ગંગાધર તાત્યાની બધી જ પોલ ખુલ્લી પડી ગઈ હતી. તેમણે હોળકરોની સંપત્તિ હડપ કરી લેવા માટે જે યોજના બનાવી હતી એ અહલ્યાબાઈ સમક્ષ આવી ગઈ હતી. તેઓ ઘણા દિવસથી અહલ્યાબાઈને મળવા માટે સમય માંગી રહ્યા હતા પણ અહલ્યાબાઈ તેમને સમય જ નહોતાં આપતાં. ઉપરથી એમ પણ કહેવડાવ્યું હતું કે, `બાઈસાહેબે હમણાં બે દિવસ મૌનવ્રત ધારણ કર્યું છે એટલે મળી શકશે નહીં.'
બપોરનો સમય હતો. માળવાના દીવાન ગંગાધર તાત્યા દીવાનખાનામાં અસ્વસ્થ બનીને આંટા મારી રહ્યા હતા. તેમના મનમાં અનેક વિચારોનાં સાપોલિયાં સળવળી રહ્યાં હતાં. તેમનું જ મન તેમને કહી રહ્યું હતું, `તાત્યા, કંઈક ગરબડ જરૂર છે. આવું કદી થયું નથી. ખૂબ અગત્યનું કામ હોવાનું કહેવડાવ્યું છતાં બાઈસાહેબ જાણી જોઈને મળવાનું ટાળી રહ્યાં છે. કદાચ હોળકરોની સંપત્તિ પર ટાંચ લાવવાનો અને તેમની સંપત્તિ પચાવી પાડવાનો આપણો પેંતરો તો જાહેર નહીં થઈ ગયો હોય ને? મારો અને રાઘોબા વચ્ચેનો પત્રવ્યવહાર તો એકદમ ખાનગી હતો. છતાં પણ શું એ પત્ર વિશે બાઈસાહેબને ગંધ આવી ગઈ હશે? બાઈ છે તો હોંશિયાર, કંઈ કહેવાય નહીં. હવે શું થશે? હજુ રાઘોબાદાદાને સૈન્ય લઈને આવતાં દસેક દિવસ લાગી જશે. કયાંક બાઈસાહેબ મને કેદ તો નહીં કરી લે ને?'
ગંગાધર તાત્યાના મનમાં આવા અનેક વિચારો આવી રહ્યા હતા. શંકા- કુશંકાઓથી તેમનું મન વ્યાકુળ થઈ ગયું હતું. તેમણે માંડ માંડ વિચારોને ખંખેર્યા અને મનોમન બોલ્યા, `જે હશે એ જોયું જશે. હું એ બાઈના હાથમાં તો આવવાનો જ નથી. હવે બાઈસાહેબ મળવા બોલાવે કે ના બોલાવે પણ એમને સાંજે મળી જ લેવું છે. બહુ ચાલાકી કરશે કે ધમકી આપશે તો કેદ કરી લઈશ. આજે સૂર્યાસ્ત થતાં જ અહલ્યાબાઈ અને હોળકરોનો પણ સૂર્યાસ્ત કરી નાંખવો છે.' તાત્યા મનોમન બોલ્યા.
***
જિંદગીમાં કેટલીકવાર એવું બનતું હોય છે કે, આપણા સૌથી વિશ્વાસુ માણસને આપણી કોઈ સાચી વાતનું પણ ખોટું લાગી જાય અને એ આપણો દુશ્મન બની બેસે. કેટલીવાર કોઈ માનવી બહારથી આપણો સાથી હોય પણ અંદરખાને એનામાં વરસોથી આપણા વિરુદ્ધ ઝેર ભર્યું હોય એવું પણ બને. ગંગાધર તાત્યાના મામલામાં પણ એવું જ બન્યું હતું. તેઓ આજકાલમાં અહલ્યાબાઈ વિરુદ્ધ નહોતા થયા. વરસોથી એમના મનમાં અહલ્યાબાઈ વિરુદ્ધ ઝેર ભરાયેલું હતું. છેક સૂબેદાર મલ્હારરાવ જીવતા હતા અને માળવાનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો ત્યારે એક ઘટના એવી બનેલી કે તેમના રૂંવાડે રૂંવાડે અહલ્યાબાઈ વિરુદ્ધ ઝેર ભરાઈ ગયેલું.
