પ્રકરણ – ૧૭ । આપ જીતશો તો લોકો થૂ થૂ કરશે કે આપ સ્ત્રી સાથે લડ્યા અને હારશો તો એમ થશે કે સ્ત્રીઓથી હાર્યા

03 Oct 2024 17:40:52

ahilyabai holkar jivankatha
 
 
આઠ દિવસમાં ભોંસલે, ગાયકવાડ, શિંદે, તુકોજીરાવ અને અન્ય સરદારોનું લગભગ એક લાખ સૈનિકો અને વીરોનું લશ્કર ઈંદોર આવી પહોંચવાનું હતું. આટલું મોટું લશ્કર આવે એટલે એનાં રહેવા - જમવાની, જાનવરોની રખાવટની, દારૂગોળાની, શસ્ત્રોની અને બીજી અનેક વ્યવસ્થાઓ કરવાની હતી. કામ ખૂબ મોટું હતું અને સમય ખૂબ ઓછો. માતોશ્રી અહલ્યાબાઈ રાત-દિવસ જોયા વિના કામ કરી રહ્યાં હતાં.
 
આ તૈયારી સાથે સાથે તેમની નજર અને કાન દુશ્મનની ચાલ પર પણ હતાં. માતોશ્રીના ગુપ્તચરો સમાચાર લઈ આવ્યા હતા કે રાઘોબાદાદા અહલ્યાબાઈ પર આક્રમણ કરવા ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. કદાચ ધાર્યા કરતાં વહેલાં પણ પહોંચી જાય.
 
આવા સમાચાર તેમને વિહ્વળ કરી દેતા હતા. માતોશ્રીની જિંદગીની પ્રત્યેક ક્ષણ ચિંતા અને ઉત્તેજનામાં વીતતી હતી. તેમને દિવસ-રાત એક જ વિચાર આવતો હતો કે પોતાનું સૈન્ય અને સરદારો અહીં આવી પહોંચે એ પહેલાં જો દાદાસાહેબ ક્ષિપ્રા નદી ઓળંગીને ઇન્દોર પર હુમલો કરી દે તો તેનો મુકાબલો કેવી રીતે કરવો?
 
આ બાબત પર અહલ્યાબાઈએ સલાહકારો સાથે ચર્ચા કરી હતી. ચર્ચાને અંતે તેમને સમજાઈ ગયું હતું કે, પોતે મેદાને પડ્યા સિવાય છૂટકો નહીં થાય. આથી દુશ્મન સામે તેમણે મેદાને પડવાનું નક્કી કર્યુ.
 
વાતો ચાલતી હતી ત્યાં જ એક સેવક દોડતો દોડતો અંદર આવી ગયો અને કહ્યું, `માતોશ્રી, શીઘ્ર એક સમાચાર આપવાના છે!'
`જલદી બોલ, શું થયું?' અહલ્યાબાઈને ફાળ પડી.
 
સેવક બોલ્યો, `માતોશ્રી, તુકોજીરાવ ક્ષિપ્રા નદીના કિનારે આવી પહોંચ્યા છે. સાથે તેમનું મોટું લશ્કર પણ છે અને હોડીઓ પણ તૈયાર રાખી છે.'
 
આ સમાચાર સાંભળતાં જ અહલ્યાબાઈના ઉરમાં આનંદનું મોજું પ્રસરી ગયું. જાણે તેમનામાં શક્તિનો સંચાર થયો હતો. વીર તુકોજી એટલે તો સાક્ષાત્ યમ. દુશ્મનને જુએ એટલે યમલોક મોકલ્યા વિના ના રહે.
 
તુકોજીના આગમનથી ગમગીની અને ચિંતાનું વાતાવરણ અચાનક ઉત્સાહના વાતાવરણમાં પલટાઈ ગયું. અહલ્યાબાઈની અડધી ચિંતા જાણે હળવી થઈ ગઈ હતી. જાણે ભગવાન ભોળાનાથ તેમના પર કૃપાવાન થયા હોય તેમ બીજા એક શુભ સમાચાર પણ પ્રાપ્ત થયા.
 
