પ્રકરણ – ૧૫ । હોળકરોની સંપત્તિ પચાવી પાડવા વિશ્વાસુઓ જ વેરી બન્યા

03 Oct 2024 16:12:15

ahilyabai holkar jivankatha
 
 
ઇંદોરની ધરતી પર અંધારું ઊતરી રહ્યું હતું. અષાઢ મહિનાનો ધોધમાર વરસાદ અને સાંય સાંય વાતો પવન. આખું નગર ભીનું ભીનું થઈ ગયું હતું. આ ઘટ્ટ અંધારા જેવું જ અંધારું અહલ્યાબાઈના હૃદયમાં પણ ઊતરી આવ્યું હતું. એકના એક પુત્ર માલેરાવના મૃત્યુને હજુ એક મહિનો પણ નહોતો થયો. એની જુદાઈના જખમનું ભીંગડું કાચું જ હતું એને આ વરસાદી સાંજે ફરીવાર ઉખાડી નાંખ્યુ હતું. પુત્રની યાદના વરસાદ સાથે સાથે તેમના મનમાં માળવાની ગાદી, હોળકરોની લાખોની સંપત્તિ અને બીજા અનેક વિચારોની વીજળી પણ કડાકા મારી રહી હતી. અહલ્યાબાઈ વિચારી રહ્યાં હતાં કે, હોળકરોની સંપત્તિનો કોઈ પુરુષ વારસ નથી એટલે લોકોની નજર એના પર જરૂર બગડવાની. હું ગમે તેટલી સક્ષમ હોઈશ તો પણ કેટલાક લોકો મારો સ્ત્રી હોવાનો ગેરફાયદો ઉઠાવવાના જ.
 
એક તો પુત્રનો વિયોગ અને બીજી તરફ રાજ્યની સંપત્તિની ચિંતા. અહલ્યાબાઈ હતાશા અને ચિંતાના મહાસાગરમાં જાણે ડૂબી રહ્યાં હતાં.
 
એવું કહેવાય છે કે, ક્યારેક તમે જે વિચારતા હોય એ બનતું જ હોય છે. અહલ્યાબાઈ મહેલના એક છેડે બેઠાં બેઠાં પુત્રના વિયોગની આગમાં બળી રહ્યાં હતાં અને હોળકરોની સંપત્તિનો વિચાર અને ચિંતા કરી રહ્યાં હતાં. એ જ વખતે બીજી તરફ હોળકરોની સંપત્તિ પર એક મોટા દુશ્મનની ફેણના ફુંફાડા ઝેર વરસાવી રહ્યા હતા.
 
એ કાળોતરાના કાળા ઇરાદાઓથી મલ્હારરાવનાં પત્ની હરકુંવરબા અને મલ્હારરાવનાં પુત્રી ઉદાબાઈને માહિતી આપવા માટે રાજ્યનો વિશ્વાસુ સાથી શિવાજી ગોપાળ તેમની પાસે દોડી આવ્યો હતો. શિવાજીનો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈને હરકુંવરબાએ પૂછ્યું, `અરે, શિવાજી! આટલી મોડી સાંજે આવવું પડ્યું! બધું કુશળ તો છે ને?'
 
શિવાજી થોડીવાર કંઈ બોલી ના શક્યા. તેમનો ઉદાસ ચહેરો જોઈને ઉદાબાઈ બોલ્યાં, `માસી, એમાં પૂછવાનું જ ના હોય. શિવાજીનો ગંભીર અને ચિંતાગ્રસ્ત ચહેરો જ કહે છે કે નક્કી કંઈક ગરબડ છે. બોલો શિવાજી, શું થયું છે?'
આખરે શિવાજી બોલ્યો, `આપણા મહેલ પર, આખા હોળકર ખાનદાન પર આફતનાં વાવાઝોડાં મંડાઈ ગયાં છે, બા સાહેબ! માતોશ્રી અહલ્યાબાઈએ દતક પુત્ર લેવાની ના પાડી એટલે આપણા એક વિશ્વાસુ અને જૂના સાથીએ આપણી બધી જ સંપત્તિ હડપ કરવાનો પેંતરો રચ્યો છે.'
 
`હેં... શું વાત કરે છે? કોણ છે એ?' હરકુંવરબાઈએ આંચકાથી પૂછ્યું.
 
