હોળકરોની સંપત્તિ પર ઘેરાયેલાં સંકટનાં વાદળો દૂર થઈ ગયાં હતાં. શ્રીમંત દાદાસાહેબનું હૃદય સંપૂર્ણ રીતે પરિવર્તિત થઈ ગયું હતું. તેઓ શોક વ્યક્ત કરવા ઇન્દોર આવી પહોંચ્યા હતા. તેમની સાથે તેમનાં પત્ની આનંદીદેવી પણ હતાં. આનંદી અત્યંત સ્વરૂપવાન અને ઘમંડી હતાં.
અહલ્યાબાઈએ દાદાસાહેબ અને આનંદીદેવીનું અદ્ભુત સ્વાગત કર્યું. તેમના રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરી. બીજા દિવસે પ્રાતઃકાળે તેઓ અહલ્યાબાઈને મળવા માટે ગયાં. અહલ્યાબાઈને તેમણે લગ્ન વખતે જોયાં હતાં. એ પણ દૂરથી. આજ સુધી તેઓએ તેમનો અવાજ પણ નહોતો સાંભળ્યો. આજે પહેલીવાર તેઓ અહલ્યાબાઈને મળવા ગયાં હતાં. દાદાસાહેબ સાથે તેમનાં પત્ની આનંદીદેવી નહોતાં ગયાં. આખો દિવસ વીતી ગયો પણ દાદાસાહેબ પાછા નહોતા આવ્યા. આનંદીદેવીને સખત ગુસ્સો ચડ્યો હતો. એમાંય એ જ્યારથી અહીં આવ્યાં હતાં ત્યારથી માત્ર અને માત્ર અહલ્યાબાઈના વખાણ જ સાંભળ્યાં હતાં. એનાથી એમને વધારે ચીડ ચડતી હતી. તેઓ મનોમન એવું ધારતાં હતાં કે, પોતાના જેટલું સ્વરૂપવાન અને ધનવાન કોઈ નથી. આભૂષણોથી અને રૂપથી સૌને મોહી શકાય છે.
વ્યગ્ર થઈ ગયેલા આનંદીદેવીએ સાથે આવેલી પોતાની અંગત દાસીને બોલાવીને પાણી મંગાવ્યું અને એની સાથે વાત શરૂ કરી, `મનોરમા, કેવું છે ઇન્દોરનું વાતાવરણ! અહલ્યાબાઈ વિશે શું કહે છે બીજા લોકો, તું કોઈને મળી ખરી?'
`હા, બાઈ સાહેબ! હું બે-ત્રણ દાસીઓને પણ મળી અને હમણાં આપના માટે ફળ લઈને સેવક આવ્યો હતો એને પણ મળી.'
`શું કહે છે એ અહલ્યા વિશે! બહાર ભલે એની વાહ વાહી હોય પણ અંદરખાને તો બધા એને નફરત જ કરતાં હશે.'
મનોરમા બોલી, `ના ના, એવું નથી. બધાં જ એમનાં વખાણ કરે છે. બહુ જ ધર્મજ્ઞ છે તેઓ.'
`હશે ધર્મજ્ઞ. પતિ ગુમાવ્યો, દીકરો ગુમાવ્યો હવે રામનામ નહીં જપે તો શું કરશે?'
`એટલું જ નહીં બધાં એમને માતોશ્રી કહીને જ બોલાવે છે.'
`નાટક છે બધાં! એમના અલંકારો, રૂપ વિશે શું કહે છે એ જાણવા મળ્યું કે નહીં?'
`બાઈસાહેબ, સાંભળ્યું છે કે અહલ્યાબાઈની આંખોમાં મંદિરમાં પ્રગટતા દીપની જ્યોતિ સમાન સાત્ત્વિક તેજ છે અને તેમના ચહેરા પર દૈવી આભા પ્રસરેલી છે. સહેજ શ્યામ વર્ણની પણ અદ્ભુત દેહલતા, નાની એવી માતાજીની મૂર્તિ જેવી. જોતાં જ ચરણસ્પર્શ કરવાનું મન થઈ આવે એવી આભા છે એમની.'
