પ્રકરણ – ૧૮ । અરેરે, જતી જિંદગીએ મારાથી આ શું થઈ ગયું, સ્વર્ગસ્થ મલ્હારરાવની સંપત્તિ પર નજર બગાડી?

30 Dec 2024 18:24:21

ahilyabai
 
 
ઇન્દોરના દીવાન ગંગાધર યશવંત તાત્યા એટલે દૂધ પાઈને ઉછરેલો સાપ. શ્રીમંત દાદા સાહેબ રઘુનાથરાવ પૂનાથી છેક ઇન્દોર સુધી પચાસ હજારનું લશ્કર લઈને આવી પહોંચ્યા હતા. પણ તેમનું હૃદય-પરિવર્તન થઈ રહ્યું હતું. વિધવા અહલ્યાબાઈ પાસેથી તેમના હકની સંપત્તિ છીનવી લેવા માટે તેમનું મન નહોતું માની રહ્યું. પરંતુ કાચીંડાથી પણ લુચ્ચા અને રંગ બદલનારા તાત્યાએ શબ્દોની એવી માયાજાળ રચી કે આખરે દાદાસાહેબ પણ એમની વાતમાં આવી ગયા હતા અને ફરી અહલ્યાબાઈનાં રાજને તહસ-નહસ કરી નાંખવાનો નિશ્ચય કર્યો.
 
`હર...હર... મહાદેવ... દાદાસાહેબની જય...' તાત્યાએ આનંદમાં એકલા એકલા જ જયકારો બોલાવ્યો. એ પછી બંને હુમલાની લાંબી યોજના કરવા બેસી ગયા. થોડો સમય વીત્યો હશે ત્યાં જ એક સેવક આવ્યો અને બાતમીદાર આવ્યાના સમાચાર આપ્યાં. દાદાસાહેબે એને તરત અંદર બોલાવ્યો.
 
બાતમીદારે કહ્યું, `શ્રીમંત, આપ પચાસ હજારનું લશ્કર લઈને તેમના પર હુમલો કરવા નીકળી પડ્યા છો એ વાતની અહલ્યાબાઈ સાહેબને જાણ થઈ ગઈ છે. શરૂઆતમાં બાઈસાહેબ ખૂબ ડરી ગયાં હતાં. પણ એમને સમય મળી ગયો એટલે એમણે રાતોરાત તુકોજી હોળકરને લાવ-લશ્કર સાથે બોલાવી લીધા છે. ભોંસલેની ફોજ પણ આવી ચૂકી છે, યુદ્ધ માટે સેંકડો બાણ અને દારૂગોળાની વ્યવસ્થા બાઈએ કરી લીધી છે. ગાયકવાડ વીસ હજારની સેના સાથે મદદ માટે તૈયાર છે.'
`હેં... શું વાત કરે છે?' દાદાસાહેબના ગળામાં સોસ પડ્યો હોય એમ એ બોલ્યા. તાત્યાને પણ પરસેવો વળી ગયો હતો. પણ એ કંઈ બોલ્યા નહીં.
 
દાદાસાહેબે ધીમા સૂરે પૂછ્યું, `કેટલું સૈન્ય ભેગું કર્યું છે બાઈએ?'
 
`લાખ સૈનિકો તો દારૂગોળા સાથે ઇન્દોરના મેદાનમાં ઊભરાઈ રહ્યા છે અને બાકીના લોકોએ મદદ કરવાની હા ભણી છે, એ લોકો ય તેમના સ્થાનેથી નીકળી ગયા છે. યુદ્ધ શરૂ થતાં સુધીમાં આંકડો દોઢ લાખે પહોંચે તો ના નહીં! ક્ષમા કરજો શ્રીમંત પણ અહલ્યાબાઈ અને તેમના સરદારો આપને ક્ષિપ્રા નદી નહીં ઓળંગવા દે, એમાં જ ડૂબાડશે તેવો દૃઢ નિર્ધાર કર્યો છે.'
બાતમીદારના શબ્દો સાંભળીને દાદાસાહેબના કપાળ પર પ્રસ્વેદનાં બિંદુઓ જમા થઈ ગયાં હતાં. તેમણે પૂછ્યું, `પણ આ બધી માહિતી તો ગુપ્ત હતી. તો પછી બાઈસાહેબને ખબર કેવી રીતે પડી?'
 
