માલેરાવની સ્થિતિ જોઈને હવે અહલ્યાબાઈને નક્કી કર્યું હતું કે આ બધું ઝાઝું નહીં ચાલે. પોતે રાજનીતિમાં રસ લેવો જ પડશે.
આજે વહેલી સવારથી તેઓ તુકોજી સાથે બેઠાં હતાં. માળવાની સેના અંગે અને રાજ્યના વિકાસ અંગે તેમણે ઘણી અગત્યની વાત કરી અને પછી કહ્યું,`તુકોજી, સૌથી પહેલું કામ સેનાનું કરવાનું છે. સેનાની વ્યવસ્થામાં જરા પણ ઢીલાશ ના રહેવી જોઈએ. રાજ્યની સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોય તો રાજ્યનો વિકાસ ઝડપથી થઈ શકે છે.'
`જી અવશ્ય માતોશ્રી!'
`હવે એ કહો કે ગંગોબા તાત્યાના શું ખબર છે?'
ગંગોબા તાત્યા કારભારી હતા. પણ છેલ્લા ઘણા સમયથી તેઓ પોતાની રીતે જ વર્તતા હતા. હજુ બે દિવસ પહેલાં જ તેમણે ગંગોબાને બોલાવીને પ્રજાના ફરિયાદના પત્રોનો નિકાલ કરાવ્યો હતો. પણ તેઓ કારભારીના કાર્ય વિશે વિશ્વાસુ તુકોજી પાસે જાણવા માંગતા હતા એટલે એમને પ્રશ્ન કર્યો.
`માતોશ્રી! હવે સાચું જ કહીશ. જરાય છુપાવીશ નહીં. કારણ કે માળવાની પ્રજા અને ઇજ્જતનો પ્રશ્ન છે. ખરું કહું તો સૂબેદારજી અણસમજનો ગેરફાયદો ગંગોબા લઈ રહ્યા છે. પ્રજાનાં કોઈ કાર્યો બાબતે તેઓ ધ્યાન આપતા નથી અને પોતાની મનમાની ચલાવે છે. સૌથી ખરાબ એ છે કે તેઓ સૂબેદારજીની કાનભંભેરણી કરે છે.'
અહલ્યાબાઈ બોલ્યાં, `હંઅ.... .મેં પણ થોડી ઘણી વાત સાંભળી હતી. હવે આપે કહ્યું એટલે વિશ્વાસ આવી ગયો. હું હાલ જ એને બોલાવું છું!'
અહલ્યાબાઈએ તરત જ મંજુલાને ગંગોબા તાત્યાને બોલાવવા મોકલી. ગંગોબા તાત્યા આવી પહોંચ્યા અને ઝૂકીને અહલ્યાબાઈને પ્રણામ કર્યાં, `માતોશ્રી, આપની સેવામાં હાજર છું.'
`હંઅ...!' અહલ્યાબાઈ બોલ્યાં, `તાત્યા, બે દિવસ પહેલાં પ્રજાની ફરિયાદના પત્રોનો આપણે સાથે નિકાલ કર્યો. એનું પરિણામ શું મળ્યું અને બીજા કેટલા પત્રો આવ્યા છે.'
`માતોશ્રી, પછી તો એક પણ પત્ર નથી આવ્યો. તમે પરિણામની ચિંતા ના કરો. આરામ કરો, હું છું ને!'
`તમે છો એટલે જ ચિંતા છે. અમે આરામ કરીએ અને તમે મોજ કરો એવું જ કરવું છે ને તમારે?'
`માતોશ્રી..... આ શું બોલ્યાં! કોઈએ તમારી કાનભંભેરણી કરી લાગે છે..!' ગંગોબાએ ત્રાંસી અને તીખી નજરે તુકોજી સામે જોતાં કહ્યું.