આનંદીદેવીને ગુસ્સો ચડ્યો, `અહલ્યા... અહલ્યા... અહલ્યા... ધર્મશીલ અહલ્યા, કર્મશીલ અહલ્યા, સત્યશીલ અહલ્યા! આ બધું અહીંના લોકો પાસેથી તો મેં સાંભળ્યું જ હતું પણ હવે તું પણ એ જ કહી રહી છે. મારા કાન પાકી ગયા છે આ બધું સાંભળી સાંભળીને. એને ખબર નથી કે હું કોણ છું. આ આનંદીના રૂપ આગળ એની તમામ સારપો પાણી ભરે. આ આનંદીના વ્યક્તિત્ત્વ અને સૌંદર્ય સામે આ માળવાના નાનકડા સૂબેદારની વિધવાનું વળી શું ગજું? અરે એ નજર ઉઠાવીને મારી સાથે વાત કરવાને લાયક પણ ન હોઈ શકે.'
વાત ચાલતી હતી ત્યાં જ દાદાસાહેબ કક્ષમાં પ્રવેશ્યા. દાસી મનોરમા ચાલી ગઈ. આનંદીએ તરત જ પતિને મેણું માર્યું, `આખો દિવસ કાઢ્યો તમે તો અહલ્યા પાસે. લાગે છે અહલ્યાએ આપ પર જાદુ કરી દીધો છે!'
`તેં દેવીને જોયાં નથી એટલે આવું કહે છે. શું એમની સાત્ત્વિકતા છે. પ્રજામાં શું એમનો પ્રભાવ છે. એમના એક ઇશારે બધા જ સરદારો, સૂબેદારો ખડે પગે તૈનાત થઈ જાય છે. આજે અમે એમને મળવા ગયા ત્યારે જોયું કે, શું એમનો રૂઆબ છે. ચારે દિશાઓના રાજાઓની સેના હાજર હતી. બધા એમના વિજયનો આનંદ મનાવી રહ્યા હતા. આજ સુધી અમે જોયું છે કે વિજયોત્સવ દરમિયાન સેના લૂંટ-ફાટ મચાવે છે કાં તો બક્ષિસ માંગે છે. પણ અહલ્યાબાઈ પાસે સૈનિકો માત્ર આશીર્વાદ માંગતા હતા. સૈનિકો અને પ્રજાજનો અહલ્યાબાઈમાં દેવીનાં દર્શન કરે છે, માતાનાં દર્શન કરે છે. અરે માતા જ માને છે. સેના પોતાની રાજનિષ્ઠા માટે ભૂખ્યા પેટે પણ રાજાને અજિંક્ય બનાવી શકે છે. એ અમે છત્રપતિ શિવાજી મહારાજ વિશે સાંભળ્યું હતું. પણ આજે માતોશ્રી અહલ્યાબાઈના રાજમાં એ પણ જોઈ લીધું.'
`ઓહો...હો....હો.... પાગલ થઈ ગયા લાગો છો તમે તો એને જોઈને. પણ એ ના ભૂલો કે આ એ જ અહલ્યા છે જેણે સતીનાં વસ્ત્રો પહેરેલાં ઉતારી દીધાં હતાં અને આનંદથી જીવન જીવવા માંડી હતી.'
`આનંદી, સતી બનીને ચિતાની આગમાં બળવા કરતાં અહલ્યાબાઈ જીવનની જે આગમાં બળ્યાં છે એ વધારે દાહક છે. એમાં એકવાર બળીને રાખ થઈ જવાનું હોય છે અને આમાં તો ક્ષણેક્ષણ વરસો સુધી બળતા રહેવાનું છે એમણે.'
`મને લાગે છે કે મારે એને મળવું જ પડશે. જોઉં તો ખરી કે આ હોળકરની વહુ મારા સૌંદર્ય સામે કેવી રીતે ટકી શકે છે?'
દાદાસાહેબે કહ્યું, `જ્યાં સુધી રૂપ અને સૌંદર્યનો પ્રશ્ન છે ત્યાં સુધી તો આનંદી તું જ બાઈસાહેબ કરતાં અનેકગણી સુંદર છો.
પરંતુ તેમના ચહેરા પર પવિત્રતાનું જે તેજ છે, એ જોનારાની નજરને આપોઆપ નીચી કરી નાંખે છે.'
આનંદીબાઈ અહલ્યાબાઈ પાસે શોક વ્યક્ત કરવા ગયાં. એક-બે ક્ષણ મગરનાં આંસુ સાર્યાં અને પછી પોતાના ઘમંડનું પ્રદર્શન કરવા લાગ્યાં. પણ અહલ્યાબાઈ તો નિર્મોહી હતાં. તેમના પર આનંદીના રૂપનો, ધનનો કે વાતનો કોઈ પ્રભાવ પડ્યો જ નહીં. ઊલટાનું એક કલાક બેઠા પછી આનંદીદેવી ખુદ એમનાથી પ્રભાવિત થઈને પાછા આવી ગયાં.