શિવાજીએ કડવું કારેલું ખવાઈ ગયું હોય એવું મોં કરીને કહ્યું, `ડંખ કોણ મારે દૂધ પાઈને ઉછેરેલા સાપ સિવાય?'
`તું ઉખાણાના ઊંડા કૂવા ખોદ્યા વિના બોલ.' હરકુંવરબાએ કહ્યું.
 
`તો સાંભળો, આપણા ગંગાધર યશવંતજી. આપણા માનીતા વિશ્વાસુ વ્યક્તિ. હોળકરોના સૌથી જૂના દીવાન અને આપણે જેને તાત્યા તાત્યા કહીને માન આપતાં થાકતાં નથી એ ગંગાધર તાત્યા આપણી સંપત્તિને હડપ કરી લેવા માટે મેદાને પડ્યા છે.'
`એવું શક્ય જ નથી. તાત્યા તો આપણા અત્યંત વિશ્વાસુ છે. તું એવું શા પરથી કહી શકે? કોઈ પુરાવો છે તારી પાસે?'
 
`પુરાવો ના હોત તો હું પણ ના માનત બા સાહેબ. હકીકત એ છે કે તાત્યાએ માધવરાવ પેશવાના કાકા રઘુનાથરાવ સાથે સલાહ સંધિ કરીને હોળકરોની સંપત્તિ ટાંચમાં લેવાનું નક્કી કરી લીધું છે. આ માટે તેમને જે કંઈ પણ કરવું પડશે એ કરવા માટે બધા તૈયાર છે. મારી પાસે આ આખા ષડયંત્રનો પત્ર છે. આ પત્ર રઘુનાથરાવ એટલે કે દાદાસાહેબને ખુદ આપણા ગંગાધર તાત્યાએ જ લખ્યો છે. તેમણે લખ્યું છે કે, `હોળકરોની દોલતનો કોઈ વારસ નથી અને બાઈમાં એને સંભાળવાની ક્ષમતા નથી, માટે સંપત્તિ વેડફાઈ જાય કે કોઈ હડપ કરી જાય એ પહેલાં હલ્લો કરીને તત્કાળ તેને જપ્ત કરી લેવી જોઈએ.' તમે જુઓ તો ખરા બા સાહેબ, આપણે જેને આખી જિંદગી નમક આપ્યું એ જ આપણા મહેલના પાયામાં લૂણો લગાડી રહ્યો છે.'
 
`અરેરે... આ તો બહુ બૂરું થયું!'
 
`બા સાહેબ, જો આપણી સંપત્તિને બચાવવા માતોશ્રી તત્કાળ કોઈ નિર્ણય નહીં લે તો અમારે બધાએ ભીખ માંગવાનો વારો આવશે અને આપે બધાએ ઘંટી ઢસડવાનો.'
 
`આ નરાધમ દીવાન ચાલીસ વર્ષ દૂધ પીને હવે ઝેર ઓંકે છે?'
 
`પણ શિવાજી, અત્યારે અહલ્યાબાઈ પુત્રશોકમાં છે. ઓરડાની બહાર પણ નથી નીકળતાં. આખો દિવસ પ્રભુના ચરણોમાં બેસીને રડ્યા કરે છે. એ સંજોગોમાં એમને આ જાણ કેવી રીતે કરવી? કરીએ તો પણ તેઓ અત્યારે કંઈ કરી શકે તેવું મને નથી લાગતું. અમે બંને બાઈ માણસ તો કંઈ કરી શકીએ તેમ જ નથી. હવે શું કરી શકાય?'
 
શિવાજી ગોપાળ સ્પષ્ટવક્તા હતા. તેમણે કહ્યું, `અત્યારે બીજું બધું જ બાજુ પર મૂકીને જે કરવું પડે એ બધું જ કરી છૂટવું જોઈએ. ગંગોબા તાત્યાએ શ્રીમંત રાઘોબાદાદાને લખેલા પત્રની નકલ મારી પાસે છે. આપ આ નકલ લો અને હમણાં ને હમણાં જ માતોશ્રી પાસે જઈને એમને બતાવો. તેમને કહો કે, હોળકરની સંપત્તિ પર, જીવન પર આફત આવી પહોંચી છે, માટે અત્યારે શોકને પોટલે બાંધીને નર્મદામાં વહાવી દો અને હિંમતથી વિશ્વાસઘાતીઓને સબક શીખવાડો. આપણા મહાન સૂબેદારજી સ્વર્ગવાસી મલ્હારરાવે પેશવાના રાજ્યનો પાયો નાંખ્યો છે. પેશવાની આબરૂની ઇમારત આજે અડીખમ ઊભી છે એમાં આપણા સૂબેદારે પરસેવો જ નહીં લોહી પણ રેડ્યું છે. અનેક યુદ્ધ જીતીને પેશવાઓની આન-બાન અને શાન વધારી આપી છે. આજે હવે એ જ પેશવાના કાકા જો આપણા પર ચડાઈ કરતા હોય તો આ જાણ માધવરાવ પેશવાને કરવી જોઈએ. એટલું જ નહીં ભોંસલે, ગાયકવાડ, દાબાડે વગેરે બધાને પત્રો લખીને આપણા પર આવેલા આ સંકટની જાણ કરવી જોઈએ.'
 