`અમે કાચા કાનનાં નથી. બધું જ જાણીએ છીએ. હવે કદી મારી સામે આવું બોલતાં વિચાર કરજો સમજ્યા? તમે સૂબેદારજીને પણ આડા પાટે લઈ જવામાં મદદ કરી રહ્યા છો.'
`અરે, માતોશ્રી, નાના સૂબેદારજી હજુ યુવાન છે. થોડો ઘણો શોખ તો કરે. હું રાજપાટનું બરાબર ધ્યાન રાખું છું.'
અહલ્યાબાઈ ગુસ્સામાં બોલ્યાં, `રાજ્યમાં દુષ્કાળ પડ્યો છે, ફરિયાદના પત્રો આવી રહ્યા છે. રાજ્યમાંથી કોઈ મદદ લોકોને મળતી નથી. અધિકારીઓ પર યોગ્ય રીતે નિયંત્રણ નથી થઈ રહ્યું. સૈનિકોને તેમનું મહેનતાણું યોગ્ય સમયે નથી મળતું, શું આ જ રાજપાટ સંભાળ્યું છે તમે?'
`માતોશ્રી, હું નાના સૂબેદારજીની પરવાનગી લઈને, તેમની સાથે ચર્ચા-વિચારણા કરીને પત્રોનો જવાબ આપવાનો જ હતો પણ એ પહેલાં આપે જ...'
`તાત્યા, એક મહિના જૂના પત્રો હતા. એક વાત યાદ રહે કે દુષ્કાળમાં મરનારા મનુષ્યો, પશુ પંખીઓ તમારી પ્રતિક્ષા ના કરી શકે. અને સેનાને પગાર કેમ નથી મળતો?'
ગંગોબા તાત્યાને હવે તુકોજી પર વધારે ચીડ ચડી. એણે ફરીવાર તુકોજી તરફ ઇશારો કરી ઝેર ભરેલા તીર જેવા શબ્દો ફેંક્યા, `મેદાની વીર હવે દીવાનખાનામાં પણ શસ્ત્રો ચલાવવા લાગ્યા છે એમ ને! પણ માતોશ્રી, આપ ચિંતા ના કરો. પગાર થઈ જશે. તમે બસ પ્રભુભજનમાં ધ્યાન આપો!'
અહલ્યાબાઈએ ભયંકર ગુસ્સાથી કહ્યું, `તાત્યા, તારી ઓકાતમાં રહો. નાના મોઢે મોટી વાત સાંભળવાની હું આદિ નથી! મારે શું કરવું જોઈએ એની સલાહ ના આપો. અહીંથી જાવ અને રાજકાજની મહોર, સીલ અને સિક્કા તાત્કાલિક મને પહોંચાડી દો. રોજ આવીને મને બધી ફરિયાદો અને થયેલાં કાર્યો વિશે માહિતી આપજો, સમજ્યા!'
`માતોશ્રી, આપ મારા પર અવિશ્વાસ કરી રહ્યાં છો?'
`મારી આજ્ઞાનું પાલન કરો! સવાલ નહીં!'
તાત્યા ગુસ્સામાં લાલચોળ થતો ઓરડાની બહાર નીકળી ગયા. અને ચાલ્યા ગયા એ પછી તુકોજી બોલ્યાં, `માતોશ્રી, ક્ષમા કરજો પણ આ તાત્યા ઝેરીલો સાપ છે. આપે સાપની પૂંછડી પર પગ મૂકી દીધો છે.'
`તુકોજી..... અમે શંકર ભગવાનની અર્ચના કરીએ છીએ. સાપને કાબૂમાં રાખતાં પણ સારી રીતે જાણીએ છીએ. આવા તો કેટલાય સાપનું ઝેર મેં ગળા નીચે ઉતારી દીધું છે અને કેટલાય સાપ ગળામાં લટકાવી રાખ્યા છે. આપ ચિંતા ના કરો. આપ જઈ શકો છો.'
તુકોજી પ્રણામ કરતાં બહાર નીકળ્યા.