***
દાદાસાહેબ અને તેમના ધર્મપત્ની આનંદીદેવી અહલ્યાબાઈથી અંજાઈને પૂના પાછાં ચાલ્યાં ગયાં હતાં. આ ઘટનાને થોડા જ દિવસો પસાર થયા હતા. સાંજનો સમય હતો. અહલ્યાબાઈ તેમના કક્ષમાં બેઠાં બેઠાં માળવામાં નવાં વિકાસકાર્યો ક્યાં થઈ શકે તેના પર વિચાર કરી રહ્યાં હતાં. ત્યાં જ તુકોજી તેમને મળવા આવ્યા.
તુકોજીએ સમાચાર આપ્યા કે, એક દુશ્મન માળવા પર હુમલો કરવા માટે આગળ ધપી રહ્યો છે. જો એને રોકવામાં નહીં આવે તો એ છેક નગર સુધી આવી જશે અને માળવાની જનતાને નુકસાન પહોંચાડશે.
આ જાણીને અહલ્યાબાઈ એ પણ સાથે જવાની વાત કરી તુકોજી બોલ્યા, `માતોશ્રી, આપ ચિંતા ના કરો, હું છું.'
`રાજા વગરની સેના કેવી લાગે?'
`પણ સેનાપતિ તો છે ને!'
`એ તો છે જ પણ સેનાપતિનો જુસ્સો વધારવા ય રાજા તો જોઈએ ને ! હવે તમે કહેશો કે રાજા છે જ ક્યાં? માળવાનાં નસીબ ખરાબ છે કે કોઈ પુરુષ રાજા એની રાજગાદીએ નથી બચ્યો પણ તમે બધા મને લોકમાતા કહો છો એટલે મારે યુદ્ધે આવવું જ જોઈએ.'
`માતોશ્રી, પુરુષ - સ્ત્રીનો જરાય ભેદ નથી. આપ ખોટું ના સમજશો.'
`ભેદ હોય તો પણ જાણી લો કે, હું ય તલવારબાજી જાણું છું, ઘોડેસવારી અને યુદ્ધની બીજી કળાઓમાંય માહેર છું. અને યાદ છે ને કે એક વખત મારા મામંજી મલ્હારરાવ અને આપ સૌ યુદ્ધમોરચા પર હતા ત્યારે ગોહાડના કિલ્લા પર દુશ્મનોએ ઘેરો ઘાલેલો. એ વખતે હું પોતે આગેવાની લઈને નાનકડી સેના લઈને યુદ્ધમેદાને ગઈ હતી. આપને એ પણ યાદ હશે કે, એ યુદ્ધ હું જીતી પણ લાવી હતી. ગોહાડનો કિલ્લો હું જીતી આવી એના માટે તો મલ્હારાવજી ખૂબ રાજી થયા હતા અને યુદ્ધમોરચેથી જ અમને અભિનંદન આપતો પત્ર લખ્યો હતો. હું રાજકાજ સંભાળી શકું છું તેમ રણકાજ પણ સંભાળી શકું છું. રણમેદાનમાં જો દુશ્મનોના રક્તથી મારી શમશેર ના રંગાય તો મને કહેજો. જાવ હવે સમય ના બગાડો. તૈયારી કરો, હું આવું છું.'
`માતોશ્રીની જય હો...!' બોલીને જ તુકોજી બહાર ચાલ્યા ગયા.
ત્યારબાદ અહલ્યાબાઈ ઘોડેસવારી કરીને જાતે યુદ્ધમેદાને પહોંચ્યાં. એ તેમનું પહેલું યુદ્ધ હતું પણ જોનારાઓની આંખો ફાટી ગઈ હતી. અહલ્યાબાઈ વીજળીનો કડાકો બનીને બધા પર તૂટી પડ્યાં હતાં. કાલિકા જેવું તેમનું રૌદ્ર રૂપ જોઈને સૌમાં નાસભાગ મચી ગઈ હતી.
