અહલ્યાબાઈના મનમાં ઘણો ઉમંગ હતો કે તેઓ રાજધાની ઇન્દોરથી મહેશ્વર લઈ જઈ રહ્યાં છે. પરંતુ ઇન્દોરની પ્રજાના મનમાં ખૂબ જ હતાશા વ્યાપી ગઈ હતી. ઇન્દોરની પ્રજાનો સહારો જ અહલ્યાબાઈ હતાં. પ્રજાના અસંતોષ વિશેની વાત અહલ્યાબાઈએ સાંભળી ત્યારે તેમને પણ દુઃખ થયું. પણ મજબૂરી હતી. આ મહેલ તેમને શાપિત લાગી રહ્યો હતો. તેમને લાગતું હતું કે હવે ગમે તે થાય પણ અહીં રાજ્યની પ્રગતિ નહીં જ થાય. પોતાની સાથે પ્રજા પણ હેરાન થશે અને બધા જ એક દિવસ બરબાદ થઈ જશે. આથી કમને પણ તેઓ તેમના ઇરાદા પર મક્કમ રહ્યાં હતાં.
મહેશ્વરમાં નર્મદાના તટે અહલ્યાબાઈની નવી રાજધાનીનું નિર્માણ પૂરજોશમાં શરૂ થઈ ગયું હતું. નવાં મંદિરો, નવા ઘાટ, કિલ્લાઓ અને નગરની સુરક્ષા માટેનાં બીજાં કેટલાંયે બાંધકામો શરૂ થઈ ગયાં હતાં. આ નિર્માણમાં સૌથી અગત્યની વાત એ હતી કે અન્ય કોઈ રાજા કે રાણી હોય તો એ સૌથી ભવ્ય તેમનો મહેલ બનાવરાવે, પણ અહલ્યાબાઈ તો નિઃસ્પૃહી હતાં. તેમણે સૌથી સામાન્ય પોતાનો આવાસ બનાવ્યો હતો. જોઈને લાગે જ નહીં કે ત્યાં અહલ્યાબાઈ જેવાં મહાન સન્નારી વસશે. અહલ્યાબાઈની સૂચના પ્રમાણે જ બધું કામ થઈ રહ્યું હતું. મહેશ્વરના લોકોને દુઃખ થાય, તેમનું અહિત થાય કે તેમને અન્યાય થાય તેવું કંઈ જ થતું નહોતું.
મહેશ્વરની પ્રજાએ જ્યારે સાંભળ્યું કે માતોશ્રી અહલ્યાબાઈ ઇન્દોર છોડીને પોતાની રાજધાની મહેશ્વરમાં સ્થાપી રહ્યાં છે ત્યારે તેમના આનંદનો કોઈ પાર નહોતો રહ્યો, કારણ કે તેમણે અહલ્યાબાઈની પ્રમાણિકતા, પ્રજાપ્રેમ અને શૂરવીરતા જેવા અનેક ગુણો વિશે સાંભળ્યું હતું. એ સમયમાં આ એક નારી પહાડ બનીને ઊભરી હતી. મહેશ્વરની પ્રજા માટે તો જાણે દિવાળી આવી હોય એવો માહોલ રચાયો હતો.
આખરે મહેશ્વરની રાજધાની તૈયાર થઈ ગઈ. સર્વે પંડિતો અને શાસ્ત્રીઓએ શ્રેષ્ઠ મુર્ત જોઈને રાજધાનીનો પ્રારંભ કરવાનો દિવસ નક્કી કર્યો. એ દિવસે આખાયે મહેશ્વરને ભોજન અને દાન-દક્ષિણા આપવાનું નક્કી થયું. તો આ તરફ ઇન્દોરમાં પણ જતાં પહેલાં ભવ્ય પ્રજા સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આખાયે માળવાના તમામ લોકોને, આસપાસનાં ગામો અને નગરોના મહાનુભાવોને નોતરું આપવામાં આવ્યું. ભવ્ય મંડપમાં કાર્યક્રમ ગોઠવાયો, ભોજન અને દાન-દક્ષિણા થયાં.
