અહલ્યાબાઈનું વ્યક્તિત્વ દિવસે ને દિવસે નિખરતું જતું હતું. તેમનું મુત્સદ્દીપણું ભલભલાને પાછા પાડી દેતું હતું. તેમનો એક જ મંત્ર હતો કે, કોઈનું કદી બૂરું કરવું નહીં. બને તેટલી સેવા કરવી. તેમનું જીવન માળવાની પ્રજાની સેવામાં વીતી રહ્યું હતું.
મહેલમાં તેઓ નણંદ ઉદાબાઈ અને હરકુંવરબા સાથે રહેતાં હતાં. તેમની દીકરી મુક્તાબાઈ પણ ખૂબ સુખી હતી. તુકોજી અને શિવ ગોપાળ જેવા સાથીઓ તેમનો પડ્યો બોલ ઝીલતા. તાત્યા પણ હવે ઠીક ઠીક સુધરી ગયા હતા. રાજ્યનો વહીવટ ખૂબ સારી રીતે ચાલી રહ્યો હતો. પણ આ જીવન અહલ્યાબાઈનું હતું, જેમાં ભગવાને માત્ર દુઃખો જ લખ્યાં હતાં. માંડ થોડો સમય સુખનો છાંયો પડે ત્યાં જ દુઃખનો મોટો ઓછાયો આવીને એમને ઘેરી લેતો હતો.
એક દિવસની વાત છે. રાતના સમયે અચાનક અહલ્યાબાઈ ઝબકીને જાગી ગયાં. એ પછી ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ જ ના આવી. કદી નહોતો આવ્યો એવો વિચાર તેમના મનમાં છવાયેલો રહ્યો. આખી રાત તેમની આંખો સમક્ષ ઇન્દોરનો મહેલ તરવરતો રહ્યો. પણ એ મહેલમાં અજવાળું નહોતું. એ ખંડેર જેવો ભાસી રહ્યો હતો. મહેલમાં એક પણ દીપ નહોતો પ્રગટી રહ્યો. અહલ્યાબાઈના હૃદયના ધબકારા તેજ થતા ગયા. વળી જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મહેલનું દૃશ્ય વધારે વિકરાળ બનતું ગયું. મહેલમાં કોઈ આત્માઓ ભટકતી હોય એવું દેખાયું. મહેલમાં પોતાના સસરા, પતિ, પુત્રની લાશો લટકતી દેખાઈ.
અહલ્યાબાઈ આખી રાત આ ભયંકર દૃશ્ય જોતાં રહ્યાં. સવારે ઊઠ્યાં ત્યારે પણ તેમની આંખોમાં આ જ દૃશ્યો ઉમટી રહ્યાં હતાં. તેઓ માંડ માંડ સ્વસ્થ થયાં. સવારની પૂજા-અર્ચના પૂર્ણ કરી તૈયાર થઈને તેઓ બેઠાં, છતાં પણ આ વિચાર અને દૃશ્યો તેમના મનમાંથી ખસતાં નહોતાં. તેઓ તેમના મન સાથે વાત કરવા લાગ્યાં. તેઓએ મનને પૂછ્યું, `આ ખંડેર બની ગયેલા મહેલ, લાશો અને ભૂતોનો અર્થ શું? શું આ દૃશ્યો બતાવીને કુદરત મને કંઈ કહેવા માંગે છે?'
તરત જ આંતરિક મન બોલ્યું, `હા, અહલ્યા. આટલું નથી સમજતી? ઈશ્વર તને આ બધું બતાવીને સચેત કરી રહ્યા છે કે, આ મહેલ છોડી દે. અહીં રહેવું શુભ નથી. તું જ જો, તારા સસરા, પતિ અને એકના એક પુત્રને આ મહેલ ભરખી ગયો. અહીં જ તું નિર્વંશ બની. છોડી દે આ મહેલ. રાજધાની બીજે લઈ જા.'
આ ઘટનાએ અહલ્યાબાઈને હચમચાવી દીધાં હતાં. તેઓ સાંજે હરકુંવર બા પાસે પહોંચ્યાં અને દુઃખી હૃદયે વાત કરી, `બા સાહેબ, હું બહુ દુઃખી છું. છેલ્લાં ઘણાં દિવસથી મને અજીબ વસ્તુઓ દેખાય છે.'
`શું દેખાય છે બેટા?' હરકુંવરબાએ પ્રેમથી પૂછ્યું.