બાતમીદારે અભયવચન માંગ્યા પછી કહ્યું, `શ્રીમંત, વાત એમ છે કે જ્યારે ગંગાધર તાત્યાએ અહલ્યાબાઈની સંપત્તિ હડપ કરવા માટે આપને પત્ર લખ્યો હતો એ પત્ર પૂર્ણ સાવધાનીથી આપની પાસે નહોતો મોકલ્યો. એમનો જ કોઈક માણસ ફૂટી ગયો હતો અને એની નકલ કરાવી લીધી હતી. આમ આ ગુપ્ત મસલતની જાણ અહલ્યાબાઈને થઈ ગઈ. તેમણે સ્વર્ગવાસી મલ્હારરાવે કરેલા ઉપકારોની યાદ દેવડાવીને બધાય સરદારોને તાત્કાલિક પત્રો લખ્યા અને તેમને તેડાવ્યા. લશ્કરના ખર્ચ માટે લાખો રૂપિયા ચૂકવ્યા. એક બાજુ પૂના શ્રીમંત માધવરાવ પેશવાને પણ પત્ર લખી આપના દ્વારા હુમલાની જાણ કરી અને સ્વરક્ષણ માટે મંજૂરી માંગી. શ્રીમંત માધવરાવે પણ તેમને મંજૂરી આપીને આપની સાથે યુદ્ધ કરવાનો માર્ગ મોકળો કરી આપ્યો. શ્રીમંત માધવરાવ પેશવાએ બાઈસાહેબને અભય આપતો પત્ર લખ્યો છે. દાદાસાહેબનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું હતું. દાદાસાહેબમાં પણ બોલવાના હોશ નહોતા. તેમણે બાતમીદારને કહ્યું, `ભલે, તું જઈ શકે છે.'
 
બાતમીદાર બોલ્યો, `શ્રીમંત, હજુ એક માઠા સમાચાર છે. આપને કહેવા જરૂરી છે.'
 
`પાછું શું છે, મારો જીવ લઈશ કે શું તું!' દાદાસાહેબ તાડુક્યા.
 
બાતમીદાર બોલ્યો, `શ્રીમંત, ક્ષમા કરજો! પણ અત્યંત જરૂરી ખબર છે.'
 
`બકવા માંડ!'
 
`શ્રીમંત, વાત એમ છે કે આ બધી માહિતી બાઈસાહેબના ગુપ્તચરોએ આપણા સૈનિકોમાં ફેલાવી દીધી છે. તેમને ડરાવ્યા છે કે એમની પચાસ હજારની સેના સામે દોઢ લાખની સેના લડવાની છે. આથી કેટલાક સૈનિકોમાં ભય વ્યાપેલો છે. એ ભયની વાત જવા દઈએ તો પણ આપણું લશ્કર આપનો સાથ આપવા માટે તૈયાર નથી. લશ્કરના મોટાભાગના સૈનિકોનું કહેવું છે કે, એક વિધવા બાઈ સાથે લડવા માટે હવે તેમનું મન માનતું નથી. તમે એમને છેતરીને અહીં સુધી લઈ આવ્યા છો. હવે તેમને સમજાઈ ગયું છે કે, તમે બાઈસાહેબની સંપત્તિ પડાવી લેવા માટે અહીં આવ્યા છો. લશ્કરના સૈનિકો કહે છે કે, જો તમે એમને અહલ્યાબાઈ સાથે લડવા માટે મજબૂર કરશો તો તેઓ આ નોકરીમાંથી છૂટા થઈ જશે. તેઓ છાવણી છોડીને જવાની તૈયારી કરવા લાગ્યા છે. તેઓ માધવરાવ પેશવાને આપની ફરિયાદ કરવાના છે.'
 
`ઠીક છે..... તું જા!' દાદાસાહેબે બધી વાત સાંભળી લીધા પછી બાતમીદારને રવાના કર્યો. એના ગયા પછી તેઓ કપાળે હાથ મૂકીને બેસી ગયા. તાત્યા પણ કંઈ બોલી શકતા નહોતા. ક્યાંય સુધી બંને મૌન બેસી રહ્યા. જે કંઈ બની ગયું હતું એની કળ તેમને વળતી નહોતી. આખરે તાત્યાએ જ બોલવું પડ્યુ, `શ્રીમંત દાદાસાહેબ, આપ ચિંતા ના કરો!'
 
`શું ખાખ ચિંતા ના કરો. આ બધું તમારી ભૂલના લીધે જ થયું છે. તમે તો કહ્યું હતું કે બધું જ ગુપ્ત છે, પણ અહીં તો આખી રામાયણ ખુલ્લી થઈ ગઈ છે. હું જ મૂર્ખ છું કે તમારી વાતમાં આવી ગયો.'
 