***
સાંજનો સમય હતો. અહલ્યાબાઈ પોતાના ખંડમાં બેઠાં હતાં અને દાસી સગુણા અને મંજુલા સામે ઊભાં ઊભાં વાતો કરી રહ્યાં હતાં.
`માતોશ્રી, એક નવા ખબર હમણા જ આવ્યા છે.'
`બોલ!'
`પેલો માંત્રિક યાદ છે ને? પેલી નિર્મળા દાસી સાથે સંબંધોની વાતને લઈને નાના સૂબેદારજીએ જેને સજા કરી હતી.'
અહલ્યાબાઈ બોલ્યાં, `હા, શું છે એનું?'
`માતોશ્રી, નિર્મળાએ ખુદ કહ્યું કે માંત્રિક સાથે એને કોઈ સંબંધો નહોતા. એણે એમના કુળદેવીનો દીવો હાથમાં લઈને સરપંચ સામે આ વાત કબૂલી છે. એણે એમ પણ કહ્યું કે, આ બધું કરવા માટે એને અમુક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યુ હતું. એ લોકો એ જ છે જે લોકો નાના સૂબેદારજીની આસપાસ ફરે છે અને તેમની કાનભંભેરણી કરે છે.'
`હંઅઅઅ...!' અહલ્યાબાઈ હળવાશથી બોલ્યાં, `એનો અંદાજ તો આપણને હતો જ કે માંત્રિક નિર્દોષ છે. આજે એ સાબિત પણ થઈ ગયું. પણ સૂબેદાર માલેરાવને કોઈએ આ ખબર આપ્યા કે નહીં?'
`હા, આપ્યાને. આ વાત વહેતી વહેતી છેક તેમના સુધી આવી અને અત્યારે બધા દરબારમાં ભેગા થયા છે. માલેરાવની સામે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે!'
વાતો ચાલતી હતી ત્યાં જ તુકોજી આવ્યા. તેમણે અગાઉથી જ અહલ્યાબાઈને મળવા માટે પરવાનગી લઈ રાખી હતી. દાસીઓને ત્યાંથી જવાની સૂચના આપીને તેમણે તુકોજીને બોલાવ્યા.
તુકોજીએ જે કામ હતું તે વાત કરવા માંડી એટલે અહલ્યાબાઈએ તેમને અધવચ્ચે જ અટકાવીને પૂછ્યું, `એ વાત પછી કરીએ. પરંતુ એ કહો કે માંત્રિકવાળા કિસ્સામાં હમણાં દરબારમાં બધા ભેગા થયા ત્યારે તમે હતા?'
`હા, હતો!'
`માલેરાવે શું કહ્યું!'
`માતોશ્રી સાચું કહું, આજે પહેલીવાર મેં એમને મૌન થઈ ગયેલા જોયા. એમના ચહેરા પર આજે પહેલીવાર ચિંતાની રેખાઓ જોઈ. એ અંદરથી ધ્રૂજી ઊઠ્યા હતા એવું લાગ્યું.'
`હેં.... શું વાત કરો છો?'
`હા માતોશ્રી. આપ નહીં માનો પણ પહેલીવાર મને એમના ચહેરા પર ખોટું કર્યાની ભાવના પણ દેખાઈ અને થોડોઘણો ડર પણ દેખાયો. અંદર શું છે એ ઈશ્વર જાણે પણ મેં નાના સૂબેદારજીને આવા સ્વરૂપમાં કદી નથી જોયા.'
અહલ્યાબાઈની આંખો તર થઈ ગઈ હતી, તેમણે કહ્યું,`તુકોજી, ભગવાનને પ્રાર્થના કરો કે, મારા માલેરાવના ચહેરા પર જે લાગણી હતી એ સાચી હોય. એની આંખોમાં જે દુઃખ હતું એ સાચું હોય, કારણ કે જેને લાગણી હોય છે એ જ પ્રજાનાં કાર્યો કરી શકે છે.'