`હા, ભાઈ, તારી વાત સાચી છે પણ આપણો કોઈ વારસ હોત તો આ સંકટ જ ના આવત.'
 
`બા સાહેબ, આમ તો માતોશ્રી અહલ્યાબાઈની પુત્રી મુક્તાબાઈનો પુત્ર અને આપણો ભાણેજ નથુબા આપણો વારસ જ ગણાય. એની ઉંમર હજુ સાવ કાચી છે. સત્તાની ધુરા સંભાળનાર તો ખભા પર ભાલો લઈને ઘોડા પર સવાર થવા જેટલો સમર્થ હોવો જોઈએ. પણ મારો સુઝાવ એવો છે કે, જ્યાં સુધી નથુબા સક્ષમ અને મોટો ના થાય ત્યાં સુધી તુકોજીને આપણી ગાદી આપવી જોઈએ. તેઓ વફાદાર, વિશ્વાસુ અને બહાદુર છે. એમનાથી ઉત્તમ બીજું કોઈ નથી. આ મારું નમ્ર સૂચન છે. બાકી આપ સૌને જે યોગ્ય લાગે તે. બસ હોળકરની સંપત્તિ અને જનતાને કંઈ ના થાય એટલું જ મારે તો કહેવું છે.'
 
`કશું જ નહીં થાય. તું ચિંતા ના કર. અમે અહલ્યા પાસે જઈએ છીએ.'
 
`ઠીક છે, હું પણ સાથે આવું છું. ખંડની બહાર ઊભો રહીશ. કંઈ પણ જરૂર પડે તો મને બોલાવજો.' શિવાજી ગોપાળ બોલ્યા.
જોગાનુજોગ એ વખતે અહલ્યાબાઈ આ જ વિચારો કરી રહ્યાં હતાં. તેમના મનને ક્યાંય ચેન નહોતું પડતું. તેઓ ક્યારનાંયે ઓરડામાં આંટા મારી રહ્યાં હતાં. આખરે થાકીને તેઓ ઓરડાની અંદર જ આવેલા વિશાળ દેવઘરમાં પ્રવેશ્યાં. ક્ષણભર આંખો મીંચીને મલ્લહારી માર્તંડના ચરણમાં મસ્તક ઝુકાવીને બેસી ગયાં. ધીરે ધીરે જાણે મન પરનો ભાર હળવો થતો જતો હોય એવું લાગ્યું. આ સુખદ અવસ્થામાં થોડીવાર બેસીને તેઓ અનુભવી રહ્યાં હતાં કે, જાણે ઈશ્વરની કૃપાની અનુભૂતિ થઈ રહી છે. બંધ આંખો સમક્ષ ધીરે ધીરે ત્રુટક ત્રુટક દૃશ્યો પસાર થવા લાગ્યાં. તેઓ ભૂતકાળમાં સરવા લાગ્યાં. તેમની આંખો સમક્ષ તેમના સ્વર્ગવાસી સસરાજી મલ્હારરાવજી અને સાસુ ગૌતમાબાઈની મુખમુદ્રા તરવરવા લાગી. તેમને સસરાજીના શબ્દો યાદ આવવા લાગ્યા, `બેટા, એક વાત યાદ રાખજે કે, આપણા હિતશત્રુ કરતાં આપણો દેખીતો શત્રુ સારો. શત્રુને ક્ષમા આપવી સારી પણ દગાબાજોને કદી છોડવા નહીં.' મલ્હારરાવજીએ તેમને જે કંઈ શીખવ્યું હતું એ બધું એક એક કરીને તેમને યાદ આવવા લાગ્યું. યુદ્ધભૂમિમાં અને રાજકારણમાં શાબ્દિક દાવપેચ કેવી રીતે ખેલવા, રાજ્યની ધુરા સંભાળતી વખતે શું શું ધ્યાન રાખવું એ બધું જ તેમને મલ્હારરાવે શીખવેલું; એ યાદ આવી ગયું.
 
