જાણતા હતા કે, જે કંઈ થઈ રહ્યું છે એમાં અહલ્યાબાઈનો કોઈ વાંક ગુનો નથી. એ તો બિચારાં તેમના સસરા જેમ પ્રજાવત્સલ છે પણ માલેરાવ મોટાભાગના નિર્ણયોમાં તેમને પૂછતા જ નથી તો તેઓ પણ શું કરે?
 
છતાં પણ બને ત્યાં સુધી અહલ્યાબાઈ રાજ્યનું અને રાજ્ય બહારના સંબંધોનું ખૂબ જ ધ્યાન રાખતાં. પેશવાની સાથે તેમણે ગાઢ સંબંધો મજબૂત રીતે જાળવી રાખ્યા હતા અને અન્ય રાજ્યો સાથે પણ. બસ એમને દુઃખ એક જ હતું કે પોતાનો પુત્ર જ સંબંધોને, પ્રજાને, મંત્રીઓને કંઈ ગણતો નહોતો.
 
***
 
સાંજનો સમય હતો. સફેદ નવવારી સાડી, માથા પર ચંદનતિલક, ગળામાં તુલસીની માળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા ધારણ કરીને અહલ્યાબાઈ બેઠાં હતાં અને તેમની સામે હરબા ઊભો હતો. તેમને સમાચાર મળ્યા હતા કે, હમણાં હમણાં માલેરાવનાં કારસ્તાનો વધી ગયાં હતાં. તેઓ રાજ્ય તરફ જરા પણ ધ્યાન નહોતા આપતા. પ્રજા દુઃખી હતી અને રાજ્યના સૈનિકોમાં પણ ઊહાપોહ હતો. આથી અહલ્યાબાઈએ હરબાને બોલાવ્યો હતો. તેમણે પૂછ્યું, `હરબા, રાજ્યની સ્થિતિ કેવી છે?'
 
`સારી છે માતોશ્રી!' હરબાએ નીચા અને ઢીલા અવાજે કહ્યું.
 
અહલ્યાબાઈ બોલ્યા, `કેટલું છુપાવીશ તું! મારા જાણવામાં આવ્યું છે કે પ્રજા બહુ દુઃખી છે અને માલેરાવે હવે સાવ ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. તું એક વાત યાદ રાખ. મને કહેવામાં જરાય સંકોચ ના રાખીશ. મારા માટે પુત્રનાં પહેલાં મારી પ્રજા છે. માલેરાવ વિશે હું બધું જ જાણું છું. જે થયું હોય એ બધું જ કહે!'
 
આખરે હરબાએ કહ્યું, `માતોશ્રી, અમે આપને જાણ કરીને દુઃખી કરવા માંગતા નહોતા એટલે નહોતું કહ્યું.'
 
`દુઃખ તો મારા લમણે લખાયેલું છે. ઉપરવાળાએ એટલું બધું દુઃખ આપી દીધું છે કે હવે નીચેનાં દુઃખો બહુ વીતાડતાં નથી. બોલ તું તારે!'
 
`માતોશ્રી, રાજ્યનું બધું જ કામકાજ ઠપ્પ થઈ ગયું છે. કર વસૂલી બરાબર નથી થઈ રહી. સૂબેદારજીને અમે કહેવા જઈએ તો ઉતારી પાડે છે. પ્રજાની ફરિયાદ પર જરાય ધ્યાન નથી અપાતું. બહારથી પણ અનેક લોકોએ ફરિયાદના પત્રો લખ્યા છે. સૂબેદારજી સ્વયં જવાબ આપતા નથી અને અમને આપવા પણ દેતા નથી.'
 
અહલ્યાબાઈએ તરત જ કારભારીને ફરિયાદના પત્રો લઈને બોલાવ્યા. કારભારી તરત જ હાજર થઈ ગયા. અહલ્યાબાઈએ કહ્યું, `એક એક પત્ર વાંચો!'
 
કારભારીએ એક પત્ર હાથમાં લીધો અને બોલવા માંડ્યા, `આ પત્ર ખરગોનથી આવ્યો છે. આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે નદીઓનાં વહેણ અને કૂવા સુકાઈ ગયા છે. કેટલાંક વિસ્તારોમાં તો વરસાદ જ ના થયો હોવાથી પશુઓને ચારો પણ મળતો નથી. એના માટે મદદ માંગી છે.'
 