અહલ્યાબાઈએ ઇન્દોરની પ્રજા સમક્ષ પોતાના હૃદયના ભાવ વ્યક્ત કર્યા, `મારા વ્હાલા પ્રજાજનો! હું જાણું છું કે અમે અહીંથી જઈ રહ્યાં છીએ તેનું આપને ખૂબ દુઃખ છે. સાચું કહું તો આ જ મારી સાચી જીત છે. કિલ્લાઓ જીતવા કે દુશ્મનો પર વિજય હાંસલ કરવો એ કરતાં પ્રજાનાં હૃદય જીતવાં બહુ મોટી વાત હોય છે. આપનાં હૃદય હું જીતી શકી એ મારા માટે ગૌરવની વાત છે. આપ મને રોકી રહ્યાં છો પણ સંજોગો જ એવા છે કે મારે જવું પડે તેમ છે, પરંતુ એક વાતની ખાતરી રાખજો. મા-બાપ ગમે ત્યાં બીજે રહેવા જાય પણ એના સંતાનો માટે હંમેશાં પ્રાર્થના કરતાં હોય છે. મદદ કરતાં જ હોય છે. માત્ર ભૌગોલિક સ્થાન બદલાયું છે. આપ સૌનું ભલું થાય તેવાં બધાં જ કાર્યો અહીં ચાલુ જ રહેશે. ઇન્દોરમાં એક વિશેષ અધિકારીની હું નિમણૂક કરું છું. આપને જે કોઈ સુવિધાઓ મળતી હતી તેમાંથી એક પણ ઘટશે નહીં. આપને રાજ્ય તરફથી જે કંઈ પણ સવલતો મળતી હતી, લાભ મળતા હતા એ બધા મળ્યા જ કરશે. વળી બીજું એ પણ છે કે એ અધિકારી આપનું ધ્યાન તો રાખશે જ સાથે સાથે આપનું રક્ષણ પણ કરશે. મનમાં ઓછું ના લાવશો. ઇન્દોર છોડવાનું દુઃખ મને પણ છે. પણ વિધાતાએ જે નિર્માણ કર્યું છે એ આ જ કર્યું છે અને ભગવાન જે કરે છે તે સૌના સારા માટે જ કરે છે. આપ સૌને મારા આશીર્વાદ અને વડીલોને પ્રણામ. જય મા અંબે... જય ગણેશ. અસ્તુ.'
અહલ્યાબાઈના શબ્દે શબ્દે ઇન્દોરની પ્રજાની આંખમાંથી આંસુનાં ટીપાં પડી રહ્યાં હતા. અહલ્યાબાઈ જ્યારે મહેશ્વર જવા રથમાં બેસીને રવાના થયાં ત્યારે તો આખુંયે ઇન્દોર ફૂલમાળાઓ લઈને તેમને વળાવવા આવ્યું. પ્રજાજનો તેમનો જય જયકાર કરતાં હતાં અને તેમના પર પુષ્પવર્ષા કરતાં હતા. પ્રજાના અનહદ રુદન અને અફાટ પ્રેમ સાથે તેમણે વિદાય લીધી.
જેવી ભવ્ય વિદાય ઇન્દોરમાં થઈ હતી એવું જ ભવ્ય સ્વાગત મહેશ્વરમાં પણ થયું. માતોશ્રી અહલ્યાબાઈએ મહેશ્વરની સરહદમાં પગ મૂક્યો એ સાથે જ `માતો શ્રી અહલ્યાબાઈની જય'ના નારાથી આકાશ ભેદાઈ ગયું. મહેશ્વરના પ્રજાજનો છેક રાજધાની સુધી તેમના રસ્તા સ્વચ્છ જળથી ધોતા રહ્યા. તેમના રસ્તામાં ફૂલો પાથરતા રહ્યા. પેશવાથી માંડીને આસપાસના અનેક રાજાઓ અને મહાનુભાવો ઉપસ્થિત હતા. અનેક વિદ્વાન પંડિતોની ઉપસ્થિતિમાં પૂજાવિધિ સંપન્ન થઈ. માતોશ્રી અહલ્યાબાઈ નવી રાજધાની મહેશ્વરના સિંહાસન પર બિરાજમાન થયાં.
***
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મહેશ્વરમાં અહલ્યાબાઈને ગોઠી ગયું. અહલ્યાબાઈની પ્રવૃત્તિઓ ધીમે ધીમે હવે ધાર્મિક કાર્યો તરફ વળી રહી હતી. મહેશ્વરમાં રાજધાની સ્થાપ્યા પછી તેમણે ઠેર ઠેર નવાં મંદિરો બંધાવવાનું અને જૂનાં અને ભગ્ન મંદિરોના જીર્ણોદ્ધારનું કાર્ય કર્યું.
અહલ્યાબાઈ જ્યારે મંદિરોના નિર્માણ માટે લાખો કરોડો રૂપિયા ખર્ચતા હતાં ત્યારે તેમના એક મંત્રીએ તેમને પૂછેલું,
`બાઈસાહેબ, આપ પરવાનગી આપો તો એક વાત પૂછવી છે!'
`જી પૂછો ને!'
`બાઈસાહેબ, આ મંદિરો પાછળ આપણે વ્યર્થ ખર્ચ કરતાં હોઈએ તેવું નથી લાગતું? આ બંધાવીને ફાયદો શો? આમ જોવા જાવ તો માત્ર પથ્થરોમાં જ પૈસા નાંખવાના છે ને!'
અહલ્યાબાઈ હસ્યા, `હા આપની વાત સાચી છે કે પથ્થરોમાં જ પૈસા નાંખવાના છે. પણ તમને ખબર નથી કે આ પથ્થરો આવતી કાલે બોલશે.'
`હેં... હું કંઈ સમજ્યો નહીં.'