આખરે દુશ્મનોએ મુઠ્ઠી વાળીને ભાગવું પડ્યું. અહલ્યાબાઈ વિજયી થઈને ઇન્દોર પાછાં આવ્યાં ત્યારે પ્રજાજનોએ હરખભેર તેમને વધાવી લધેલાં. `માતોશ્રી અહલ્યાબાઈની જય હો...'ના નારાઓથી આખું વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.
આજે તેમણે તેમનાં લોકમાતાનું એક નવું સ્વરૂપ પણ જોયું હતું. પ્રજાને હવે સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો હતો કે જ્યાં સુધી લોકમાતાનો હાથ તેમના માથે છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના દુઃખનો ઓછાયો તેમના પર પડવાનો નથી.
સૂરજ મહારાજ જેમ અહલ્યાબાઈના રાજનો સૂરજ પણ મધ્યાહ્ને તપી રહ્યો હતો. દિવસે ને દિવસે માળવાની પ્રજાની સુખાકારીમાં વધારો થઈ રહ્યો હતો. પ્રજા હંમેશાં વાતો કરતી કે, `અહલ્યાબાઈ ના હોત તો આપણું આખું રાજ્ય જ માટીમાં મળી જાત. આ સ્ત્રી નથી પણ માળવા પર ઊતરેલો સાક્ષાત્ આશીર્વાદ છે. તેમના કારણે આપણા શ્વાસ ચાલે છે. તેમના કારણે આપણે સૌ સુખી છીએ.'
જ્યારે જ્યારે કોઈ પ્રજાજનોને અહલ્યાબાઈને મળવાનું થતું ત્યારે તેઓ નત મસ્તકે અને ભરેલા હૈયે આવી વાતો કરતા. પરંતુ અહલ્યાબાઈ કહેતાં કે, `હું તો માત્ર નિમિત્ત છું. આ તો મલ્હારરાવજીના પુણ્ય પ્રતાપે બધું થઈ રહ્યું છે.'
***
એક દિવસ એક સેવક સંદેશ લઈને આવ્યો, `માતોશ્રી, મુક્તાબાઈ સાસરીયેથી આવી રહ્યાં છે. બે દિવસમાં અહીં પહોંચી જશે. સાથે તેમના પુત્ર નાથુબા પણ છે.'
આ સમાચાર સાંભળીને અહલ્યાબાઈના હરખનો કોઈ પાર ના રહ્યો. તેમના રૂંવાડે રૂંવાડે આનંદ વ્યાપી ગયો. તેમની દીકરી મુક્તાને યશવંતરાવ સાથે પરણાવી હતી અને તેને એક પુત્ર પણ હતો. એનું નામ હતુ નાથુબા. અહલ્યાબાઈ હંમેશાં વિચારતાં કે, પોતાના વંશમાં તો કોઈ છે નહીં, એટલે હવે દીકરીનો દીકરો નાથુબા જ ભવિષ્યમાં માળવાની ગાદી સંભાળશે.
બે દિવસ બાદ મુક્તાબાઈ દીકરાને લઈને આવી પહોંચ્યાં. તેમનું ખૂબ સ્વાગત થયું. બંને મા-દીકરી આખી રાત અલક-મલકની અને સુખ-દુઃખની વાતો કરતાં રહ્યાં. વાતો કરતાં કરતાં અહલ્યાબાઈ પોતાના પતિ ખંડેરાવ, સસરા મલ્હારરાવ અને દીકરા માલેરાવને યાદ કરીને રડી પણ પડતાં હતા. દીકરી મુક્તાબાઈ એમને સાંત્વના આપતી અને બીજી વાતે ચડાવતી.
બે દિવસ બાદ અહલ્યાબાઈ રાજના કાર્ય માટે દરબારમાં ગયાં હતાં. એ વખતે મુક્તાબાઈ દાદીમા હરકુંવરબા અને ફોઈબા ઉદાબાઈ સાથે બેઠા હતાં. ત્રણેય વાતોએ વળગ્યાં હતાં. ત્રણેય પાસે અહલ્યાબાઈ સિવાય વાતનો કોઈ વિષય જ નહોતો. તેમનું વ્યક્તિત્ત્વ, પ્રજાવત્સલતા, ભાવના, બહાદુરી, પરિવારપ્રેમ એની જ વાતો થતી હતી.
વાત વાતમાંથી મુક્તાબાઈએ અચાનક એક જૂનો પ્રસંગ યાદ કરતાં કહ્યું, `ફઈબા, તમને પેલી ભીલોવાળી ઘટના યાદ છે?'
`કઈ ઘટના?'