`માતોશ્રી, હું પણ મનમાં એ જ વિચારું છું. મારી ભગવાનને પ્રાર્થના છે જ. ભોળા શંભુ બધું જ સારું કરશે. આપ ચિંતા ના કરો.'
રાતનો એક વાગ્યો હતો. માલેરાવ તેમના વિશાળ ખંડમાં એકલા સૂતા હતા. આજે સતત એમને માંત્રિકના વિચારો આવી રહ્યા હતા. આજે સાબિત થઈ ગયું હતું કે, એ નિર્દોષ હતો અને પોતે કોરડા મારી મારીને એને મારી નાંખ્યો. કોરડા મારતી વખતે તે ચીસો પાડતો હતો. એ ચીસો દસ ગણી થઈને કાનમાં પડદા ફાડી રહી હતી. `બચાવો... બચાવો... હું નિર્દોષ છું. મારે નિર્મળા સાથે કંઈ નથી. મને મારશો નહીં.... સૂબેદારજી!'
એક કલાક આ અવાજે તેમને પરેશાન કર્યા પછી અચાનક એક લાંબુ અટ્ટહાસ્ય તેમના કાનમાં ઠલવાયું. એ ઊંઘમાં જ હતા પણ બંધ આંખનાં પોપચાં પર કેટકેટલાંયે દૃશ્યો તરવરી ઊઠ્યાં. આંખો સામે કાળા-ડિબાંગ અંધારાં છવાયેલાં હતાં. એમાં એક ધૂંંધળો ચહેરો ઊપસી રહ્યો હતો. થોડીવાર પછી અચાનક એ ચહેરો સ્પષ્ટ થયો. એ માંત્રિકનો ચહેરો હતો. એ ચહેરો રડી રહ્યો હતો, ચીસો પાડી રહ્યો હતો અને બચાવો બચાવોની બૂમો પાડી રહ્યો હતો. પછી અચાનક એ ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. એ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, `માલેરાવ, સૂબેદાર માલેરાવ.... આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું ને! હું નિર્દોષ હતો છતાં તેં મને મારી નાંખ્યો.'
`હા..... ભાઈ મને માફ કર!' માલેરાવ ઊંઘમાં જ બોલ્યા.
`માફ અને તને.... તું તો નરાધમ છે. તારા લીધે મારા સંસારનો માળો વિંખાઈ ગયો. મારો પરિવાર રઝળી પડ્યો! હું આ ઘડીની જ રાહ જોઈ રહ્યો હતો. હવે હું નિર્દોષ સાબિત થઈ ગયો. હવે હું તને છોડીશ નહીં. મેં કહ્યું હતું ને કે હું માંત્રિક છું. પાછો આવીશ અને જીવ લઈ લઈશ..... હા...હા...હા....'
`ના.....ના..... છોડી દે મને...' માલેરાવ જોરથી ચીખી ઊઠ્યા. માંત્રિક ખડખડાટ હસતો ગાયબ ગઈ ગયો.
એ આખી રાત માલેરાવ પડખાં ફરતાં રહ્યા. સવારે ઊઠ્યા ત્યારે તેમને સખત તાવ હતો. તાત્કાલિક વૈદ્યજીને બોલાવવામાં આવ્યા. તેમણે ખરલમાં ઘૂંંટીને કેટલીક જડીબુટ્ટીઓ આપી અને કહ્યું, `સામાન્ય જ્વર છે, સાંજ સુધીમાં સારું થઈ જશે.'
સાંજ પડી ગઈ અને રાત પણ ગઈ. માલેરાવને સારું ના થયું. સારું થવાને બદલે તાવ વધ્યો. સાંજે અહલ્યાબાઈ તેમની પાસે આવ્યાં. માલેરાવના માથે હાથ ફેરવ્યો અને કહ્યું,`દીકરા, તારા માટે મને ખૂબ ઉત્સાહ હતો. તારા હૃદયમાં લાગણી જન્મી એ જાણીને હું ખૂબ ખુશ હતી. તારી સાથે કેટલીયે વાતો કરવાની હતી અને તું માંદો પડી ગયો. જલદી સાજો થઈ જા બેટા!'
