પ્રકરણ – ૧૪ । ડોળાને જાણે બહાર ફંગોળવા હોય એમ આંખો પહોળી કરીને માલેરાવે માથું ઢાળી દીધું

03 Oct 2024 15:55:44

ahilyabai holkar
 
 
પંડિતજી હવામાં કોઈની સાથે વાત કરી રહ્યા હતા એ જોઈને અહલ્યાબાઈ, હરકુંવરબાઈ અને માલેરાવની બંને પત્નીઓને પરસેવો વળી ગયો હતો. વિધિ પૂર્ણ થયા પછી અહલ્યાબાઈએ પૂછ્યું `પંડિતજી, શું વાત છે? આપ કોની સાથે વાત કરી રહ્યા હતા?'
 
પંડિતજીએ ગંભીરતાથી કહ્યું, `માંત્રિકનો આત્મા હતો. એનો આત્મા રિબાય છે. માલેરાવજીને જે કંઈ છે એ રોગ નથી પણ એ અવગતિયા જીવનું જ બધું કરેલું છે.'
 
`હે ભગવાન, આપ શું કહો છો? આવું પણ હોય?'
 
`હા, તમે સાચું માનો કે ના માનો પણ મેં જે જોયું એ આ જ છે. મેં જાતે જ માંત્રિક સાથે વાત કરી છે.'
 
`પણ એ શા માટે આવ્યો છે!'
 
`માતોશ્રી, મને અને તમને જ નહીં આખા માળવાને ખબર છે કે, માલેરાવજીએ ભૂલથી માંત્રિકને મૃત્યુદંડ આપ્યો હતો. એ એનો બદલો લેવા આવ્યો છે.'
 
`તે શું ઇચ્છે છે?'
 
`જીવ...!' પંડિતજીએ ચોખ્ખું જ કહી દીધું. માલેરાવની બંને પત્નીઓ આક્રંદ કરીને રડી ઊઠી. અહલ્યાબાઈ થથરી ઊઠ્યાં. એમણે પંડિતજી સામે બે હાથ જોડ્યા, `પંડિતજી, માલેરાવે ભૂલ કરી એ કબૂલ પણ એને હવે પસ્તાવો પણ થાય છે. એની ભૂલ બદલ માંત્રિકનો આત્મા કહે એ બધું જ કરવા તૈયાર છીએ. બસ મારા દીકરાને છોડી દે એવું કંઈક કરો.'
`મેં કહ્યું પણ આ અવગતિયા જીવ એમ જલદી ના માને. એમને પાંચમુ રતન બતાવવું પડે. તમે માલેરાવની જરાય ચિંતા ના કરો. પાંચ દિવસ પછી અમાસ છે. હું એ દિવસે સ્મશાનમાં જઈને એક વિધિ કરી આવીશ એટલે માંત્રિક તો શું એના બાપે પણ માલેરાવજીને છોડવા પડશે.'
 
`તો તો તમારા જેવો ભગવાને ય નહીં. બસ, હવે તો જલદી અમાસ આવે અને મારો માલેરાવ સાજો થઈ જાય એવી જ ભગવાનને વિનંતી!' અહલ્યાબાઈ બોલ્યાં. એ પછી પંડિતજી સાથે કેટલીયે વાતો થઈ. અને મોડી રાત્રે તેમણે વિદાય લીધી.
 
***
 
પંડિતજીએ અમાસના દિવસે વિધિ કરવાનું કહ્યુંં હતું. અમાસને હજુ ત્રણ દિવસોની વાર હતી. એક વખત રાત્રે માલેરાવની તબિયત ખૂબ બગડી. ભયંકર તાવ ચડ્યો હતો. તેઓ લવારીએ ચડી ગયા હતા. તેમની પ્રથમ રાણી એ વખતે તેમની પાસે હતી. તે ગભરાઈ ગઈ. તાત્કાલિક માતોશ્રી, હરકુંવરબા અને માલેરાવની બીજી રાણીને ઉઠાડ્યા. બધાં જ તેમના કક્ષમાં આવી પહોંચ્યાં. માલેરાવ જાણે તરફડિયાં મારતાં મારતાં કંઈક કહી રહ્યા હતા. પણ શું કહી રહ્યા હતા એ કોઈને સમજાતું નહોતું. રાજવૈદ્યે આપેલી ઔષધિઓ કંઈ કામ નહોતી આવતી. અહલ્યાબાઈએ રાત્રે ને રાત્રે દૂત દોડાવ્યો અને પંડિતજીને બોલાવ્યા. બીજા એક દૂતને અન્ય વૈદ્યજીને બોલાવવા મોકલ્યો.
 