``અરે એક વખત પહાડમાં ભીલોએ આતંક મચાવ્યો હતો. આવતાં-જતાં યાત્રીઓને લૂંટી લેતા હતા, મારી નાંખતા હતા. ત્યારે પિતાજી અને ભાઈ નહોતા. ભીલોએ ધમકી આપી હતી કે, રાજમાંથી કોઈ એમને કેદ કરશે તો આખું માળવા સળગાવી મૂકશે. એ વખતે માએ હિંમત કરીને ભીલોને બંદીવાન બનાવ્યા હતા અને દરબારમાં સૌ સામે ઊભા કર્યા હતા. માએ કહ્યું હતું કે, `નિર્દોષ લોકોને લૂંટનારા એ ભીલોને કડકમાં કડક સજા આપવામાં આવશે. તોપના નાળચે બાંધીને ફુરચેફુરચા ઉડાડી દેવામાં આવશે.''
`હા હા... યાદ આવ્યું.' ઉદાબાઈ અને હરકુંવરબા એકસાથે બોલી ઊઠ્યાં.
મુક્તાબાઈ માતાની બહાદુરીની વાત યાદ કરતાં હરખથી બોલી ઊઠી, `માએ એ વખતે કેવી મુત્સદ્દીથી આખો મામલો પાર પાડ્યો હતો નહીં? તેમણે ભીલોના સરદારને સીધી સજા કરવાને બદલે પૂછ્યું હતું કે, `તમે લોકો આ લૂંંટ-ફાટ કરો છો શા માટે? શું તમને લૂંટ-ફાટ કરવાનું શોભા દે છે?' અને ભીલોના સરદારે કહ્યું હતું કે, `શું કરીએ માતોશ્રી, અમે તો ભૂખ્યાં રહી જઈએ. પણ અમારાં નાનાં નાનાં સંતાનો દિવસો સુધી ભૂખ્યા રહે છે. કોઈક તો ભૂખે મરી પણ જાય છે. અરે, જંગલમાં પીવાનું પાણી પણ નથી મળતું અમને. ન તો ખેતીની સુવિધા છે ન તો જંગલમાંથી ફળ ફૂલ કે લાકડાં તોડીને ધંધો કરવાનો અમને અધિકાર છે. જંગલના અધિકારીઓ અમારા પર જુલમ ગુજારે છે. તેઓ જંગલમાંથી ચોરી કરીને વેચે છે અને અમે ભૂખે મરીએ છીએ.' એ ભીલોના સરદારની વાત સાંભળી માતોશ્રી તો ભર્યા દરબારમાં ચોધાર આંસુએ રડવા માંડેલાં....' આટલું બોલતાં મુક્તાબાઈના ગળે ડૂમો બાજી ગયો.
ઉદાબાઈએ આગળ કહ્યું, `હા મુક્તા! ત્યારે તો ભાભીસાહેબ ખૂબ રડેલાં. અને રડતાં રડતાં જ આદેશ આપ્યા હતા કે જંગલમાં રહેતા લોકોને તાત્કાલિક એક માસ ચાલે તેટલા રાશન-પાણીની વ્યવસ્થા કરવામાં આવે. એક માસની અંદર જંગલમાં કૂવા ખોદવામાં આવે. ભીલો માટે મકાન, વસ્ત્રો, કામ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવે. અને જે લોકો જંગલમાં ચોરી કરીને ભીલોને હેરાન કરે છે એમને તત્કાળ બંદી બનાવીએ અહીં હાજર કરવામાં આવે. હું ભીલોની સજા માફ કરું છું.'
હવે હરકુંવરબા બોલ્યાં, `અને આ બધું સાંભળીને ભીલો બાઈસાહેબના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ થઈ ગયેલા. વળી બાઈસાહેબે કહેલું કે તમે કોઈ ચિંતા ના કરતા. હું તમારા માટે કૂવા, તળાવ, નાળાં, ખેતીની જમીન, મકાન વગેરે વ્યવસ્થા કરી દઈશ. વળી જંગલની ઊપજ પર પણ તમને ભાગ મળશે. પણ આખું જંગલ નષ્ટ નહીં કરવા દઉં. જંગલમાંથી જે લોકો પસાર થાય તેમની પાસેથી તમારા સરદાર માત્ર એક કોડી વસૂલ કરી શકશે. એને `ભીલ કોડી' તરીકે ઓળખવામાં આવશે. સામે તમને એ જવાબદારી સોંપવામાં આવે છે કે એક પણ યાત્રીને કોઈ નુકસાન ના થવું જોઈએ. બહારના કોઈ વ્યક્તિ પણ એમને રંજાડતા હોય તો તમારે એમની રક્ષા કરવાની. જો અહીં લૂંટ-ફાટ થશે તો જે તે ક્ષેત્રના ભીલોના સરદારની જવાબદારી ગણાશે અને એને સજા થશે. એ પોતાની જવાબદારીમાંથી છટકી જશે તો એણે દંડ ભોગવવો પડશે. રાજ્ય તમારી સહાયતા કરશે, એ તમારો હક છે પણ સામે તમારે રાજ્ય તરફની ફરજો પણ નિભાવવી પડશે. કેવો અદ્ભુત નિર્ણય.'