માલેરાવ કંઈ બોલી ના શક્યા, ચોધાર આંસુએ રડી પડ્યા. માતાએ માથે ક્યાંય સુધી હાથ ફેરવ્યો. માતા અહલ્યાબાઈ મોડી રાત સુધી દીકરા પાસે બેઠાં. દીકરો યુવાન થયા પછી પહેલીવાર માતા એની પાસે આ રીતે બેઠાં હતાં. એમના હૃદયમાં પણ અવનવા ભાવ ઊમટી રહ્યા હતા. મોડી રાત્રે અહલ્યાબાઈ સૂવા ગયાં ત્યારે તેમના મનમાં અનેક વિચારો રમી રહ્યા હતા. હવે તો દીકરો સુધરી ગયો, હવે એ સારી રીતે રાજ કરશે. પરિવાર ફરી હર્યો-ભર્યો થઈ જશે અને માળવા અને હોળકર વંશની ખ્યાતિ ચોમેર ફેલાઈ જશે. પરંતુ અહલ્યાબાઈ ધારતાં હતાં તેનાથી તદ્દન વિપરીત લેખો વિધાતાએ લખી રાખ્યા હતા.
માલેરાવને માંદા પડ્યાને એક અઠવાડિયું થઈ ગયું હતું. તેમનો તાવ ઊતરતો જ નહોતો. અઠવાડિયામાં તો તેમનું શરીર સુકાઈને ઠૂંઠું થઈ ગયું હતું. રાજવૈદ્યની કંઈ કારી ના ફાવી એટલે બીજા ચાર વૈદ્યો બહારથી તેમની સારવાર માટે બોલાવવામાં આવ્યા હતા. વૈદ્યોએ નાડી જોઈને ઔષધીઓ આપી.
અહલ્યાબાઈએ પૂછ્યું, `વૈદ્યરાજ, શું છે? માલેરાવને સારું કેમ નથી થતું.'
એક વૈદ્ય બોલ્યા, `માતોશ્રી, અમે નાડીની તપાસ કરી લીધી છે.. વાત, પિત્ત, કફ બધું જ બરાબર છે. રોગનું કંઈ નિદાન આવતુંં નથી. સમજાતું નથી કે શેને લીધે જ્વર ઘટતો નથી.'
મુખ્ય વૈદ્યરાજ બોલ્યા, `માત્ર જ્વરનો રોગ નથી. તેમને ચિત્તભ્રમ પણ થઈ ગયું છે. તેમના મનમાં એવું કંઈક ચાલી રહ્યુંં છે જે ઔષધીઓની અસર થવા દેતું નથી. કોઈ વાત તેમને અંદર ને અંદર કોરી રહી છે. એના કારણે દિવસે ને દિવસે તેમની તબિયત બગડતી જાય છે.'
`વૈદ્યરાજ, ગમે તેમ કરો. મારા માલેરાવને ફરી ઊભો કરી દો.'
`ચિંતા ના કરો માતોશ્રી! અમે ચિત્તભ્રમની ઔષધી પણ આપી છે. તેમને સારું થઈ જશે પણ સમય ઘણો લાગશે.'
સમય ઘણો વીતી ગયો. બે મહિનાથી વધારે સમય વીતી ગયો હતો. હવે તો માલેરાવ સાવ કૃશકાય થઈ ગયા હતા. અનેક વૈદ્યો આવ્યા અને ગયા પણ કોઈ એમનો રોગ મટાડી શક્યું નહીં. હવે તો તેમણે ખાવા-પીવાનું પણ બંધ કરી દીધું હતું. અહલ્યાબાઈએ અનેક વખત તેમને પૂછ્યું હતું કે, `બેટા, તને કોઈ ચિંતા છે? કોઈ હેરાનગતી છે? મુશ્કેલી હોય તે કહે પણ આમ ચૂપ ના રહે.' પણ માલેરાવનું ચિત્ત ભ્રમિત થઈ ગયું હતું. એમને યાદ જ નહોતું રહેતું કે, તેમને શું થાય છે. માંત્રિક રોજ રાતે તેમની સામે આવતો, તેમના વિચારોમાં આવતો અને તેમને હેરાન કરતો. પણ તેઓ કોઈને કહી ના શક્યા. મનમાં ને મનમાં મુંઝાયા કર્યા. માંત્રિકની હત્યાની ગુનાહિત લાગણી તેમને જંપવા નહોતી દેતી.