અહલ્યાબાઈ બોલ્યાં, `આ તો ગંભીર સમસ્યા છે. કૂવા સૂકા છે તો સુરંગ લગાવીને ઊંડા કરવાની વ્યવસ્થા કરવી પડશે. પશુઓના ચારા માટે પણ કેટલાક વિસ્તારોમાં જ્યાં વરસાદથી સારો ઘાસચારો થયો હોય ત્યાંથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પહોંચાડવો પડશે. મારા આદેશથી આ વ્યવસ્થાઓ તાત્કાલિક કરવામાં અમલ આવે.'
 
`જી, માતોશ્રી.'
 
`બીજો પત્ર વાંચો!'
 
`બીજો પત્ર દુલેલાલ મંડલોઈનો ઈંદુર કસ્બાનો છે. તેઓ લખે છે કે રાવ સિવલાલ કોતવાલે તેમની દુકાન પર જબરદસ્તી કબ્જો જમાવી દીધો છે. આ બાબતે....'
 
`શું મારા રાજ્યમાં કોતવાલે આવું કર્યું!' અહલ્યાબાઈ અધવચ્ચે જ બોલી ઊઠ્યાં, `આપણે ત્યાંથી સિપાઈઓ મોકલીને જાતે આની તપાસ કરાવો અને જો વાત સાચી હોય તો દુકાનદારને એમની દુકાન પાછી અપાવો. કોતવાલને બરતરફ કરો. હવે ત્રીજો પત્ર વાંચો!'
 
`ત્રીજો પત્ર શેગાંવ પરગણાથી છે. ત્યાંના વેપારીઓએ આ પત્ર લખ્યો છે. તેઓ લખે છે કે તોલારામ હોળકર નામના માથાભારે વ્યક્તિ દ્વારા મનમાની કરીને પૈસા વસૂલ કરવામાં આવે છે. '
 
`શું એની એવી હિંમત? તાત્કાલિક ખોટી વસૂલીના પૈસાનો ખુલાસો સરકારમાં રજૂ કરવામાં આવે અને એને દંડિત કરીને વેપારીઓના પૈસા પાછા આપવામાં આવે.'
 
`ઠીક છે માતોશ્રી.'
 
`હવે કેટલા પત્રો છે.'
 
`ઘણા છે. ચારે દિશામાં ફરિયાદો જ છે માતોશ્રી.'
 
`તો એક કામ કરો. કાલે હું સ્વયં સદન પર આવીશ. લેખનિકને પણ બોલાવીને રાખજો અને સીલ - સિક્કા પણ સાથે રાખજો. આપણે બધા જ પત્રોનો જવાબ લખીશું. પ્રજાને વિશ્વાસ આવવો જોઈએ કે માળવામાં તેમને સાંભળનાર કોઈક છે, તેમની રક્ષા કરનાર મરી નથી પરવાર્યા.'
 
કારભારી અને હરબાએ પ્રણામ કર્યા અને ચાલ્યા ગયા.
 
તેમના ગયા પછી અહલ્યાબાઈ વિચારે ચડ્યાં. બે દિવસ બાદ તેમને યાદ આવ્યું કે, તેમના વફાદાર અને પુત્ર સમાન તુકોજી ઘણા લાંબા સમયથી તેમને મળવા નહોતા આવ્યા. તેમણે દાસી મંજુલાને બોલાવીને એમને મળવાનું કહેણ મોકલ્યું. થોડી જ વારમાં તુકોજી આવી પહોંચ્યા.
 
`પ્રણામ માતોશ્રી! શીઘ્ર ઉપસ્થિત થવાની આજ્ઞા મળી, કંઈ મુશ્કેલી છે?'
 
`આવો.... આવો સૂબેદાર તુકોજી આવો...!' તુકોજીની વાત પર ધ્યાન આપ્યા વિના અહલ્યાબાઈ કટાક્ષ અને ગુસ્સામાં બોલ્યા.
 
`અરે, માતોશ્રી, આપ શું બોલી રહ્યાં છો. હું કંઈ સમજ્યો નહીં!'
 