માલેરાવનો વલવલાટ જોઈને માતા અહલ્યાબાઈએ તેમના માથે હાથ ફેરવીને કહ્યું, `બેટા, ચિંતા ના કર. પંડિતજીને બોલાવવા મોકલ્યા છે. એ આવશે પછી બધું સારું થઈ જશે. અને વૈદ્યરાજ પણ આવે છે.'
 
`હા, બેટા હવે અમાસ પણ નજીક છે. અમાસના દિવસે પંડિતજી એક પૂજા-વિધિ કરશે એટલે તને બધું જ સારું થઈ જશે.' હરકુંવરબાએ માલેરાવનો હાથ પોતાના હાથમાં લઈને પસવારતાં કહ્યું.
 
માલેરાવની બંને પત્નીઓ તેમની પાસે ઊભી ઊભી આંસુ સાથે આશ્વાસન આપી રહી હતી. થોડી ક્ષણો એમ જ પસાર થઈ. પછી માલેરાવે ડોળાને જાણે બહાર ફંગોળવા હોય એ રીતે આંખો પહોળી કરી. કંઈક બોલ્યા અને પછી આંખોનાં પોપચાં બિડાઈ ગયાં. એમનું માથું એક તરફ ઢળી ગયું. પંડિતજી કે વૈદ્યરાજ આવે એ પહેલાં જ, અમાસની વિધિ થાય એ પહેલાં જ માલેરાવ ચાલ્યા ગયા.
 
થોડીવાર ઓરડામાં સોપો પડી ગયો. અહલ્યાબાઈએ માલેરાવના ઢળી ગયેલા મસ્તકને સીધું કર્યું અને રાડ પાડતાં હોય એમ બોલ્યા, `માલેરાવ.... બેટા માલેરાવ...!'
 
પણ કોઈ જવાબ ના આવ્યો. અહલ્યાબાઈ, હરકુંવરબાઈ અને માલેરાવની પત્નીઓના ગળામાંથી મહેલની છત ચિરાઈ જાય એવી રાડ નીકળી ગઈ. માલેરાવના નિર્જીવ દેહ પર ચારેય ઢગલો થઈ ગયાં.
 
***
 
સવાર પડતાં સુધીમાં તો સમગ્ર માળવા અને આસપાસના બધા જ વિસ્તારોમાં માલેરાવના અવસાનના સમાચાર પહોંચી ગયા.
 
ઉંમર નાની હતી અને વળી તેઓ સૂબેદાર હતા. મલ્હારાવ હોળકર જેવા સૂબેદારના વંશજ હતા એટલે અગ્નિસંસ્કાર માટે અમુક લોકોની રાહ જોવી જરૂરી હતી. બપોર ચડતાં સુધીમાં દૂર દૂરથી અનેક મહાનુભાવો આવી પહોંચ્યા. પછી વિધિ-વિધાન મુજબ તેમની અંતિમ યાત્રા નીકળી. માળવાની જનતાને માલેરાવે ખૂબ રંજાડી હતી, પણ જનતાને એ પણ ખબર હતી કે, તેમને અંતે ખૂબ પસ્તાવો થતો હતો. આથી જનતાની આંખોમાં પણ તેમના મૃત્યુ માટે ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.
આખરે માલેરાવનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. જાણે મહેલનો આખરી સ્તંભ પણ પડી ગયો હતો. અહલ્યાબાઈ તૂટી ગયાં હતાં, તરડાઈ ગયાં હતાં. તેમની પત્નીઓને બોલવાની પણ ક્ષમતા નહોતી અને હરકુંવરબાનાં તો આંસુ જ નહોતાં રોકાતાં.
 