આખરે સત્ય ક્યાં સુધી છૂપું રહી શકે? માલેરાવની સારવાર માટે એક વખત અહલ્યાબાઈએ એક જ્યોતિષને બોલાવ્યા.
પંડિતજીએ કહ્યું, `ચિંતા ના કરો. મારી પાસે બધાનો ઇલાજ છે. બાબરો ભૂત હશે કે મામો, ડાકણ હશે કે ચુડેલ. કોઈ અવગતિયો આત્મા હશે કે રંજાડતો જીવ. બધાને વશ કરવાની તાકાત છે મારામાં. જોઉં છું કોણ છે!'
પંડિતજીએ આંગળીના વેઢે ગ્રહોની ગણતરી માંડી. પછી તેમણે લાવેલો સામાન ઓરડાની મધ્યમાં મૂક્યો. એક હવનકુંડીની ફરતે અબીલ અને ગુલાલની રેખા આંકી. ચારે ખૂણે લીંબુ મૂક્યાં. એક શ્રીફળને કાળા કપડામાં બાંધીને ઘરના દરવાજે બાંધ્યું અને વિધિ શરૂ કરી. હવનકુંડમાં લાકડાં અને છાણાં સળગી ઊઠ્યાં. માલેરાવ એ જ ખંડમાં સૂતા હતા અને અહલ્યાબાઈ, હરકુંવરબા તથા બંને પુત્રવધૂઓ હાથ જોડીને નીચે બેઠી હતી.
`ઓમ શ્રીં ક્લીં ચામુંડા યૈ વિચ્ચે... ઓમ.....!' પંડિતજીએ મંત્રો ચાલુ કર્યા. લગભગ અરધા કલાક સુધી તેમણે વિધિ કરી. અચાનક હવનકુંડમાંથી આગનો ભડકો તેજ થયો. પંડિતજીએ પૂછ્યું, `કોણ છે તું?'
`હું માંત્રિક...' અવાજ માત્ર પંડિતજીને જ સંભળાયો.
`શું કરવા આવ્યો છે?'
`બદલો.... બદલો લેવા. મારા મોતનો બદલો લેવા....!'
`શુ જોઈએ છે તારે?'
`જીવ!'
`જીવના બદલે બીજું જે માગ એ આપુ. લોહી રહેવા દે... બોલ!'
`ના.... જીવ એટલે જીવ અને માલેરાવનો જ!'
`હું તને સમજાવું છું. સમજી જા....! નહીંતર મારા જેવો કોઈ....'
પંડિતજી બોલી રહ્યા હતા ત્યાં જ માંત્રિક તાડુક્યો, `એય.... પંડા! ચલ હટ.... તારા જેવા તો કેટલાયે આવીને ગયા. તું મારી સાથે વાત કરી શકે, મારી જાત સાથે કંઈ ના કરી શકે. હું માલેરાવને છોડવાનો નથી. થાય તે કરી લે...હા...હા..હા...!'
`તો પછી હું યે જોઉં છું કે તું કેમ નથી જતો.' બોલીને પંડિતજીએ જોરથી હવનકુંડની આગમાં કંઈક હોમ્યું. એક મોટો ભડકો થયો. માંત્રિક ગાયબ થઈ ગયો અને આગ શાંત પડી ગઈ.
***
(ક્રમશઃ)