`મને પણ અંદાજ નહોતો દાદાસાહેબ કે આવું કંઈ થશે.'
 
`મુત્સદ્દીગીરી ના હોય તો આવાં કાર્યો કરવાના મનસૂબા ના સેવાય સમજ્યા?'
 
`ચિંતા ના કરો, હું કંઈક કરું છું!'
 
`તમે એક જ કામ કરો હવે તો.' દાદા સાહેબ કડવાશથી બોલ્યા, `અમારા ચહેરા પર કાળો રંગ ચોપડી દો એટલે અમે પૂના તરફ પ્રસ્થાન કરીએ.'
 
દાદા સાહેબનાં કડવા વેણ સાંભળી તાત્યાએ પોતાની વફાદારી બતાવવા માટે કહ્યું, `શ્રીમંત, આવાં વેણ કાઢવા કરતાં તો આ સેવકની ગરદન ધડથી અલગ કરાવી દો એ જ યોગ્ય રહેશે.'
 
`હવે આવી બધી વાતોનો કોઈ અર્થ નથી. આપણી પોલ ખુલ્લી પડી ગઈ છે. બાઈની મદદ માટે તુકોજી, ગાયકવાડ, શિંદે, ભોંસલે, રાજપૂતો બધા આવી પહોંચ્યા છે. આપણી માત્ર પચાસ હજારની સેના છે અને એ પણ લડવા તૈયાર નથી. તેમની સેના દોઢ લાખની છે. અને કદાચ જીત્યા તો પણ કોઈ અર્થ નથી. કારણ કે માધવરાવ પેશવા તેમના પક્ષમાં છે. અમે પૂના જઈશું તરત જ તેઓ અમારી ગરદન ધડથી અલગ કરશે.'
 
દાદાસાહેબ આટલું બોલી મૌન થઈ ગયા. ડરથી ગણો કે બીજા કોઈ કારણોસર પણ હવે તેમને પારાવાર પસ્તાવો થઈ રહ્યો હતો. એ મનોમન દુઃખી થઈ રહ્યા હતા. તેમનું હૃદય કહેતું હતું કે, તેમણે જીવનનું સૌથી ખરાબ પગલું આ ભર્યું છે. તેઓ ધીમા અને ભીના અવાજે બોલવા લાગ્યા, `અરેરે, જતી જિંદગીએ મારાથી આ શું થઈ ગયું? મારી મતિ મારી ગઈ હશે તે હું તમારી વાતમાં આવી ગયો. સ્વર્ગસ્થ મલ્હારરાવ અને અમારા સંબંધો તો ખૂબ સારા હતા. અહલ્યાબાઈ પણ અમને પિતા તુલ્ય માનતાં હતાં. અમે એમની સંપત્તિ પર નજર બગાડી? અત્યંત ક્ષોભનીય કહેવાય. આવું કાળું મોં લઈને અમે ક્યાં જઈશું? ઘોર અનર્થ થઈ ગયો અમારાથી. મહાપાપ થઈ ગયું!'
 
તાત્યા પાસે કંઈ ઉત્તર નહોતો. એ થર થર ધ્રૂજી રહ્યા હતા. આખી રાત આમ જ વીતી ગઈ. સવારે બંને પાછા ભેગા થયા અને આ સમસ્યાનો ઉકેલ શોધવા લાગ્યા. બંને વચ્ચે મસલત ચાલતી હતી ત્યાં જ ઇન્દોરથી અહલ્યાબાઈનો એક દૂત પત્ર લઈને આવ્યો. અને તાત્કાલિક એનો ઉત્તર લખી આપવા જણાવ્યું.
 