સાથે સાથે સાસુ ગૌતમાબાઈની ચપળતા, નિર્ણયશક્તિ અને બેજોડ બહાદુરી પણ અહલ્યાબાઈને યાદ આવી ગયાં. પતિ ખંડેરાવના મૃત્યુ પછી એક વખત સાસુ-સસરાએ અહલ્યાને બોલાવીને હૃદયની વાત કરી હતી એ યાદ આવી ગઈ. મલ્હારરાવે કહ્યું હતું કે, `બેટા, આજે અમે બંનેએ તને એક ખાસ વાત કરવા બોલાવી છે. અમારા માટે મરી તે અહલ્યા અને જીવે છે એ ખંડેરાવ.'
 
ગૌતમાબાઈ બોલ્યાં, `બેટા, તારા સસરાજી બોલ્યા એનો અર્થ સમજે છે ને? તું જ અમારો દીકરો છે બેટા! તું જ અમારો વંશ, ધન-સંપત્તિ અને ગાદીનો વારસ છે. તારા પર અમને ખૂબ જ ભરોસો છે બેટા. અમે બંને તો હવે પીળાં પડી ગયેલાં પાંદડાં કહેવાઈએ. ગમે ત્યારે ખરી પડીએ. પણ અમે મરીશું તો પણ એક સંતોષ સાથે મરીશું કે તું અમારી હોળકરોની સંપત્તિ અને ગાદીને સંભાળવા માટે અડીખમ બેઠી છે. અમારી સંપત્તિ સંભાળીને પેશવાની સેવા કરવી એ જ તારું કર્તવ્ય છે. જિંદગીમાં ગમે તે થાય પણ આ રાજ્યની સંપત્તિ અને સંતાનોને આંચ ના આવવા દઈશ બેટા!'
 
આ શબ્દો અહલ્યાબાઈના કાનમાં ગુંજી રહ્યા હતા ત્યાં જ બહારની તરફ ખખડાટ થયો. અહલ્યાબાઈની વિચારતંદ્રા તૂટી ગઈ. તેમણે પૂછ્યું, `કોણ છે?'
 
`માતોશ્રી, હું છું! અનસૂયા.'
 
દાસીનો અવાજ સાંભળીને અહલ્યાબાઈએ પૂછ્યું, `કંઈ કામ છે?'
 
`હરકુંવરબા સાહેબ અને ઉદાબાઈ સાહેબ આવ્યાં છે. તત્કાલ આપને મળવું છે.'
 
`મોકલ એમને અંદર!'
 
દાસી બહાર ગઈ અને હરકુંવરબા તથા ઉદાબાઈ અંદર પ્રવેશ્યાં. એમનો ચહેરો જોઈને જ અનુભવી અહલ્યાબાઈ પારખી ગયાં કે, કંઈક સંકટ જરૂર લાગે છે. તેમણે સીધું જ પૂછ્યું, `તમારા બંનેના ચહેરા કેમ વિલાયેલા છે? શું થયું છે? આમ અચાનક શા માટે આવવું પડ્યું?'
 
`વાત જ એવી છે બેટા!' હરકુંવરબાએ કહ્યુંં.
 
`મને ભય લાગે છે! ફરી કંઈ અજુગતું તો નથી બની ગયું ને!' અહલ્યાબાઈએ ધડકતા હૃદયે પૂછ્યુંં.
 
`ના, બની નથી ગયું પણ બનવાનું છે.'
 
`માંડીને વાત કરો. મારા ધબકારા વધી રહ્યા છે! એક તો મારો પુત્ર પણ ચાલ્યો ગયો છે અને.....' બોલતાં બોલતાં અહલ્યાબાઈની લીંબુની ફાડ જેવી આંખોમાંથી આંસુ સરી પડ્યાં.
 
હરકુંવરબાએ તેમની સાડીના પાલવથી અહલ્યાબાઈનાં આંસુ લૂછ્યાં અને મક્કમ સ્વરે ગંભીરતાથી કહ્યું, `બેટા, હવે પુત્રવિયોગમાં રોવાનું બિલકુલ નથી. આંખમાંથી એક પણ આંસુ સારવાનું નથી. હોળકરોની સંપત્તિ પર સંકટનો દરિયો ઘૂઘવી રહ્યો છે. એ તોફાનથી બચવા અને સૌને બચાવવા માટે તારે હવે કાછડો બાંધીને તૈયાર રહેવાનું છે.'
 