માધવરાવ પેશવાના દરબારમાંથી એક સાંઢણીસવાર ઈન્દોરના મહેલે આવી પહોંચ્યો. અહલ્યાબાઈએ તાત્કાલિક એને બોલાવ્યો. તેણે માધવરાવ પેશવાનો સંદેશ લઈને આવ્યો હોવાની જાણકારી આપી. અહલ્યાબાઈએ ઉચાટ જીવે એ ખલીતો એટલે કે પત્ર હાથમાં લીધો. પ્રથમ એને પ્રણામ કરીને મસ્તક પર અડાડ્યો. એ પછી તેને ખોલીને વાંચવાનું શરૂ કર્યું.
 
શ્રીમંત માધવરાવ લખતા હતા, `રાજશ્રી અહલ્યાબાઈ હોળકર, માધવરાવ પેશવાના આપને જાજેરા આશીર્વાદ. આપનો પત્ર અમને મળ્યો. આપે લખ્યું છે કે, અમારા કાકા શ્રી રઘુનાથરાવ પેશવા અને આપના દીવાન ગંગાધર તાત્યા સાથે મળીને આપની સંપત્તિ ટાંચમાં લેવાનું ષડયંત્ર કર્યું છે. અમે એ પણ જાણ્યું કે, એ વાત સાચી છે અને રઘુનાથરાવ સૈન્ય લઈને આપના પર હુમલો કરવા નીકળી ગયા છે. આ પત્ર આપને એ કહેવા માટે જ લખ્યો છે કે, આપ જરાય ચિંતા ના કરતાં કે સંકોચ પણ ના રાખતાં કે એ અમારા કાકાશ્રી છે. જે વ્યક્તિ અન્યાય કરે એ ગમે તે હોય એને સજા મળવી જ જોઈએ. સૂબેદાર શ્રી મલ્હારરાવજીએ અમારી ખૂબ સેવા કરી છે. તેમની બધી જ સંપત્તિ પર માત્ર અને માત્ર તમારો જ અધિકાર છે. તેમ છતાં શ્રીમંત રઘુનાથરાવ પેશવા અને આપના દગાબાજ તાત્યા જે વિનાશક પ્રવૃત્તિ કરવા માટે તૈયાર થયા છે તે માટે હું આપને લખું છું કે, આપની સંપત્તિ પર જે કોઈ પાપબુદ્ધિ કે કુદૃષ્ટિ રાખે તેને આપ ચોક્કસ પરાજિત કરજો.
 
બીજી વાત એ છે કે આપ તત્કાળ આપને ત્યાંના બે મુખત્યાર સેવકોને પૂના મોકલો. તુકોજી હોળકર માટેનાં સૂબેદારીનાં વસ્ત્રો અને સનદ તૈયાર જ છે. વર્તમાન સ્થિતિ મુજબ એમને સંપત્તિ સોંપવી જ ઉચિત રહેશે. જેથી કોઈ તેના પર નજર ના બગાડી શકે કે કાયદા-નિયમો બતાવીને ટાંચ ના લગાવી શકે. હવે આપે કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી. ડર રાખ્યા વિના સરળતાથી રાજ્ય ચલાવો એવા મારા શુભાશિષ અને સ્વામીની ચાકરી આપ અખંડિત રીતે કરો તેવા મારા અંતરના આશીર્વાદ છે.
 
આપનો હિતેચ્છુ
 
માધવરાવ પેશવા.'
 
***
 
પત્ર પૂરો થતાં તો અહલ્યાબાઈની આંખો આંસુથી ઊભરાઈ આવી. પોતાના સસરાએ કેવા સંબંધો બાંધ્યા હતા કે આજે તેમના મૃત્યુના આટલા વખત પછી પણ માધવરાવ પેશવા જેવા મહાન યોદ્ધાઓ આટલો આદર કરે છે અને પોતાના કાકાનો પણ ત્યાગ કરીને ઈન્દોરના હકમાં નિર્ણય કરે છે. શ્રીમંતનો સાથ મળતાં અહલ્યાબાઈની હિંમત ઔર વધી અને આનંદ બેવડાયો.
 