`હવે તો આપ જ સૂબેદાર છોને એટલે સૂબેદાર કહું છું. કદી મળતા નથી, કંઈ જાણ કરતા નથી કે કંઈ પૂછતા પણ નથી. મેં આપને સૂબેદારીનાં વસ્ત્રો લેવા માટે શિવ બાબાજી અને નારો ગણેશ સાથે પૂના મોકલ્યા હતા ત્યારે મારી આજ્ઞા વિના જ શિવ બાબાજીને તમે ત્યાં જ પૂના શ્રીમંત પાસે મૂકીને આવ્યા અને નારો ગણેશને દીવાન પદ સુધ્ધાં આપી દીધું. ત્યારે તો તમને બધું સમજાતું હતું. તુકોજી, મારા સસરાજીના આપ ખૂબ વિશ્વાસુ વ્યક્તિ છો. મને પણ આપ માતા સમાન માનો છો, છતાં આવું કેમ કરો છો?'
 
`માતોશ્રી, હું મારી ભૂલ કબૂલ કરું છું, પણ એ વખતે પૂના શ્રીમંત સામે હું કંઈ બોલી જ ના શક્યો એટલે એમની આજ્ઞા મુજબ વર્તવું પડ્યું. હું આપના ધ્યાનમાં આ વાત લાવવાનો જ હતો, પરંતું મળવાનું ના થયું.'
 
`મળવાનું ના થયું કે મળવું નહોતું? આપ અમારાથી નારાજ હો એવું લાગે છે!'
 
`નહીં, નહીં માતોશ્રી! આ શું બોલ્યાં! હું સપનામાં પણ એવું ના વિચારી શકું. હું હંમેશાં આપના ચરણોની સેવા કરતો આવ્યો છું અને કરતો જ રહીશ. પ્રત્યક્ષ માર્તંડ પણ આવીને અમને કહે તો પણ આપનાં ચરણો છોડીને આ તુકોજી ક્યાંય નહીં જાય!'
`ઠીક છે એ બધું તો!' અહલ્યાબાઈએ ગુસ્સાને થોડો શાંત કરતાં કહ્યું, `તુકોજી, મારે તમને એક વાત યાદ કરાવવી છે.'
 
`આજ્ઞા કરો માતોશ્રી!'
 
`મારા સસરાજી, મોટા સૂબેદારજીના મૃત્યુ પશ્ચાત્ પિંડને કાકસ્પર્શ નહોતો થતો ત્યારે આપે શું કહ્યું હતું યાદ છે ને!'
 
તુકોજી આવેશમાં બોલ્યા, `જી હા! બધું જ યાદ છે. સૂરજમલ જાટના યુદ્ધમાં આપના પતિ ખંડેરાવજીનું મૃત્યુ થયું ત્યારે મોટા સૂબેદારજી મલ્હારરાવજીએ શોક-સંતાપમાં પ્રતિજ્ઞા લીધી હતી કે જેના કારણે મારા પુત્રનું મૃત્યુ થયું છે એના ટુકડે-ટુકડા કરીને યમુનામાં વહાવીને એનું તર્પણ કરીશ. આમ હું પુત્રના મૃત્યુનો બદલો લઈશ. પરંતું મોટા સૂબેદારજીની એ પ્રતિજ્ઞા પૂર્ણ જ ના થઈ શકી. એટલે પિંડને કાકસ્પર્શ નહોતો થઈ શકતો. આ જોઈને મેં કહ્યું હતું કે ચિંતા ના કરો. જાટોનો બદલો હું લઈશ. હું આવું બોલ્યો કે તરત જ કાકસ્પર્શ થયો હતો.'
 
`યાદ તો બધું છે, તો પછી કંઈ કર્યું કેમ નહીં હજુ સુધી? આપણી સેનાને સાપ સૂંઘી ગયો છે કે શું? સેના ઊંઘી ગઈ છે કે શું? અને તમે પણ....!'
 
તુકોજી નીચું મોં કરીને ઊભા રહ્યાં.
 
અહલ્યાબાઈએ કહ્યું, `બોલો, જવાબ આપો! સેનાપતિ તરીકે તમારી પ્રતિજ્ઞા તમે હજુ કેમ પૂરી નથી કરી? જાટો સાથે યુદ્ધ કેમ નથી કર્યું? ડરી ગયા કે શું દુશ્મનોથી?'
 
તુકોજી બોલ્યા, `માતોશ્રી, માફ કરજો! પણ સાચું કહું તો આ વાત મારે આપને ના કરવી પડે એટલે જ હું આપને મળવા આવવાની હિંમત નહોતો કરતો.'
 