અહલ્યાબાઈ રડતાં રડતાં જ બોલ્યાં, `બાસાહેબ, મને આ મહેલમાં આપણા પૂર્વજોની લાશો દેખાય છે. મારા મામંજી, પતિદેવ, દીકરો અને બીજા ઘણા બધા રાતોની રાતો અહીં લટકતા દેખાય છે. મહેલ મને ખંડેર ભાસે છે. આ મહેલ મને શાપિત લાગવા માંડ્યો છે. અહીં મારો આખો વંશ નાશ પામ્યો. હોળકરો પર અનેક આફતો આવી પડી. આ તો ભગવાન ગણેશ અને ભોળાનાથની કૃપા છે કે, હજુ સુધી આ મહેલ ટકી રહ્યો છે. નહીંતર ક્યારનોયે ખંડેર બની ગયો હોત.'
`બેટા, તેં કંઈ વિચાર કર્યો છે કે, હવે શું કરવું?'
`બા સાહેબ, કશો જ વિચાર નથી આવતો એટલે જ તો આપની પાસે સલાહ લેવા માટે આવી છું.'
`બેટા, મેં તો મારી જિંદગીમાં આવું બધું ખૂબ જોયું છે. આના બે જ રસ્તા છે. એક તો પંડતિજીને બોલાવીને વિધિ કરાવીએ અને બીજું કે આ મહેલ જ છોડી દઈને આપણે આપણી રાજધાની બીજે સ્થાપીએ!'
ઘણા લાંબા સમય સુધી બંને વચ્ચે આ બાબતે ચર્ચા થઈ. પછી અહલ્યાબાઈએ કહ્યું કે, `બા સાહેબ, મને લાગે છે કે આપણી રાજધાની બીજે સ્થાપીએ એ જ યોગ્ય રહેશે. આમ પણ હવે ઇન્દોરની ભૌગોલિક સ્થિતિ એવી થઈ ગઈ છે કે, એને ચારે તરફથી ઘેરી શકાય તેમ છે. પણ રાજધાની ખસેડવાનું કામ મોટું કહેવાય! એ માટે શું કરવું પડશે?'
`બેટા, પહેલાં તો આ બાબતે આપણે શાસ્ત્રીઓ અને પંડિતોને બોલાવીને આ બધી વાત કરવી પડશે. તેઓના માર્ગદર્શન મુજબ જ સારી જગાએ આપણે આપણી રાજધાની સ્થાપવી જોઈએ.'
આ ચર્ચા પછી શાસ્ત્રી અને પંડિતોને બોલાવવામાં આવ્યા. નિશ્ચિત દિવસે અને સમયે સભાનો પ્રારંભ થયો. સર્વ આમંત્રિત પંડિતો, શાસ્ત્રીઓ પધાર્યા હતા. અહલ્યાબાઈના શ્વેત આસન પાસે સરદાર બૂળે, શરીફભાઈ, જમાઈ યશવંતરાવ ફણસે, હરકુંવરબા, તુકોજી, શિવગોપાળ અને અન્ય મહાનુભાવો ખિન્ન હૃદયે બેઠા હતા.
સર્વ પંડિતો અને શાસ્ત્રીઓને પ્રણામ-વંદન કરીને માતોશ્રી અહલ્યાબાઈએ બોલવાનો પ્રારંભ કર્યો, `સર્વ પંડિતો, શાસ્ત્રીઓ અને ભૂદેવોનું ઇન્દોરની આ સભામાં સ્વાગત છે. સૌને હું નત મસ્તકે પ્રણામ કરું છું. આપ સૌ પ્રકાંડ પંડિત છો. હું સીધી મારી સમસ્યા જ આપને કહીશ જેથી આપનો વધારે સમય વ્યતિત ન થાય.'
`જી, બાઈસાહેબ જણાવો.' બધા એક સૂરમાં બોલ્યા.
`વાત એમ છે કે, છેલ્લા ઘણા સમયથી મને આ મહેલ શાપિત લાગે છે. મને સપનામાં આ મહેલનાં ખંડેરો અને અમારા પૂર્વજોની લાશો દેખાય છે.'
`હંઅ..... આ તો ગજબ કહેવાય. આપ શું કરવા ધારો છો એ માટે?'