***
 
સાંજ ઢળી રહી હતી. આજે ફરી વાર અહલ્યાબાઈ વિષાદમાં હોય એવું લાગ્યું. તુકોજીરાવ, ગોપાળ, શિંદે વગેરે બધા જ સાથે જ બેઠા હતા. શિંદેએ પૂછ્યું, `માતોશ્રી, આજે કેમ ઉદાસ લાગો છો? લડાઈનો ડર હોય તો મનમાંથી કાઢી નાંખજો. આપ શા માટે આટલું બધું વિચારો છો. અમે બધા જ આપની સાથે છીએ. શું આપને અમારા પર વિશ્વાસ નથી?' ગોપાળ બોલ્યો.
અહલ્યાબાઈ ઢીલા અવાજે બોલ્યાં, `બધા જ મરાઠાઓની તલવાર પર મને વિશ્વાસ છે. તેનો કોઈ પ્રશ્ન જ નથી. અરે મરાઠાઓની તલવારને આધારે તો આ સામ્રાજ્ય આટલું ટકી શક્યું છે. પરંતુ દુઃખની વાત એ છે કે આપણે જેમની આખી જિંદગી ચાકરી કરી તે દાદાસાહેબ પેશવા આપણી પર જ હલ્લો કરવા આવી રહ્યા છે. હવે શ્રીમંત રાઘોબાદાદા આપણા લશ્કર સામે લડશે. મોગલો, નિઝામો, ફિરંગીઓ કે વિદેશીઓ સામે નહીં! વિચાર કરો આ કેવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું કહેવાય? આપણા જ લશ્કર સામે આપણા જ બીજા સૈનિકો ટકરાશે. આ ભૂમિ મરાઠાઓના જ રક્તથી ભીની થશે. જે લોહી રેડાશે એ કાં તો આપણું કાં તો દાદાસાહેબના લશ્કરનું હશે, પણ બંને લશ્કરમાં સૈનિકો તો મરાઠા જ હશે ને? હજ્જારો બંગડીઓ તૂટશે તે સ્ત્રીઓ તો મરાઠાઓની જ હશે ને? હર્યાંભર્યાં કપાળ કોરાં થઈ જશે તે આપણી જ યુવાન મહિલાઓ હશે ને? જીવતી જાગતી ચિતા જેવી સતીઓની ચીસો હવે સંભળાશે, વિધવાનાં દુઃખો, શિંદે, વિધવા થયા વિના ન સમજાય. બહુ બૂરી દશા બેઠી છે!' અહલ્યાબાઈએ ખિન્ન હૃદયે કહ્યુંં.
 
તુકોજીને લાગ્યું કે, આ વાત આગળ ચાલશે તો વાતાવરણ વધારે ગંભીર થઈ જશે. આથી તેમણે વાતનું વહેણ બદલતાં કહ્યું, `માતોશ્રી, એક સમાચાર મળ્યા છે એ મારે કહેવા છે!'
 
`જી કહો!' અહલ્યાબાઈએ આંસુ લૂછતાં કહ્યુંં.
 
તુકોજી બોલ્યા, `માતોશ્રી, દાદાસાહેબ રઘુનાથરાવ પેશવા ઉજ્જૈનના એક ઘાટ પર રોકાયા છે એવા સમાચાર મારો દૂત લાવ્યો છે.'
 
અચાનક અહલ્યાબાઈની આંખોમાં સિંહણ જેવી શક્તિ ડોકાઈ. તેમણે કહ્યું, `બસ, ત્યારે ત્યાંથી જ પાછા કાઢીશું. તમે બધા તો છો જ પણ હું એક સ્ત્રી સેનાનું ગઠન પણ કરું છું.'
 
તુકોજી બોલ્યા, `માતોશ્રી, આપની દૂરંદેશીનો જવાબ નથી.'
 
અહિલ્યાબાઈ બોલ્યા, `એ તો ઠીક છે તુકોજી, પરંતુ એક ખાસ વાત સાંભળો... મેં એક વિચાર કર્યો છે કે આપણે તાત્કાલિક એક સાંઢણીસવારને મોકલીને દાદાસાહેબને સંદેશ મોકલવો જોઈએ કે જો તમે ક્ષિપ્રા ઓળંગવાનું સાહસ કર્યું છે તો તમારી અને અમારી તલવારો ટકરાશે અને તમારા બૂરા હાલ થશે. તમારી હાર નિશ્ચિત છે. અમે તમારું ખૂબ સન્માન કરીએ છીએ. પરંતું અમે તમારાથી ડરતા નથી. અમારી નારીસેના તૈયાર છે આપનો સામનો કરવા માટે. આપ આ યુદ્ધ જીતશો તો પણ આપની જ હાર થશે અને હારશો તો તો હાર થશે જ. આપના પર લોકો થૂ થૂ કરશે કે આપ સ્ત્રી સાથે લડ્યા. અને હારશો તો એમ થશે કે આપ સ્ત્રીઓથી હાર્યા. માટે આપ ચાલ્યા જાવ. કારણ કે આપના નામ પર થૂ થૂ થઈ જાય એ અમને પણ નહીં ગમે. વાર્યા વળી જાવ. જે કરો તે વિચારીને કરજો.'
 