એ વખતે માધવરાવ પેશવાને તેમના કાકા રાઘોબાદાદાએ કેદ કર્યા હતા અને શ્રીમંત પેશવાએ પચાસ હજાર રૂપિયાની માંગણી કરતો એક પત્ર સૂબેદાર મલ્હારરાવ હોળકરને મોકલેલો. સૂબેદાર એ વખતે યુદ્ધમોરચે હતા. ખંડેરાવ હતા નહીં. અહલ્યાબાઈના હાથમાં રાજકાજનાં સૂત્રો નવાં નવાં જ આવ્યાં હતાં. તેમણે પચાસ હજાર રૂપિયા તાત્કાલિક મોકલાવવાનો હુકમ કર્યો. આ સાંભળીને ગંગાધર તાત્યા તરત જ અહલ્યાબાઈ પાસે આવ્યા અને તાડૂકીને કહ્યું, `બાઈસાહેબ, તમને ખબર પણ છે તમે શું નિર્ણય કરી રહ્યાં છો! સૂબેદાર મલ્હારરાવજીની સૂચના છે કે તેમની મંજૂરી સિવાય કોઈને એક પણ પૈસો આપવો નહીં.'
`તાત્યા, આપની વાત સાચી છે! પણ સામે કોણ છે અને સ્થિતિ કેવી છે એ પણ જોવું પડે.'
`ભાડમાં જાય તમારી સ્થિતિ! હુકમનું પાલન કરો! પૈસા નથી આપવાના.' સામે સ્ત્રીને જોઈને ગંગાધર તાત્યા એમની હદ વળોટી ગયા. પણ અહલ્યાબાઈ પણ ગાંજ્યાં જાય તેમ નહોતાં. તેમણે ય સામે ત્રાડ નાંખી, `તાત્યા, અવાજ નીચો રાખો. અને એક વાત કાન ખોલીને સાંભળી લો કે નોકરોનો વિરોધ સહન કરવાની ટેવ હોળકરોમાં નથી. જાવ...! પૈસા તો અપાશે જ.'
આ `નોકર' શબ્દ ગંગાધર તાત્યાના મનમાં કાંટા જેમ ખૂંચી ગયો. તેમણે પોતે અહલ્યાબાઈ સામે કેવા કટુ શબ્દો વાપર્યા હતા તે તેમને યાદ ના રહ્યા પણ આ શબ્દો યાદ રહી ગયા. એ દિવસે ગંગાધરે પ્રણ લીધું કે ગમે તેમ કરીને આ બાઈને બરબાદ કરી નાંખવી છે. એ દિવસે તેમણે નક્કી કરી લીધું હતું કે એક વખત હોળકરોની બધી સંપત્તિ છીનવી લેવી છે અને માલિક બની બેસવું છે.
આ ઘટના અહલ્યાબાઈ ભૂલી ગયેલાં. તેમના મનમાં તાત્યા પ્રત્યે કોઈ દ્વેષ પણ નહોતો. તેમને તો એમ હતું કે આવી કોઈ ઘડી આવે ત્યારે સામસામે બે પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થાય જ, એમાં કંઈ માઠું ના લગાડવાનું હોય. પણ ગંગાધરને રાત્રે ઊંઘ નહોતી આવતી. એ સમસમી ગયા હતા.
સમય જતાં અહલ્યાબાઈના એકના એક પુત્ર માલેરાવનું મૃત્યુુ થયું. એ વખતે ગંગાધર સૌથી વધારે રાજી થયા હતા. તેમણે તરત જ યોજના બનાવી કે અહલ્યાબાઈને કોઈ પુત્ર દતક લેવરાવી લેવો અને જેવો પુત્ર દત્તક લે એવા તરત જ અહલ્યાબાઈને કાળકોટડીમાં કેદ કરીને સત્તાનાં સર્વ સૂત્રો પોતાને હાથ લઈ લેવાં. બધી સંપત્તિ પચાવી પાડવી.