`પંડિતજી, આપ સર્વેને વિદિત છે કે, મારા સ્વર્ગવાસી સૂબેદાર સસરાજી મલ્હારરાવજીએ પોતાની રાજધાની અહીં ઇન્દોરમાં બનાવી હતી. તેમની હયાતી સુધી અહીં ઘી-દૂધની નદીઓ વહેતી હતી અને માત્ર અને માત્ર વિજયનાં ગીતો ગવાતાં હતાં. આ મહેલ પર મૃત્યુનો ઓછાયો નહોતો પડ્યો. પણ તેમના ગયા પછી સતત મહેલનું વાતાવરણ ઉદાસ બની રહ્યું છે. એક પછી એક બધાં મરી રહ્યાં છે. આ જ મહેલમાં અમે નિર્વંશ બન્યાં. સૂબેદાર સાહેબ, સૌભાગ્યવતી ગૌતમાબાઈ સાહેબ, અમારા સ્વામી ખંડેરાવ અને પુત્ર માલેરાવ અકાળે મૃત્યુ પામ્યા. માલેરાવ સાથે સાથે અમારી બે પુત્રવધૂઓ પણ નામશેષ બની. મહેલમાં બીજું પણ જરા ઠીક હોય તેવું લાગતું નથી. હમણાં જ પેશવા દાદા સાહેબે અમારી સંપત્તિ લૂંટવા માટે કાવતરું કર્યું હતું. પરંતુ ઈશ્વરકૃપાથી અમે બચી ગયાં. હવે વિચાર આવે છે કે, ક્યાં સુધી બચીશું? આ રાજધાની, આ મહેલમાં હવે મને ગોઠતું નથી. માત્ર ભૂતાવળો દેખાય છે. મન કહે છે કે, આ મહેલ શાપિત છે. અહીં હવે કદી સારું નહીં થઈ શકે. અમને લાગે છે કે, આ સ્થાન હવે કદી અમને ફળશે નહીં. સૌનો સર્વનાશ થાય તે પહેલાં જ આ શાપિત સ્થળને ત્યાગવું જોઈએ, એવો અમારો વિચાર છે. પરંતું આ સ્થળ છોડીને બીજા કયા સ્થળે રાજધાની સ્થાપવી તે મુખ્ય પ્રશ્ન છે. આપ સર્વ વિદ્વાન પંડિતો છો. શાસ્ત્ર પારંગત છો. શાસ્ત્રો અનુસાર કોઈ યોગ્ય માર્ગ કાઢો અને અમને નવી રાજધાનીની સ્થાપના કરવા માટે કોઈ શુભ સ્થળ બતાવો.'
આટલું બોલીને અહલ્યાબાઈ શૂન્યમનસ્ક બેસી ગયાં. પંડિતો માટે પણ આ ઘટના ધાર્યા બહારની હતી. બધા અંદરોઅંદર વાત કરવા લાગ્યા અને પછી અંબાદાસ પુરાણીને કશુંક બોલવા માટે વિનંતી કરી.
અંબાદાસજીએ કહ્યું, `ઠીક છે તો પછી કોઈ વાંધો નથી. આપને લાગતું હોય કે આ મહેલ શાપિત છે અને આપે છોડવો જ છે તો તે તમારે છોડવો જ પડશે. કારણ કે મનમાં એક વાર જે વાત ઘૂસી જાય એનો કોઈ ઉપાય નથી હોતો. ઈશ્વરેચ્છા બળવાન છે. મારે આપને ફક્ત એટલું જ પૂછવું છે કે આપના મનમાં રાજધાની માટે કોઈ સ્થળનો વિચાર છે ખરો? આપે કોઈ સ્થાન વિચાર્યું હોય તો કહો જેથી શાસ્ત્રો પ્રમાણે તે સ્થાન કેવું છે તે જોઈએ અને સ્થાન સારૂં હોય તો સારું મુુર્ત પણ કાઢી આપીએ!'
અહલ્યાબાઈએ વિચાર પ્રગટ કરતાં કહ્યું, `અમને લાગે છે કે ઇન્દોરનો ત્યાગ કરીને નર્મદાના તીરે નેમાડ પ્રાંતના મર્દાના તીર્થક્ષેત્રમાં રાજધાની સ્થાપવી જોઈએ. ત્યાં અનેક મોટા શાસ્ત્રીઓ અને પંડિતો પણ રહે છે. આપ સર્વમાંથી પણ ત્રણ પંડિતો ત્યાંથી પધાર્યા છે. ત્યાં પાણી પણ ભરપૂર છે, આથી એ સ્થાન શ્રેષ્ઠ છે એવો મારો મત છે. આપ સર્વે પોતાનો અભિપ્રાય આપો.'