આ પત્રની વાત સાંભળીને તુકોજી અને ઉપસ્થિત અન્ય સૌ અહલ્યાબાઈના બુદ્ધિચાતુર્ય પર ઓવારી ગયા.
 
અહલ્યાબાઈએ તરત જ એવો પત્ર લખીને દાદાસાહેબને મોકલી આપ્યો.
 
તુકોજીએ બીજો મુદ્દો છેડ્યો, `આપણો દગાબાજ ગંગાધર યશવંત તાત્યા ક્યાં છે અત્યારે?'
 
`એ ચોરીછૂપીથી રઘુનાથદાદાને મળવા ગયો છે. એને હજુ પૂરો અંદાજ નથી કે આપણે બધું કળી ગયા છીએ. એ હાલ ઉજ્જૈનની ટેકરીઓ પર એના સાથી સાથે આપણને મારીને સંપત્તિ હડપી લેવાની ચર્ચા જ કરતો હશે.' શિંદેએ કહ્યું.
અહલ્યાબાઈ ઊભાં થઈને ચાલ્યાં ગયા. એક તરફ સાંઢણીસવાર પેલો પત્ર લઈને રવાના થયો અને આ તરફ અહલ્યાબાઈએ સ્ત્રીસેના તૈયાર કરવા માંડી. તેઓ ઇચ્છતાં હતાં કે યુદ્ધ ના થાય પણ તૈયારી જરૂરી હતી એટલે સ્ત્રીસેના તૈયાર કરી રહ્યાં હતાં.
આવી સેના તૈયાર થઈ રહી છે એ વાત જાણીને નગરની એક એક સ્ત્રી હાથમાં તલવાર અને ભાલા લઈને નીકળી પડી હતી. તેમને જોઈને અહલ્યાબાઈની આંખોમાં આંસુ આવી ગયાં.
 
***
 
ઉજ્જૈનની એક ટેકરી પર બાંધેલા તંબુમાં બે પડછંદ લોકો બેઠા હતા. એમાં એક હતા પૂનાના રઘુનાથરાવ અને બીજા હતા ઈંદોરના ગંગાધર યશવંત એટલે કે તાત્યા!
 
`અરે, તાત્યા તમે અત્યારે અહીં કેમ આવ્યા છો?'
 
`મારા પર બાઈને શંકા થઈ લાગે છે, માટે જ હું અહીં આવ્યો છું. આપણે જલદીમાં જલદી હુમલો કરી દેવો જોઈએ
દાદાસાહેબ!'
 
દાદાસાહેબ કંઈ બોલ્યા નહીં. એ તંબુની બહાર જોઈ રહ્યા હતા. પચાસ હજાર સૈનિકોની એક છાવણી વિશાળ વિસ્તારમાં પ્રસરેલી હતી. એમના મનમાં કંઈક ગડમથલ ચાલી રહી હતી.
 
તાત્યા બોલ્યા, `દાદાસાહેબ, શું વિચારો છો?'
 
`તાત્યા, તમારો પત્ર આવ્યો કે અહીં હોળકર સંસ્થાનમાં બધા શોકના સાગરમાં ડૂબી ગયા છે અને ત્વરિત તેમની સંપત્તિ પર ટાંચ લેવાની જરૂર છે. એટલે હું પચાસ હજારનું વિરાટ સૈન્ય લઈને આવી પહોંચ્યો છું. પણ મારું મન જાણે હવે કચવાય છે!'
તાત્યા બોલ્યા, `અરે દાદાસાહેબ, બહુ મોટી તક છે. બાઈને ડુબાડીને બધી સંપત્તિ હડપ કરી લો. ફેંકી દો એ વિધવાને રસ્તા પર!'
 