આથી માલેરાવના મૃત્યુના બીજા દિવસે તેમણે અહલ્યાબાઈને દત્તક પુત્ર લઈને હોળકરોની સંપત્તિ બચાવી લેવાની વિનંતી કરી. પણ અહલ્યાબાઈ ના માન્યાં. એ પછી તેમણે બીજી યોજના બનાવી અને માધવરાવ પેશવાના કાકા રાઘોબાદાદાને સાધ્યા. આખરે બંનેએ નક્કી કર્યું કે ઈંદોર પર હુમલો કરીને અહલ્યાબાઈની સંપત્તિ ટાંચમાં લઈ લેવી.
***
રાઘોબાને ખબર નહોતી પણ તેમનું ષડયંત્ર અહલ્યાબાઈ સમક્ષ ખુલ્લું પડી ગયું હતું.
સાંજ ઢળી ચૂકી હતી. અહલ્યાબાઈના મનમાં પણ સવારથી જ તાત્યાના વિચારો ચાલી રહ્યા હતા. `હે ભગવાન!! મારી રક્ષા કર. માળવાની રક્ષા કર. મારી પ્રજાની રક્ષા કર. વિશ્વાસઘાતીઓના બધા જ બદઇરાદાઓ હું ઊંધા વાળી શકું એવી મને શક્તિ આપ. તેં જ દુઃખ આપ્યું છે તો હવે એનો નિકાલ પણ તું જ કર. ભગવાન, મને સંપત્તિ ચાલી જશે એનો કોઈ રંજ નથી. તારે મારી સંપત્તિ જવા જ દેવી હોય તો પેશવા પાસે જવા દે. પરંતુ આ ઝેરી સાપ જેવા દગાબાજ તાત્યાના પેટમાં તો કદી ના જવા દેતો. બસ આટલી જ મારી પ્રાર્થના છે. મારી પ્રાર્થના સ્વીકારી લે પ્રભુ.... સ્વીકારી લે..!'
અહલ્યાબાઈ પ્રાર્થના કરી રહ્યાં હતાં ત્યાં જ દાસી અનસૂયાએ આવીને ખબર આપ્યા કે તાત્યા આવ્યા છે અને તત્કાલ મળવા માંગે છે. ખૂબ જ જરૂરી કામ છે તેમ કહે છે.
`ઠીક છે, ખંડમાં બેસાડો, હું આવું છું!' અહલ્યાબાઈએ મળીને વાત કરવાનું નક્કી કરી લીધું. થોડીવારે તાત્યા સાથે તેમનો ભેટો થયો.
તાત્યાએ સન્માનમાં પ્રણામ કર્યાં અને જાણે તેમની બહુ ચિંતા થતી હોય તેમ બોલવા લાગ્યા, `બાઈસાહેબ, આઠ-દસ દિવસથી કહેણ મોકલું છું. આપ મળતાં નહોતાં એટલે મને તો ભારે ચિંતા થઈ આવી હતી. મને થયું કયાંક અમારાં બાઈસાહેબને કોઈ માંદગી તો નહીં આવી હોય ને? સાચું કહું બહુ ચિંતામાં હતો આપની.'
`તાત્યા, આપ તો જાણો છો કે હું શોકમાં ડૂબેલી છું!' અહલ્યાબાઈએ જાણી જોઈને શોકની વાત કરી.
તાત્યા બોલ્યા, `બાઈસાહેબ, આ શોકમાં ડૂબેલા રહેવાનો સમય નથી. ખંખેરી નાંખો બધું.'
`હા, મનેય ખબર છે કે અત્યારે તો હોળકરોની સંપત્તિ વિશે ગંભીરતાથી વિચાર કરવાનો સમય છે. કોઈ નરાધમ એને કાવતરાં કરીને પચાવી ના પાડે એનું ધ્યાન રાખવાનો સમય છે.'