`હા મારી ભાભીમા છે જ અદ્ભુત!'
`ના, હો, પહેલાં મારી માતા પછી બીજું બધું.'
આમ બંને ફોઈ - ભોજાઈ અંદરોઅંદર મીઠી રકઝકમાં ઊતર્યાં અને હસવા લાગ્યાં.
***
અહલ્યાબાઈ સત્તા પર આવ્યાં ત્યારે કેવળ એક સ્ત્રી હોવાના કારણે એક રાજ્યકર્તા બનવા માટે તેમને અનેક સંકટોનો સામનો કરવો પડ્યો. પોતાના કર્તૃત્વથી અહલ્યાબાઈએ સિદ્ધ કરી બતાવ્યું કે, સ્ત્રી પણ સક્ષમ, સફળ રાજ્યર્ક્તા બની શકે છે.
પેશવાના વિશ્વાસુ સરદાર હરિપંત ફડકે દ્વારા અહલ્યાબાઈએ પેશવાને એક પત્ર મોકલાવ્યો જેમાં પોતે પોતાના સસરા સ્વર્ગવાસી મલ્હારરાવના આદર્શને સામે રાખીને એમને અનુસરશે એવું આશ્વાસન પોતાના તરફથી આપ્યું હતું. ખૂબ થોડા સમયમાં અહલ્યાબાઈએ ઉત્તમ શાસનર્ક્તા તરીકે ખ્યાતિ મેળવવા માંડી. આક્રમણોમાં ક્યારેય પીછેહઠ થઈ નહિ. રાજ્યોનું ઉત્પાદન વધ્યું હોવાના કારણે કરની આવક પણ ભરપૂર મળતી. દશેરા, સંક્રાંતિ તેમજ મંગળકાર્યો વખતે મળતાં કપડાં તેમજ કુલ આવક, એક લાખ તેર હજાર આઠસો રૂપિયા પણ આ ખાનગી કોષમાં જમા થઈ ગયાં. અહલ્યાબાઈ સાથેની ખંડેરાવની બધી જ રાણીઓ સતી થઈ હોવાથી તેમનાં આભૂષણો પણ આ ખજાનામાં જમા થયા. ખાનગી મિલકતો પર તેઓ તુલસીપત્ર મૂકતાં. અહલ્યાબાઈના કાળમાં ખાનગી મિલકતમાંથી મહેસૂલી આવક ૧૫ લાખની થતી હતી, જેમાંથી ધાર્મિક કાર્યો પણ ચાલતાં.
અંગ્રેજો વિરુદ્ધ સર્વ મરાઠા તેમજ રાજપૂત સરદારોએ વ્યક્તિગત વેરભાવના ત્યજીને, એકસંપ થઈને લડવું જોઈએ તેમ તેઓ માનતાં. આના માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતાં. સંઘે ક્લૌ શક્તિ યુગે યુગે... - સંગઠિત શક્તિ જ આવા સંજોગોમાં સફળતા અપાવી શકે તે અહલ્યાબાઈ સારી રીતે જાણતાં હતાં. આથી સર્વ હિન્દુ રાજ્યર્ક્તાઓને સંગઠિત થવા પ્રેરણા આપવાનું કાર્ય અહલ્યાબાઈ કરતાં. અઢારમી સદીમાં દેશના હિત ખાતર એક રાજ્યર્ક્તા તરીકે અહલ્યાબાઈએ અન્ય રાજ્યર્ક્તાઓને સંગઠનના એક સૂત્રે બાંધવાના પ્રયત્નો કર્યા હતા.
***
(ક્રમશઃ)