દાદાસાહેબ શૂન્યમાં તાકતાં બોલ્યા, `એટલે કે હું મરદ માણસ, આટલું મોટું સૈન્ય લઈને એક અસહાય વિધવા પર હુમલો કરું? એક વિધવાને ડુબાડવાનું પરાક્રમ કરીને, મસ્તક ઊંચું કરીને પૂના જાઉં? મારા આ કૃત્યથી પૂનાની જનતા જાણે મને વધાવી લેશે? પૂનાના એક એક ઘરમાં રંગોળી પુરાશે કે વાહ! દાદાસાહેબે જતી જિંદગીએ એક વિધવાનું કાસળ કાઢ્યું. એ રંગોળીમાં જે રંગ હશેને એ વિધવાના લોહીનો અને અધૂરા અરમાનોનો હશે. તાત્યા, તમને શું લાગે છે માધવરાવ પેશવા મને નવાજશે? ફૂલહાર પહેરાવશે?'
 
દાદાસાહેબની અવળવાણી સાંભળી તાત્યા ચોંકી ગયા. તેઓ બોલ્યા, `અરે, દાદાસાહેબ, આપ આ શું બોલી રહ્યા છો? આપને શું થઈ ગયું છે? કંઈક તો વિચાર કરો. આપ છેક પૂનાથી ઉજ્જૈન સુધી આવી પહોંચ્યા છો. છેલ્લી ઘડીએ તમે જો કાચા પડશો તો દોલત સમેટવાની વાત તો બાજુએ રહી પણ એ બાઈ આપણને બંનેને આખી જિંદગી અંધારી કોટડીમાં પૂરી દેશે અને એ કારાગૃહમાં જ આપણે આપણો આખરી દમ તોડવો પડશે.'
 
`તાત્યા, સાચું કહું! હું સૈન્ય લઈને નીકળી તો ગયો પણ મને રસ્તામાં એક જ વિચાર આવે છે કે હું એક વિધવાનું કાસળ કાઢવાનું, એના હકનું છીનવી લેવાનું પાપ કરી રહ્યો છું.'
 
તાત્યા સમજી ગયા હતા કે દાદાસાહેબનો ઇરાદો ફર્યો છે. એ જો આ વાતમાંથી ફરી જશે તો એમની જિંદગી ઝેર થઈ જશે. તાત્યા બોલવામાં ખૂબ માહેર અને ચતુર હતા. તેમણે દાદાસાહેબનું ફરી ગયેલું ચિત્ત ઠેકાણે લાવવા માટે શબ્દોની રમઝટ બોલાવી દીધી.
 
તેઓ બોલ્યા, `શ્રીમંત, હવે છેલ્લી ઘડીએ હિંમત હારવી રાઘોબાને શોભા દેતું નથી. દોલત સંભાળવી હોય તો પછી બાઈ હોઈ કે ફોઈ, વિધવા હોય કે કુંવારિકા કોઈ પણ હોય. તેનો વિચાર રાજકર્તાએ કરવાનો જ ના હોય. દાદાસાહેબ, તમે માત્ર પૂનાનો વિચાર કરો. બાઈના ખાનગી ખજાનામાં સોળ કરોડની સંપત્તિ તો રોકડમાં છે. રાજકીય ખજાનાની સંપત્તિ કેટલી હશે ભગવાન જાણે! આ રકમ એ વિધવા બાઈ પોતે ય વાપરતી નથી અને અન્યને પણ વાપરવા દેતી નથી. સંપત્તિ કોઈના કામમાં ના આવે તો એ શા કામની? આપ તો જાણો જ છો કે આજે શત્રુઓ ચારે તરફથી આખા હિન્દુસ્થાનમાં જોર કરી રહ્યા છે. નિઝામ, હૈદર, ફિરંગી આ બધા શત્રુઓને પરાસ્ત કરવા આપણી પાસે પૂરતું લશ્કર જોઈએ. એ બધું કયા જોરે કરીશું આપણે? દેવાના જોર પર? અરે બાઈ પાસે ધૂળ ખાઈને પડી રહેલી, વેડફાતી દોલતના જોર પર! દાદાસાહેબ, આપને કદાચ મારા ઇરાદાઓમાં સ્વાર્થ દેખાતો હશે પરંતુ અહલ્યાબાઈની સંપત્તિ જપ્ત કરવા પાછળનો મારો ઇરાદો હિન્દુ સામ્રાજ્યના રક્ષણ માટેનો છે!'
તાત્યાની વાત સાંભળીને દાદાસાહેબ લગભગ એમને વશ થઈ ગયા હતા. બસ તેમના મનમાં એક આખરી પ્રશ્ન હતો, એ પણ એમણે પૂછી લીધો, `પરંતુ તાત્યા, પૂનાના શ્રીમંત માધવરાવ પેશવાને આપણું આ કૃત્ય જરાય નહીં ગમે. અત્યારે તો એમને ખબર પડી પણ ગઈ હશે અને એ ધૂંઆપૂંઆ થઈ ગયા હશે. એમને કેમ કરીને સમજાવીશું?'
 