અહલ્યાબાઈની વાત સાંભળી તાત્યાને પરસેવો વળી ગયો. તેમણે કહ્યું, `બાઈસાહેબ હું ફક્ત એટલું જ કહું છું કે, શોક ત્યજી દો.'
હવે અહલ્યાબાઈ ગુસ્સાથી બોલ્યાં, `શું જ્યારે હોય ત્યારે એકની એક વાત કરો છો. મારા પતિના મૃત્યુુ બાદ મારા સ્વજનો અને સગાઓ મળીને એક એક કરીને બાવીસ માણસોનાં મોત થયાં છે. એમાં મારો એકનો એક પુત્ર પણ સામેલ છે. અને તમે એકની એક વાત કરો છો કે શોક છોડી દો... શોક છોડી દો.... તમારો પુત્ર મર્યો હોય તો તમને ખબર પડે કે પુત્રના મૃત્યુનો શોક શું હોય છે. તમે રહ્યા પુરુષ માણસ. શોક ઢાંકવાનું કહો છો પણ હું રહી સ્ત્રી. મારા પુત્રનો શોક હું મહિનો માસ નહીં રાખું તો કોણ રાખશે? શોક અત્યારે બિલકુલ સ્વાભાવિક છે. અને હા, રહી વાત હોળકરોની સંપત્તિની ચિંતાની. તો તમારા જેવા ચાલીસ વર્ષથી વફાદારી કરનારા દીવાન બેઠા હોય પછી મારે ચિંતા કરવાની શી જરૂર છે?' અહલ્યાબાઈએ મખમલમાં લપેટીને પાણો માર્યો. ગંગાધર તાત્યા ગેં...ગેં... ફેં....ફેં.... થઈ ગયા. તેમણે વાત પલટી નાખતાં કહ્યું, `.... એ તો બરાબર છે બાઈસાહેબ, પરંતું હું તમને વારંવાર કહું છું કે ધર્મ-શાસ્ત્રો અનુસાર કોઈ સ્ત્રી ગાદી પર બેસી શકે નહીં અને પેશવાના દરબારમાંથી પણ કોઈ બાઈ માટે સૂબેદારીનાં વસ્ત્રો આવતાં નથી. માટે હું સલાહ આપું છું કે, કોઈ છોકરો ખોળે લઈ લો અને એને ગાદીએ બેસાડી દો. સૂબેદારીનાં વસ્ત્રો હું બાળકના નામે ઘડીભરમાં લઈ આવીશ. એના નામે સંપત્તિનો કારભાર પણ બધો અમે સંભાળીશું. તમારે તો હવે તીર્થયાત્રાઓ કરીને માત્ર પુણ્ય જ કમાવાનું કામ કરવું જોઈએ. પ્રજાની ચિંતા પણ તમે ના કરશો.'
`પણ દત્તક કોને લેવો એ પણ મોટો પ્રશ્ન છે ને?' અહલ્યાબાઈ તાત્યાનું મન જાણવા બોલ્યાં.
`અરે, બાઈસાહેબ, એ બધી ચિંતા કરવાની તમારે કયાં જરૂર છે. છોકરાઓ તો અમે જોયેલા છે. તમે એકવાર હા કહો એટલે બસ! પછીની બધી વ્યવસ્થા હું કરી લઈશ.'
`.... અરે, પણ સાચું કહું. બાળક દત્તક લેવાની વાત મને જરાય યોગ્ય લાગતી નથી.' અહલ્યાબાઈએ પાછું પડખું ફેરવ્યું.