`શું વાત છે?'
 
`વાત એ છે કે, આપણા દીવાન ગંગાધર તાત્યા અને પેશવા માધવરાવના કાકા રાઘોબાદાદાએ મળીને આપણી સંપત્તિ હડપ કરી લેવાનો પેંતરો કર્યો છે.' ઉદાબાઈએ કહ્યું.
 
અહલ્યાબાઈ બોલ્યાં, `નણંદબા, તમે સાચું માનશો! આજે સાંજથી જ મને પણ હોળકરોની સંપત્તિ કોઈક પચાવી પાડશે તો શું થશે એવા જ વિચારો આવ્યા કરે છે.'
 
હરકુંવરબા બોલ્યાં, `એ વિચાર ભોળાનાથે જ આપ્યો છે. આ સંકેત છે બેટા. માટે હવે આનો ત્વરિત ઉપાય કરો.'
 
`બા સાહેબ! પણ ગંગાધર તાત્યા આપણા જૂના સાથી છે. કોઈ પુરાવા વિના તેમના પર આક્ષેપ કેવી રીતે કરી શકાય?'
 
`પુરાવા છે. તેમના અને રાઘોબાદાદા વચ્ચે આ બાબતે થયેલ પત્રની નકલ આ રહી.' ઉદાબાઈએ એ પત્ર અહલ્યાબાઈને આપ્યો. પત્ર વાંચીને એમના પગ તળેથી જમીન સરકી ગઈ. તેઓ બોલ્યાં, `અરેરે... ઘરડેઘડપણ તાત્યાને આ શું સૂઝ્યું? તેમણે તો ધોળામાં ધૂળ પાડી. ચાલીસ ચાલીસ વર્ષની તેમની સેવા પર પાણી ફેરવી દીધું. આટલાં વરસો સુધી હોળકરોની સેવા કરનારા તાત્યા આવું કરશે એવી કલ્પનાયે ના કરી શકાય. પણ સત્ય છે એ સત્ય જ છે. અને મામંજીએ મને શીખવ્યું છે કે દગાબાજને કદી માફ ના કરવો. હું એમને છોડીશ નહીં. એટલે જ એ ઘણા સમયથી મને મળવાનો સમય માંગી રહ્યા છે. હવે તો એ છે અને હું છું.' અહલ્યાબાઈની આંખોમાં તિરસ્કારની લાગણી અંજાઈ ગઈ. તેમણે સંતાપભર્યા અવાજે કહ્યું.
 
હરકુંવરબાએ કહ્યું, `બેટા, આ બધી માહિતી અમને શિવાજી ગોપાળે આપી છે. એનું સૂચન છે કે, તારે તાબડતોબ મુત્સદ્દીપણું વાપરીને, જરૂર પડે તો દાવપેચ લડીને પણ આ ષડયંત્રને નાથવું જ રહ્યું, નહીંતર બધાંને ભીખ માંગવાનો વારો આવશે.'
`જરૂર બા! હું આ કોઈ કાળે નહીં થવા દઉં. તાત્યા જો એમ માનતા હોય કે હું સ્ત્રી છું અને કંઈ નહીં કરી શકું તો એ ખાંડ ખાય છે. હું સ્ત્રીશક્તિ છું. એનો અને એના બૂરા ઇરાદાઓનો સંહાર કરીને જ રહીશ.'
 
`બેટા, પણ એના માટે બીજાની મદદની પણ જરૂર પડશે જ. શિવાજી ગોપાળ પણ કહેતો હતો કે આ માટે તાત્કાલિક અન્ય અનેક લોકોને પત્રો લખવા પડશે.'
 
`એ અત્યારે ક્યાં છે બા સાહેબ?'
 
`એ બહાર જ ઊભો છે.'
 
`તો એને અંદર બોલાવો. મારે વાત કરવી છે.'
 
`બેટા, શિવાજી કહેતો હતો કે, એ અને રાજારામ રણછોડ પણ આ બધું જાણે છે. એને પણ અત્યારે ને અત્યારે જ બોલાવી લઈએ અને કંઈક નિર્ણય કરીએ. આ બાબતમાં એક ક્ષણની પણ રાહ જોવી યોગ્ય નથી.'
 