દાદાસાહેબમાં હિંમત નહોતી બચી કે તેઓ અહલ્યબાઈનો પત્ર વાંચી શકે. તેમને તો પત્રમાં પણ અહલ્યાબાઈનું સિંહણ જેવું મુખ દેખાતું હતું. તે પત્ર તેમણે તાત્યાને વાંચવાનો આદેશ આપ્યો. તાત્યાએ થરથરતા હાથે પત્ર ખોલ્યો અને વાંચવાની શરૂઆત કરી, `દાદાસાહેબ, પ્રણામ. આપની અને તાત્યાની બધી જ ચાલ અમે પામી ગયા છીએ. વધારે કંઈ વાત નથી કરવી. બસ એટલું જ કહેવું છે કે તમે ક્ષિપ્રા ઓળંગવાનું સાહસ કર્યું છે તો તમારી અને અમારી તલવારો ટકરાશે અને તમારા બૂરા હાલ થશે. તમારી હાર નિશ્ચિત છે. અમે તમારું ખૂબ સન્માન કરીએ છીએ. પરંતું તમારાથી ડરતા નથી. આપ આ યુદ્ધ જીતશો તો પણ આપની જ હાર થશે અને હારશો તો તો હાર થશે જ. કારણ કે આપના પર લોકો થૂ થૂ કરશે કે આપ સ્ત્રી સાથે લડ્યા. અને હારશો તો એમ થશે કે આપ સ્ત્રીઓથી હાર્યા. માટે આપ ચાલ્યા જાવ. કારણ કે આપના નામ પર થૂ થૂ થઈ જાય એ અમને પણ નહીં ગમે. વાર્યા વળી જાવ. જે કરો તે વિચારીને કરજો.'
 
આખો પત્ર સાંભળ્યા પછી દાદાસાહેબની ચિંતા ઔર વધી ગઈ. તેમણે કહ્યું, `તાત્યા, મારે તો હવે આત્મહત્યા કરવાની જ બાકી રહી છે. અમે બરબાદ થઈ ગયા!'
 
તુકોજી બોલ્યા, `શ્રીમંત, હું જાણું છું કે બધું જ મારી ભૂલના લીધે થયું છે. આ મુશ્કેલીમાં મેં જ તમને મૂક્યા છે અને હું આપને વચન આપું છું કે, હું જ આપને આમાંથી બહાર કાઢીશ. બસ મને સાંજ સુધીનો સમય આપો. મારા પર કૃપા કરો અને વિશ્વાસ રાખો.'
 
`હવે વિશ્વાસ રાખવા સિવાય છૂટકો પણ ક્યાં છે. આપ જાવ અને જલદી કંઈક એવો ઉકેલ લઈને આવો કે સાપ પણ ના મરે અને લાકડી પણ તૂટે. અને સેવકને બોલાવીને દૂતને સંદેશ કહેવડાવી દો કે સાંજે તેને ઉત્તર આપી દેવામાં આવશે.'
 
તાત્યાએ આજ્ઞાનું પાલન કર્યું અને ઢીલી ચાલે તંબુની બહાર ચાલ્યા ગયા. તાત્યાનું દિમાગ ભયંકર હતું. તેઓ એવું વિચારી શકતા જેવી કોઈ પાસે ક્ષમતા જ નહોતી. એકેએક મુશ્કેલીમાંથી ઉગરવાના ઉપાયો તેમની પાસે હતા. તેઓ એક તંબુમાં બેસીને આ મુસીબતમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યા હતા.
 
અનેક વિચારો કર્યા બાદ અચાનક તેમને એક રસ્તો સૂઝ્યો. તેઓનું હૃદય ઊછળી ઊઠ્યુ અને તુરંત જ તેઓ દાદાસાહેબ પાસે દોડી ગયા.'
 
સાવ ઢીલા થઈને બેઠેલા દાદાસાહેબે તેમને જોયા પણ કંઈ આવકાર આપ્યો નહીં. આખરે તાત્યા જ બોલ્યા, `દાદાસાહેબ, હવે છાતી કાઢીને બેસી જાવ. હું એક એવો ઉપાય લઈને આવ્યો છું કે તમે રાજી થઈ જશો.'
 
`શો ઉપાય છે જલદી બોલો!'
 
`અહલ્યાબાઈના પત્રનો હું જે ઉત્તર લખાવું છું એ લખીને મોકલી આપશો એટલે આપણે આ સમસ્યામાંથી બહાર નીકળી જઈશું.'
 
`શું છે એવો ઉત્તર?'
 
`જુઓ હું તમને કહું!'
 
`હંઅ......અ!'
 
`બાઈસાહેબને આપણે ઉત્તર લખવાનો છે કે.... આદરણીય બાઈસાહેબ અહલ્યાબાઈ હોળકર! આપનો પત્ર મળ્યો. વાંચીને અત્યંત દુઃખ થયું. ખરી વાત તો એ છે કે તમે જે લખ્યુ છે એવું કશું જ નથી. વળી અમને એ પણ માહિતી મળી છે કે આપને અમારા અને તાત્યા વિશે પણ કોઈએ ભડકાવ્યા છે. અમે આપની સંપત્તિ હડપ કરવા માટે આયોજન કરી રહ્યા છીએ એવી જૂઠી બાતમી અને જૂઠો પત્ર આપ્યો છે. પરંતુ એ વાત તદ્દન ખોટી છે અને એ પત્ર પણ ખોટો છે. અમારી અને તાત્યા વચ્ચે એવી કોઈ ચર્ચા થઈ જ નથી.
 