થોડીવાર આમ જ વાત ચાલતી રહી. અહલ્યાબાઈ કરવા શું માંગે છે એ સ્પષ્ટ નહોતાં કરતાં. જુદી જુદી વાતો કરીને તેમણે તાત્યાને કયાંય સુધી ઉલઝાવી રાખ્યા. આખરે તાત્યાના મગજનો પારો ઊંચો ચડી ગયો. એ થોડા ગુસ્સાથી બોલ્યા, `બાઈસાહેબ, તમારાં લગ્ન અને જન્મ પહેલાંનો હું હોળકરોનો સેવક છું. હોળકરોની સંપત્તિનું હિત શેમાં છે એ તમારા કરતાં મને વધારે ખબર પડે છે એ વાત આપ પણ સમજી લેજો. હું આ બાબતની ચિંતા નહી કરું તો કોણ કરશે? મેં ચાલીસ વર્ષ હોળકરોની સેવા કરી છે. હોળકરોના ખાધેલા અન્નનો હું કૃતઘ્ન સાબિત થઈશ. મારી આ દત્તક લેવાની વાતમાં હા ભણો અને નિશ્ચિંત થઈ જાવ. '
અહલ્યાબાઈએ તરત જ રૂપ બદલ્યું અને ગુસ્સાથી કહ્યું, `એક વાત કાન ખોલીને સાંભળી લો તાત્યા. હું કોઈ કાળે બાળક દત્તક લેવાની નથી.'
અહલ્યાબાઈની ત્રાડ સાંભળીને તાત્યા સમસમી ગયા. તેમણે ગુસ્સા સાથે સાથે ચાલબાજી પણ ઓકી, `બાઈસાહેબ, તમારે દત્તક પુત્ર નથી લેવો તો કરવું છે શું? સૂબેદાર મલ્હારરાવ સાહેબે લોહી વહેવડાવીને પ્રાપ્ત કરેલી ધન-સંપત્તિ ચોર લૂંટારાઓના હાથમાં જવા દેવી છે?'
`ચોર લૂંટારાઓ પહેલાં મારે વિશ્વાસઘાતીઓથી આ સંપત્તિ બચાવવાની છે!' અહલ્યાબાઈએ ઘણનો ઘા ફટકાર્યો.
તાત્યાનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. તેમણે અવાજને તેજ કરતાં કહ્યું, `બાઈસાહેબ, બહુ થયું. મારી યોજના માન્ય રાખો નહીંતર આનો અંત ક્લેશદાયી નીવડશે એની ખાતરી રાખો. પછી કહેતાં નહીં કે તાત્યાએ ખાધેલ અન્ન પચાવી ના જાણ્યું.'
`તાત્યા, તમે ધમકી આપી રહ્યા છો?'
`સંપત્તિની ચિંતા કરી રહ્યો છું. તેને તમે ધમકી સમજો કે સલાહ, એ તમારે જોવાનું છે!'
`તો સાંભળી લો, તમારી સલાહ હોય કે ધમકી હું એને માન્ય રાખવાની નથી.'
તાત્યાને સંપત્તિની લાલચ જાગી હતી. એ સમજી ગયા કે બાઈસાહેબ સામે એનું કંઈ ચાલશે નહીં. એટલે એણે પોતાનો ગુસ્સો સમેટી લેતાં યુક્તિપૂર્વક વાત કરવા માંડી. એમણે કહ્યું, `બાઈસાહેબ, આપને મારી વાણીમાં કડવાશ લાગતી હશે. ધમકી લાગતી હશે. પણ શું કહું, હોળકરોનું લૂણ ખાધું છે એટલે એની સંપત્તિ લુંટાતા નહીં જોઈ શકું. મારે તમને હકીકત જણાવીને પરેશાન નહોતાં કરવાં. પણ હવે કહેવું જ પડશે. બાઈસાહેબ, વાત એમ છે કે હોળકરોની સંપત્તિ બિનવારસી અને નધણિયાતી પડી છે, એને સમેટવા માટે શ્રીમંત રઘુનાથરાવ પૂનાથી લશ્કર લઈને નીકળી પડ્યા છે એવા સમાચાર મને ગુપ્તચરોએ આપ્યા છે. એટલે જ હું દત્તક પુત્ર લેવા માટે અને આ સંપત્તિ બચાવવા માટે આપને આગ્રહ કરી રહ્યો છું.