પંડિતો અને શાસ્ત્રીઓએ થોડી વાર સુધી પોત-પોતાની રીતે ટીપણું ખોલીને જોયા કર્યું. આંગળીના ટેરવે ગ્રહોની ગણતરીઓ માંડી. એ પછી અંદરોઅંદર ચર્ચા કરી. પછી દીક્ષિત શાસ્ત્રીએ સૌ વતી કહ્યું, `માતોશ્રી, આપે નર્મદાના તીરે નેમાડ પ્રાંતનું જે સ્થાન કહ્યુંં તેના વિશે અમે જોયું. માતોશ્રીની ઇચ્છા ત્યાં જ રાજધાની સ્થાપવાની હોય તો ગ્રહશાંતિ કરીને તેમ કરી શકાય. પરંતુ અમે સર્વેએ જે જોયું, ગણતરીઓ માંડી એ અનુસાર અમારા સર્વેનો મત એ છે કે, આ સ્થાન રાજધાની માટે યોગ્ય નથી. અત્યાર સુધી કોઈ નાનો સરદાર પણ ત્યાં સ્થિર થઈને રહી શક્યો નથી. વળી ત્યાંના દરેક સરદારની પડતી જ થઈ છે. આથી આ સ્થાન લાભદાયક ના ગણી શકાય. રાજધાની ત્યાં લઈ જવાથી આપણા રાજ્યનો ઉત્કર્ષ થશે જ તેવું કહી ના શકાય.'
અહલ્યાબાઈ વિચારમાં પડી ગયાં પછી બોલ્યાં, `પંડિતજી, ત્યાં જ રાજધાની સ્થાપવી એવો અમારો કોઈ દુરાગ્રહ નથી. આ તો અમે અમારો વિચાર કહ્યો.'
`ઠીક છે. આપણે સૌ બીજા સ્થાનનો વિચાર કરીએ.'
બધા મૌન થઈ ગયા અને વિચારવા લાગ્યા. સમય વીત્યા પછી અહલ્યાબાઈએ મોર ભટ્ટ સામે જોતાં કહ્યું, `પંડિત મોર ભટ્ટજી, આપના તેજસ્વી ચહેરા પરથી લાગે છે કે, આપના ધ્યાનમાં કોઈ સ્થાન આવ્યું છે.'
પંડિત મોર ભટ્ટજીએ હસતાં હસતાં કહ્યું, `આપની વાત સાચી છે માતોશ્રી. મને એક સ્થાન ધ્યાનમાં આવ્યું છે. આપની ઈચ્છા રાજધાનીનું સ્થળાંતર કરવાની છે તો મર્દાનાના ઉપરવાસે આવેલ `મહેશ્વર' એ માટે યોગ્ય સ્થળ છે. મારા મત અનુસાર આપે નવી રાજધાની ત્યાં સ્થાપવી જોઈએ. મહેશ્વર એક મોટું તીર્થસ્થળ છે અને સાથે સાથે એક પુણ્યશાળી જગ્યા પણ છે.'
એક અન્ય પંડિતજીએ મોર ભટ્ટને ટેકો આપતાં કહ્યું, `મને પણ મહેશ્વર જ ઉત્તમ ઠેકાણું લાગે છે.'
પછી સર્વે પંડિતોએ મહેશ્વર અંગે શાસ્ત્રો અનુસાર જોવા માંડ્યુ. એક પ્રકાંડ પંડિતજીએ કહ્યું, `માળવામાં મહેશ્વર અને ઉજ્જૈન આ બે જ પ્રાચીન કાળથી વસેલાં મહાન અને પવિત્ર તીર્થસ્થળો છે. મહેશ્વરનું પ્રાચીન નામ મહિષ્મતી હતું. `હરિવંશ'માં લખેલું છે કે, રાજા મહિષ્મતીએ આ શહેર વસાવ્યું હતું અને તેનું નામ મહિષ્મતી પડ્યું.
કાશીના એક વિદ્વાન પંડિત બોલ્યા, `પુરાણપ્રસિદ્ધ રાજા સહસ્રાર્જુનની રાજધાની પણ આ જ સ્થળ પર હતી. આથી તેનું નામ સહસ્રબાહુ એવું પણ છે.'
અંબાદાસજી બોલ્યા, `મહાબળવાન લંકાધિપતિ રાવણ અહીં આવ્યો હતો અને પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે નર્મદાનો પ્રવાહ આ સ્થળે જ અટકાવી દીધો હતો, પરંતુ અચાનક નર્મદાની સહસ્રધારાઓ ફૂટી નીકળી અને વહેવા લાગી હતી. અહીંથી બે કોસ દૂર એ સહસ્ત્રધારાઓનું રમણીય સ્થાન પણ છે. રાજધાની માટે આ જ સ્થળ ઉત્તમ છે એ નિર્વિવાદ સત્ય છે.'