બાઈ સાહેબ, અમે હાલ ઉજ્જૈન છીએ અને અમારી સાથે પચાસ હજારનું સૈનિક છે એટલે આપને પણ એવું જ લાગ્યું હશે કે અમે આપના પર હુમલો કરવા આવી રહ્યા છીએ. પણ એ વાત પણ તદ્દન ખોટી છે. સાચી હકીકત હું આપને જણાવું છું. બાઈસાહેબ, આપને જે માહિતી મળી છે એવું કદી બની જ ના શકે. અમે એવું કદી કરી જ ના શકીએ. કારણ કે સ્વર્ગવાસી મલ્હારરાવ અને અમે તો ભાઈ ભાંડુ છીએ. એમના ગયા બાદ અમારા વડિલ કોણ રહ્યા? એમની ખોટ અમારા કાળજામાં સતત કાંટા જેમ ખટક્યા કરે છે. એવામાં આપના એકના એક પુત્ર માલેરાવનું પણ અચાનક અકાળે અવસાન થયું. અરે આપના પતિ અને પુત્ર તો અમારા સામ્રાજ્યના જીવ હતા. એમના વિરુદ્ધ અમે શા માટે કંઈ કરીએ? આ બંનેના અકાળ અવસાનથી આપના પર દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે એ પણ અમે જાણીએ છીએ. માલેરાવના સ્વર્ગવાસી થવાના સમાચારથી અમે અત્યંત વ્યાકુળ થઈ ગયા અને અમારાં સર્વે કાર્યો બાજુમાં મૂકીને આપને ત્યાં શોકમાં ભાગીદાર થવા માટે આવી રહ્યા હતા. અમારી સાથે સેના એટલે સાથે લીધી હતી કે આપ તો જાણો છો કે આજકાલ પૂના શ્રીમંતના દુશ્મનોનો તોટો નથી. ગમે તે દુશ્મનો ગમે ત્યારે હુમલો કરી શકે છે. એટલે અમે આટલી મોટી સેના લઈને આવ્યા છીએ. એ સેના આપને ત્યાં છેક સુધી લાવવાના જ નહોતા. એ તો અહીં ઉજ્જૈન સુધી અમારી રક્ષા કાજે જ આવી હતી. બાઈસાહેબ, હકીકત આ જ છે કે, અમે આપના શોકમાં ભાગીદાર થવા આવી રહ્યા હતા. આપ જ કહો કે આવા પ્રસંગ પર અમે આપને મળવા ના આવીએ તો આપણા સંબંધનો કોઈ અર્થ ખરો? પણ આપના પત્રએ અમને ખૂબ વ્યથિત કરી દીધા. બીજી વાત કે આ પત્ર આપના સુધી પહોંચશે એ પહેલાં અમે અમારી પચાસેય હજાર સેનાને દક્ષિણ તરફ રવાના કરી દીધી હશે. આપ ખુશ રહો એ જ અમે તો ઇચ્છીએ છીએ. આપને કંઈ પણ જરૂર હોય તો અવશ્ય જણાવશો. હર હર મહાદેવ.....! આશીર્વાદ છે.'
 
તાત્યાની આ દરખાસ્ત સાંભળતાં જ દાદાસાહેબ આનંદિત થઈ ગયા. તેઓ તેમના આસન પરથી ઊભા થઈ ગયા અને તાત્યાને ભેટી પડ્યા, `વાહ, તાત્યા, શું માર્ગ કાઢ્યો છે તમે! ધન્ય છે તમને. આપે તો અમને બદનામીથી બચાવી લીધા.'
`આભાર શ્રીમંત! બીજું કામ એ પણ કરવાનું છે કે આ પત્રની નકલ તાત્કાલિક પૂના માધવરાવજીને પણ મોકલવાની છે અને બીજા સરદારોને પણ. જેથી આપણા પર કોઈને શંકા ના રહે. પહેલું કામ એ કરવાનું છે કે આપણા સૈન્યને આદેશ આપી દો કે કોઈ યુદ્ધ કરવાનું જ નહોતું. આ તો બધી અફવાઓ હતી. આમ કહી સૈનિકોનો રોષ ઠંડો પાડીને એમને પણ પૂના તરફ રવાના કરી દો.'
 