ગંગાધર તાત્યાએ મનમાં વિચારી લીધું હતું કે એમના અને રઘુનાથદાદાની મિલીભગત વિશે બાઈસાહેબને ગંધ નહીં આવી હોય. વળી એ ધાર્યા કરતાં વધારે સ્વાર્થી હતા. અત્યારે પણ એ બેવડી રમત જ રમી રહ્યા હતા કે જો અહલ્યાબાઈ હજુ પણ દત્તક પુત્ર લઈ લે તો રઘુનાથદાદાને અટકાવીને અથવા એમની સામે જંગ છેડીને પણ પોતે આખી સંપત્તિના વારસ બની બેસે. પણ અહલ્યાબાઈની રાજનીતિ એ જાણતા નહોતા. મલ્હારરાવે તેમનામાં હિંમત સાથે સાથે મુત્સદ્દીપણું પણ ઠાંસી ઠાંસીને ભર્યું હતું. અહલ્યાબાઈ આગળ એમની કોઈ ચાલાકી ચાલી નહીં. અહલ્યાબાઈએ તેમના બધા જ ઇરાદાઓ પર ઠંડુ પાણી રેડતાં કહ્યુંં, `તાત્યા, તમને એમ હશે કે આ વિધવા સ્ત્રી વળી રાજકારણના દાવપેચ શું જાણે? એને વળી શું ખબર પડે? પણ સાંભળી લો. પુત્ર દત્તક હું કોઈ કાળે લેવાની નથી. આ અમારા ઘરનો મામલો છે. માટે હવેથી ક્યારેય મને દત્તક પુત્ર લઈ લેવાની સલાહ સૂચન આપતા નહીં. માલિકની સાથે સેવકોએ કેવી રીતે વાત કરવી જોઈએ એ પણ તમારે શીખી લેવાની જરૂર છે. સમજ્યા કે વધારે સમજાવું?'
અહલ્યાબાઈએ ગર્જના કરતાં હોય એમ કહ્યું અને સિંહણ જેવી ચાલે પોતાના કક્ષમાં ચાલ્યાં ગયાં. અહલ્યાબાઈનો જડબાતોડ જવાબ સાંભળીને તાત્યાનું રક્ત ઊકળી ઊઠ્યું હતું.
સમય આવ્યે અહલ્યાબાઈ કેટલાં કઠોર થઈ શકે છે અને કેવી હિંમત દાખવી શકે છે તેનું તાદૃશ્ય ઉદાહરણ એ વખતે પરદા પાછળ ઊભાં રહીને સાંભળી રહેલાં હરકુંવરબા, ઉદાબાઈ, શિવાજી ગોપાળ અને બીજા બધા અનુભવી રહ્યાં હતાં. સૌને અહલ્યાબાઈ પર ગર્વ થઈ રહ્યો હતો. તાત્યા પગ પછાડતા ચાલ્યા ગયા અને અહલ્યાબાઈને સૌએ અભિનંદન આપ્યાં.
બીજા દિવસે સવારથી જ શિવાજી ગોપાળ, રાવજી રણછોડ, હરકુંવર બા અને અન્ય સર્વ ભેગાં થયાં હતાં. મહેલમાં અન્ય કોઈને ખબર નહોતી કે આખરે શું ચાલી રહ્યું છે. અહલ્યાબાઈના નેતૃત્વમાં ગંગાધર તાત્યા અને રઘુનાથદાદાના ષડયંત્રને પછાડી દેવાની યોજના બની રહી હતી. રઘુનાથરાવ મોટું લશ્કર લઈને પૂનાથી નીકળી ગયા હતા. પણ એમનો સામનો કરવાની તૈયારી પણ અહીં પૂરજોશમાં ચાલી રહી હતી. હવે આઠ દિવસ જ બાકી હતા.
સમયને વીતતાં ક્યાં વાર લાગે છે. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. આટલા ટૂંકા ગાળામાં અને નાની ઉંમરનાં અહલ્યાબાઈ પર એક મોટુ ષડયંત્ર નષ્ટ કરવાની વિરાટ જવાબદારી આવી પડી હતી. હવે શું થશે એ સમય જ જાણતો હતો.
***
(ક્રમશઃ)