અન્ય મહાન પંડિતે કહ્યું, `મહાકવિ કાલિદાસે `રઘુવંશ'માં મહિષ્મતી અને નર્મદાનું વર્ણન કર્યું છે. આ સ્થાન જ યોગ્ય છે. આપણા રાજ્યનો ઉદ્ધાર થઈ જશે. ધન - ધાન્યથી આપણી રાજધાની ફળશે - ફુલશે. દુશ્મનો આપણી સામે જીતી નહીં શકે.'
આમ સર્વ પંડિતોએ મહિષ્મતી- મહેશ્વરને રાજધાની બનાવવાની સલાહ આપી.
આ સ્થાન વિશે સાંભળીને અહલ્યાબાઈ અને હરકુંવરમાસી તથા ઉદાબાઈ ખૂબ જ રાજી થયાં. તેમનાં દીકરી અને જમાઈને પણ આનંદ થયો.
અહલ્યાબાઈના એક મંત્રીએ ઊભા થઈને કહ્યું, `બીજી, આનંદની વાત એ પણ છે કે, મહેશ્વર અત્યારે આપણા જ તાબામાં છે. સ્વર્ગવાસી મલ્હારરાવજીએ મુગલો પાસેથી એને જીતી લીધેલું અને એનો વિકાસ કરવાની આજ્ઞા પણ કરી હતી. પરંતું તેમનું અવસાન થતાં તેમની એ ઇચ્છા અધૂરી જ રહી ગયેલી. આથી મહેશ્વરને જો રાજધાની બનાવવામાં આવશે તો સ્વર્ગવાસી સૂબેદારજીની ઇચ્છા પણ પરિપૂર્ણ થશે.'
આટલું બોલી અહલ્યાબાઈએ સૌને પંડિતો અને શાસ્ત્રીઓનો નતમસ્તકે આભાર માન્યો અને મુર્ત કાઢી દેવા વિનંતી કરી.
સૌએ કહ્યું `જી માતોશ્રી, અમે ખૂબ જલદી એ મુર્ત આપને કાઢી આપીશું.'
`આપ સર્વેનો આભાર.' આટલું બોલીને અહલ્યાબાઈ તેમના મંત્રીઓ અને અધિકારીઓ તરફ ફર્યા અને બોલ્યાં, `મુર્ત નીકળે તરત જ આપણે કામ શરૂ કરી દેવાનું છે. આમાં કોઈ પ્રકારની ઢીલાશ ના થાય તેનું ધ્યાન રાખજો. અને બીજી સૌથી અગત્યની વાત એ ધ્યાને રાખવાની છે કે, રાજધાનીનું સ્થાનાંતર કરતી વખતે કે બાંધકામ નિર્માણ કરતી વખતે કોઈની પણ જમીન કે ખેતર લેવાની બાબતમાં કોઈને પણ નુકસાન ન થાય તે જોજો. જે જે જમીનો, વાડીઓ, ખેતરોનો ઉપયોગ થાય તે માટે તેના માલિકોને યોગ્ય વળતર મળી રહેવું જોઈએ. પ્રજાને જરાય અગવડ ન પડે તેનું ધ્યાન રાખજો. ગરીબો માટે અન્નક્ષેત્રો પહેલાં જ ખોલી નાંખો. નવી રાજધાનીના નિર્માણની ખુશીમાં બ્રાહ્મણો અને મંદિરોમાં દાન-દક્ષિણા આપવાનો પ્રારંભ આવતીકાલથી જ કરી દો. નદીના ઘાટ બાંધવાની તૈયારી કરો. આપણે ઇન્દોર છોડીને મહેશ્વર જઈ રહ્યાં છીએ એ માટે પ્રજાના ચોમેરથી આશીર્વાદ મળતા રહે તેવા પ્રયત્નો કરો. અહીંની પ્રજા અને આપણા કેટલાક લોકો પણ દુઃખી થશે. તેમને સાંત્વના આપો. પ્રજાને કહો કે અમે સ્થાનથી દૂર જઈ રહ્યાં છીએ, તમારા હૃદયમાંથી નહીં. અહીંનો વિકાસ અને એક એક જણની જવાબદારી અમારી જ રહેશે. કોઈને કોઈ મુશ્કેલી નહીં પડવા દઈએ.'
`જેવી આજ્ઞા માતોશ્રી!' સૌએ નતમસ્તકે વંદન કર્યાં. માતોશ્રીએ નમસ્કારની મુદ્રામાં હાથ જોડ્યા.
***
(ક્રમશઃ)