થોડીવારમાં પત્ર લખાઈ ગયો. ઇન્દોરથી આવેલા દૂતને પત્ર લઈને રવાના કરવામાં આવ્યો અને બીજા એક સાંઢણી સવારને પૂના મોકલવામાં આવ્યો. આ ઉપરાંત ચારે તરફ એવા સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે દાદાસાહેબ માલેરાવના મૃત્યુનો શોક વ્યક્ત કરવા માટે ખુદ ઇન્દોર આવી રહ્યા છે. ચારે દિશામાં તેમના દૂતો ફરી વળ્યા.
 
***
 
અહલ્યાબાઈએ મોકલેલો દૂત પત્રનો ઉત્તર લઈને ઇન્દોર પહોંચ્યો. માતોશ્રી અહલ્યાબાઈ, તુકોજી વગેરે સૌ આતુર જીવે પત્ર વાંચવા માંડ્યા. પત્ર વાંચીને સૌથી મોટી હાશ માતોશ્રીને થઈ.
 
તુકોજી બોલ્યા, `ડરી ગયા ડરપોકો.'
 
માતોશ્રી બોલ્યાં, `જે થયું એ, પણ યુદ્ધ ટળ્યું અને નિર્દોષોના જીવ બચી ગયા એ જ આપણા માટે મોટી વાત છે. આપણે સત્ય તો જાણીએ છીએ પણ અત્યારે હવે એ બધું ઉખેળીને વાતનું વતેસર કરવાનું નથી. દાદાસાહેબ શોક વ્યક્ત કરવા આવે તો એમનું પૂરેપૂરું સન્માન કરવાનું છે અને તાત્યાને પણ હમણાં કંઈ કહેવાનું નથી.' તુકોજી કંઈ બોલ્યા નહીં. અહલ્યાબાઈની આંખમાં હર્ષનાં આંસુ હતાં. તેઓ તરત જ ગજાનન ગણપતિની મૂર્તિ પાસે જઈને ઊભાં રહ્યાં અને ચોધાર આંસુએ રડતાં રડતાં બોલ્યાં, `હે વિઘ્નહર્તા ગણેશ ભગવાન. આપે ઇન્દોરના માથેથી મોટી ઘાત ટાળી એ બદલ આપનો આભાર. આ નિમિત્તે હું મારા અંગત ખાનગી ખજાનામાંથી ગરીબોને દાન કરીશ, પ્રસાદ ચડાવીશ અને સેવાકાર્યો કરીશ.'
 
અહલ્યાબાઈ આખી રાત ભગવાન ગણેશની મૂર્તિ પાસે જ બેસી રહ્યાં. વહેલી સવારે સૂરજ ઊગ્યો. પૂર્વ દિશામાં કેસરિયાળું અજવાળું થયું. જાણે હોળકરોની સંપત્તિ પર છવાયેલા અંધકારનાં આવરણ હટી ગયાં હતાં.
 
***
 
(ક્રમશઃ)
 
 
 
આગળના પ્રકરણ : -
 
પ્રકરણ – ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!!
પ્રકરણ - ૯ । હોળકરોના કુળને આમ સ્મશાનવત્ બનાવીને ના જા, દીકરી! હું તારા પગે પડું છું
પ્રકરણ – ૧૦ । ત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દીથી દેદીપ્યમાન એવા મલ્હારરાવના જીવનનો અંત આવ્યો
પ્રકરણ – ૧૧ । .... અને માલેરાવના રાજ્યારોહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ
પ્રકરણ - ૧૩ । પુત્રને જીવનમાં પહેલીવાર લાગણી જન્મી એ જોઈને માતોશ્રી આનંદિત થઈ ગયાં
પ્રકરણ – ૧૪ । ડોળાને જાણે બહાર ફંગોળવા હોય એમ આંખો પહોળી કરીને માલેરાવે માથું ઢાળી દીધું
પ્રકરણ – ૧૫ । હોળકરોની સંપત્તિ પચાવી પાડવા વિશ્વાસુઓ જ વેરી બન્યા
પ્રકરણ – ૧૬ । તાત્યા અને રઘુનાથદાદાના ષડયંત્રને પછાડી દેવાની યોજના બની રહી હતી
પ્રકરણ – ૧૭ । આપ જીતશો તો લોકો થૂ થૂ કરશે કે આપ સ્ત્રી સાથે લડ્યા અને હારશો તો  
Powered By Sangraha 9.0