હરકુંવરબાના સૂચન મુજબ તરત બે દાસીઓ બહાર ગઈ. એક શિવાજી ગોપાળને બોલાવી લાવી અને બીજી રાજારામ રણછોડને. બંનેએ માતોશ્રીને પ્રણામ કર્યાં.
 
અહલ્યાબાઈએ કહ્યું, ` મેં જે સાંભળ્યું એ ખૂબ જ દુઃખદ છે. આપ બંને શું કહો છો? તાત્કાલિક શું કરવું જોઈએ?'
 
`આપણે અત્યારે ને અત્યારે જ શ્રીમંત માધવરાવ પેશવાને અને અન્યને પત્ર લખીને આ ગંભીર સંકટની જાણ કરીએ. શ્રીમંતને કહીએ કે તેમના કાકા રાઘોબાદાદાને આવું દુષ્કૃત્ય કરતાં અટકાવે અને અન્યને કહીએ કે, આ સંકટમાં આપણી મદદ કરે.'
`સાચી વાત છે તમારી' સૌએ સંમતિ આપી. પછી શિવાજી ગોપાળે ખુદ પત્ર અને કલમ હાથમાં લઈને ભોંસલે, ઘબાડે, ગાયકવાડ, શિંદે વગેરેને પત્રો લખ્યા. તુકોજી હોળકરને પણ પત્ર લખ્યો કે તેઓ જ્યાં હોય ત્યાંથી સૈન્ય લઈને તાત્કાલિક હાજર થાય. છેલ્લે માધવરાવ પેશવાને પત્ર લખવામાં આવ્યો. એ પત્ર અહલ્યાબાઈએ ખુદ લખાવ્યો,
 
`આદરણીય...
 
વંદનીય શ્રીમંત શ્રી માધવરાજી પેશવાના દરબારમાં મારા પ્રણામ છે. આપ કુશળ હશો એવું ઇચ્છુ છું, પણ અમે કુશળ નથી માટે આપને આ પત્ર લખી રહી છું. શ્રીમંત, આપ તો જાણો જ છો કે મારા સસરા સ્વર્ગવાસી મલ્હારરાવ હોળકરે આપની આજીવન સેવા કરી છે. આપના માટે પોતાનું અને અન્યનું રક્ત પણ વહાવ્યું છે. તેમણે પેશવાની એકનિષ્ઠ સેવા કરીને મુલકનો વિસ્તાર કરવામાં આખું ય આયખું કાઢી નાંખ્યુ છે. મારા પતિ ખંડેરાવે પણ પેશવાની સેવા કરતાં કરતાં યુદ્ધભૂમિમાં દેહત્યાગ કર્યો હતો. મારો એકનો એક પુત્ર માલેરાવ પણ અકાળે મૃત્યુને વર્યો. હવે અમારા વંશનું કોઈ વારસ નથી. આવા સમયે શ્રીમંત રઘુનાથરાવ અને અમારા દીવાન ગંગાધર યશવંત સંધિ કરીને અમારી સંપત્તિ પર ટાંચ લાવવા માટે નીકળ્યા છે. તો આપને સાદર વિનંતી કે, રાઘોબાદાદાને તાત્કાલિક અટકાવો.
 
આપ જરૂર યોગ્ય પગલાં ભરશો તેવો વિશ્વાસ છે.
 
આભાર અને આદર સહ..
 
આપની,
 
અહલ્યા.
 
***
 
(ક્રમશઃ)
 
 
 
આગળના પ્રકરણ : -
 
પ્રકરણ – ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!!
પ્રકરણ - ૯ । હોળકરોના કુળને આમ સ્મશાનવત્ બનાવીને ના જા, દીકરી! હું તારા પગે પડું છું
પ્રકરણ – ૧૦ । ત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દીથી દેદીપ્યમાન એવા મલ્હારરાવના જીવનનો અંત આવ્યો
પ્રકરણ – ૧૧ । .... અને માલેરાવના રાજ્યારોહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ
પ્રકરણ - ૧૨ । માલેરાવે એક નિર્દોષ માંત્રિકને જાહેરમાં કોરડા મારીને મારી નાંખ્યો
પ્રકરણ - ૧૩ । પુત્રને જીવનમાં પહેલીવાર લાગણી જન્મી એ જોઈને માતોશ્રી આનંદિત થઈ ગયાં  
પ્રકરણ – ૧૪ । ડોળાને જાણે બહાર ફંગોળવા હોય એમ આંખો પહોળી કરીને માલેરાવે માથું ઢાળી દીધું
 
Powered By Sangraha 9.0