માલેરાવનું મૃત્યુ આખા માળવા માટે આઘાતજનક તો હતું જ, પણ સાથે સાથે ચર્ચાનો વિષય પણ બન્યું હતું. લોકો વાતો કરતાં હતાં કે, આખરે માંત્રિકના આત્માએ જ એમનો જીવ લીધો છે. માંત્રિકના મૃત્યુ પછી તે નિર્દોષ ઠરતાં માલેરાવને ખૂબ જ પસ્તાવો થયો હતો. તેમને તેની હત્યાની ગુનાહિત લાગણી અંદર ને અંદર કોરી રહી હતી. માંત્રિકની હત્યાનું ભારે દબાણ તેમના હૃદયમાંથી નીકળ્યું જ નહીં. વળી પાછું રોજ રાત્રે એમને માંત્રિક દેખાતો હતો. એના શબ્દો યાદ આવતા હતા કે, `હું તમને છોડીશ નહીં.' આ ભયના કારણે તેઓ અકળ બીમારીમાં જ રહ્યા અને આખરે ચાલ્યા ગયા.
 
જનતામાં આવી વાતો દિવસો સુધી ચાલી. પછી જનતા પણ બધું ભૂલી ગઈ અને બધું રાબેતા મુજબ ચાલવા લાગ્યું. માત્ર નહોતાં ભૂલ્યાં એક માતોશ્રી. એકના એક પુત્રના અવસાને તેમને સાવ ભાંગી નાંખ્યાં હતાં. આમ પણ જીવનમાં તેમણે પહેલાંથી દુઃખ જ જોયાં હતાં. ખંડેરાવ પણ સદા નશા અને સુંદરીમાં વ્યસ્ત રહેતા એટલે પતિસુખ મળ્યું જ નહીં. માંડ માંડ તેમનામાં સહેજ સુધારો થયો ત્યાં જ તેઓ ચાલ્યા ગયા. એ પછી સસરાજી ગયા. અદ્દલ એવું ને એવું જ દીકરાનું પણ બન્યું. એ તો પિતા ખંડેરાવ કરતાં પણ બે કદમ આગળ હતો. માંડ માંડ એનામાં પણ સુધારો થયો ત્યાં જ એ પણ અધવચ્ચે મૂકીને ચાલ્યો ગયો. એક એકલી સ્ત્રી, આટલી નાની ઉંમરમાં કેટલું દુઃખ સહન કરે? અહલ્યાબાઈ પર નાની ઉંમરમાં આવી પડેલાં દુઃખોની કલ્પના માત્રથી લોકો ધ્રૂજી ઊઠતા હતા. પણ હજુ એક મોટુ દુઃખ એમના જીવનમાં આવવા માટે ટકોરા મારી રહ્યું હતું.
 
***
 
(ક્રમશઃ)
 
 
આગળના પ્રકરણ : -
 
પ્રકરણ – ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!!
પ્રકરણ - ૯ । હોળકરોના કુળને આમ સ્મશાનવત્ બનાવીને ના જા, દીકરી! હું તારા પગે પડું છું
પ્રકરણ – ૧૦ । ત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દીથી દેદીપ્યમાન એવા મલ્હારરાવના જીવનનો અંત આવ્યો
પ્રકરણ – ૧૧ । .... અને માલેરાવના રાજ્યારોહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ
પ્રકરણ - ૧૨ । માલેરાવે એક નિર્દોષ માંત્રિકને જાહેરમાં કોરડા મારીને મારી નાંખ્યો
પ્રકરણ -  ૧૩ । પુત્રને જીવનમાં પહેલીવાર લાગણી જન્મી એ જોઈને માતોશ્રી આનંદિત થઈ ગયાં 
 
 
Powered By Sangraha 9.0