દાદાસાહેબને સાવ ઝૂકી જતાં જોઈને તાત્યાને જોશ આવી ગયું. તેમણે હવે તેમનો છેલ્લો પાસો ફેંકતાં કહ્યું, `અરે, આપ વડીલ છો અને મારે આપને આ ના સમજાવાનું હોય. પણ માધવરાવ પેશવાને તો હજુ તાજી તાજી જ મૂછો ફૂટી છે. પેશવાનાં વસ્ત્રો ધારણ કરી લીધાં છે પણ હજુ તો છોકરું જ ગણાય ને. પોતાની મા વિધવા છે એટલે એ અહલ્યાબાઈને પણ માની ભાવનાથી જ જુએ છે. એમની ઉંમર અને અનુભવ બંને હજુ ઊતરતાં છે. હજુ તો એમણે પૂરું હિન્દુસ્થાન જોયું નથી તો હિન્દુસ્થાનની રાજનીતિના દાવપેચ કે હિતની શું ખબર પડે? આથી જ તેમના હિતમાં આપણે આ કઠોર નિર્ણય લેવો જોઈએ. જો આવતી કાલે કોઈ દુશ્મન હોળકરોની સંપત્તિ હડપ કરીને એનો ઉપયોગ આપણી વિરુદ્ધ લડવામાં જ કરશે તો આપણે શું કરીશું? અરે તમે શું કરશો? એનો સૌથી મોટો ગેરલાભ પેશવાઓને જ થશે. શ્રીમંત માધવરાવજી આપને આ બાબતે ઠપકો આપે તો એમને આ સત્ય હકીકત સમજાવજો અને કહેજો કે જે થયું એ તે તેમના હિતમાં જ થયું છે. અમે તો એક સેવક તરીકે આ બાબતે આપનું ધ્યાન દોરીને આપને જાગૃત કરવાનું કામ કર્યું છે, તેમ છતાં હવે તમારે જ બધો વિચાર કરવાનો છે. '
 
તાત્યાની વાત સાંભળીને દાદાસાહેબ સાવ મૌન થઈ ગયા. પણ તેમના મનમાં તો વિચારોનું વાવાઝોડું ફુંકાયું હતું.
 
***
 
(ક્રમશઃ)
 
 
આગળના પ્રકરણ : -
 
પ્રકરણ – ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!!
પ્રકરણ - ૯ । હોળકરોના કુળને આમ સ્મશાનવત્ બનાવીને ના જા, દીકરી! હું તારા પગે પડું છું
પ્રકરણ – ૧૦ । ત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દીથી દેદીપ્યમાન એવા મલ્હારરાવના જીવનનો અંત આવ્યો
પ્રકરણ – ૧૧ । .... અને માલેરાવના રાજ્યારોહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ
પ્રકરણ - ૧૨ । માલેરાવે એક નિર્દોષ માંત્રિકને જાહેરમાં કોરડા મારીને મારી નાંખ્યો
પ્રકરણ - ૧૩ । પુત્રને જીવનમાં પહેલીવાર લાગણી જન્મી એ જોઈને માતોશ્રી આનંદિત થઈ ગયાં
પ્રકરણ – ૧૪ । ડોળાને જાણે બહાર ફંગોળવા હોય એમ આંખો પહોળી કરીને માલેરાવે માથું ઢાળી દીધું
પ્રકરણ – ૧૫ । હોળકરોની સંપત્તિ પચાવી પાડવા વિશ્વાસુઓ જ વેરી બન્યા
 પ્રકરણ – ૧૬ । તાત્યા અને રઘુનાથદાદાના ષડયંત્રને પછાડી દેવાની યોજના બની રહી હતી
Powered By Sangraha 9.0