`જે હોય તે કહો. મારામાં બધું જ સાંભળવાની હિંમત છે હવે તો.'
 
`માતોશ્રી, નાના સૂબેદાર માલેરાવજી. કોઈ બાબતની રજા માંગવા જવાની પણ પરવાનગી નથી આપતા. મેં અનેકવાર એમને મળવાની અનુમતિ માંગી પણ એમણે ના આપી. પછી તો એક દિવસ હું વગર અનુમતિએ જ એમની પાસે પહોંચી ગયો. એ પછી જે દૃશ્ય જોયું એ જોઈને દંગ રહી ગયો. નાના સૂબેદારશ્રી નશામાં ધૂત હતા. તેમની આસપાસ કાનભંભેરણી કરનારા અને આપણા રાજ્યનું બૂરું ઇચ્છનારા કેટલાંય લોકો બેઠા હતા. મને જોઈને નાના સૂબેદારજી ભડક્યા. મેં છતાં હિંમત કરીને એટલું જ કહ્યું કે, મારે સૂબેદારજીની પ્રતિજ્ઞા પૂરી કરવી છે. બસ સેના લઈને જાટ પર ચડાઈ કરવાની અનુમતિ આપી દો એટલે હું ચાલ્યો જાઉં. પણ એમણે અનુમતિ ના આપી. ઊલટાનું મારું અપમાન કરીને, અપશબ્દો કહીને સેવકો દ્વારા ધક્કો મારીને બહાર કાઢી મુકાયો..... એ પછી...!'
 
`બસ....' અહલ્યાબાઈએ આંખો મીંચી દીધી. માળવા રાજ્યના સેનાપતિને આ રીતે ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યા એ વાતે જ તેમનાં રૂંવાડાં ઊભાં કરી દીધાં હતાં.
 
અહલ્યાબાઈની આંખોમાંથી અપાર આંસુ વહી રહ્યાં હતાં. તુકોજી સામે માથું ઝુકાવીને ઊભા હતા અને તેમને સાંત્વના આપી રહ્યાં હતાં. અહલ્યાબાઈ બોલ્યાં, `તુકોજી, ખરેખર તો મારે આપને સાંત્વના આપવાની હોય. પણ મને સમજાતું નથી કે કયા શબ્દોમાં આપને સાંત્વના આપું. તમારી સાથે જે બન્યું એની કલ્પના માત્ર કરીને, એ સાંભળીને મારું હૃદય ચૂર ચૂર થઈ ગયું છે. શરમથી મારું માથું ઝૂકી જાય છે. મને યાદ છે કે, મોટા સૂબેદાર મલ્હારરાવજીએ પણ કદી તમારી સામે ઊંચા અવાજે વાત નહોતી કરી. મને ખરેખર ખૂબ જ દુઃખ થાય છે. આપ મને ક્ષમા કરો તુકોજી કે મારા રહેતાં આવું થયું!'
 
તુકોજી ગળગળા સાદે બોલ્યા, `અરે.... અરે.... માતોશ્રી, આ શું બોલ્યાં? હું તો આપનો પુત્ર છું. આપે ક્ષમા ના માંગવાની હોય. આપ દુઃખી ના થશો. મને ખબર છે કે આપ પર અપાર દુઃખોનો બોજ છે. એટલે જ હું આપને આ વાત નહોતો કરતો. એ બધું જવા દો. આપ દુઃખી ના થશો.'
 
`ભલે! આપણે કાલે મળીશું !' અહલ્યાબાઈનો જીવ આજે વાત કરવામાં નહોતો. તેમણે કાલે મળવાનું કહીને તુકોજીને રજા આપી. પછી ક્યાંય સુધી એકલાં બેઠાં બેઠાં પોતાના ફૂટેલા ભાગ્ય પર રોતાં રહ્યાં.
 
***
 
(ક્રમશઃ)
 
 
 
આગળના પ્રકરણ : -
 
પ્રકરણ – ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!!
પ્રકરણ - ૯ । હોળકરોના કુળને આમ સ્મશાનવત્ બનાવીને ના જા, દીકરી! હું તારા પગે પડું છું
પ્રકરણ – ૧૦ । ત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દીથી દેદીપ્યમાન એવા મલ્હારરાવના જીવનનો અંત આવ્યો
પ્રકરણ –  ૧૧ । .... અને માલેરાવના રાજ્યારોહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ 
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.