`એના માટે દીર્ઘદૃષ્ટિ જોઈએ. પણ હું તમને સમજાવું. અત્યારે અનેક વિધર્મી દુશ્મનો આપણાં મંદિરોને તોડી રહ્યાં છે. ધીમી ધીમે સમય એવો આવશે કે આખા ભારતવર્ષમાં ક્યાંય કોઈ મંદિર નહીં બચે. આપણે મરી જઈશુ પછી આપણી આવનારી પેઢી શું કરશે? એને તો ખબર જ નહીં હોય ને કે સોમનાથમાં ભવ્ય મંદિર હતું અને નાસિકમાંય હતું. આ પૈસા પથ્થરોમાં ભલે ખર્ચાય પણ આવતીકાલે એ આપણી આવનારી પેઢી સમક્ષ બોલશે કે ભારતવર્ષ કેટલું મહાન હતું અને છે. હું માત્ર મંદિરો નથી બનાવડાવતી પણ ભારતીય સંસ્કૃતિને આવનારી પેઢી માટે જીવતી રાખવાનું કામ કરું છું.'
અહલ્યાબાઈની વાત સાંભળીને મંત્રી અહોભાવથી ઝૂકી ગયા. તેઓ બોલ્યા, `ધન્ય છો માતોશ્રી, આપ ધન્ય છો. આટલી લાંબી દૃષ્ટિ તો કોઈની ના હોય.'
`જય તો બાપ્પા ગણેશનો અને ભોળાનાથનો. ચાલો, હવે કામે લાગો. આપણે ગુજરાતના સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે આયોજન કરવાનું છે.'
એક લાંબી દૃષ્ટિથી અહલ્યાબાઈ એ વખતે મંદિરોના નિર્માણનું કાર્ય કરતાં હતાં. તેમના સમયગાળામાં આખા ભારતવર્ષમાં તેમણે અભૂતપૂર્વ કાર્ય કર્યું. તેમણે ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, તેલંગાણામાં શ્રી મલ્લિકાર્જુન, મયપ્રદેશમાં શ્રી ઓમકારેશ્વર, ઉત્તર પ્રદેશમાં શ્રી કાશી વિશ્વનાથ, અયોધ્યા, મથુરા અને હરિદ્વાર નાસિકમાં ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં શ્રી બદરીકેદારનાથ, ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર, દક્ષિણમાં શ્રી રામેશ્વર, કાંચી અને પૂર્વમાં જગન્નાથપુરી સહિત અનેક મંદિરોના નિર્માણ અથવા તો જીર્ણોદ્ધાર કર્યા અથવા અમુક જગ્યાએ વિશેષ ઘાટ, અન્ય ક્ષેત્રો, ધર્મશાળાઓ, કુંડ વગેરેનું નિર્માણ કરીને સનાતન ધર્મને અનોખું સન્માન આપ્યું.
કેટલાક અજ્ઞાની લોકો એ વખતે એમ કહેતા કે અહલ્યાબાઈએ રાજ્યની સંપત્તિનો ઉપયોગ માત્ર મંદિરો બાંધવા માટે જ કર્યો. બીજી કોઈ કાર્યવાહી ના કરી. પણ એ વાત ખોટી છે. અહલ્યાબાઈએ કદી સરકારી ખજાના કે મિલકતનો ઉપયોગ મંદિરો બાંધવા કે અંગત કારણોસર કર્યો જ નહોતો. તેમના પોતાના ભાગની જે ખાનગી મિલકતો હતી તેના દ્વારા જ તેઓ અંગત ખર્ચ અને આ બધું કામ કરતાં હતાં. એટલું જ નહીં, તેઓ પોતાના અંગત પૈસા ગરીબોને મદદ માટે પણ આપતાં હતાં.
અહલ્યાબાઈ ઈશ્વર પછી ગાય અને બ્રાહ્મણોને સ્થાન આપતાં. અહલ્યાબાઈનો નિત્ય ક્રમ રહેતો કે તેઓ હંમેશાં રોજ ઓછામાં ઓછા એક બ્રાહ્મણને જમાડીને પછી જ ભોજન કરતાં. એમને ત્યાં રોજ ત્રણસોથી વધારે માણસો જમતા. ઉત્સવો પર ગરીબોને દાન અપાતાં. એટલું જ નહીં ગરીબ લોકો બીમાર પડે તો તેમના માટે અહલ્યાબાઈએ મફત ઔષધાલયની શરૂઆત કરી હતી. તેમના રાજ્યની ગરીબ દીકરીનાં લગ્ન માટે રાજ્ય તરફથી મોટી મદદ કરવામાં આવતી હતી. રાજ્યની પ્રત્યેક વ્યક્તિને રોજગાર મળી રહે તે માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ રહેતાં.
અહલ્યાબાઈ ગુણીજનોનું સન્માન પણ ખૂબ કરતાં. વડીલોના આશીર્વાદને તેઓ ઈશ્વરના આશીર્વાદથી ઓછા ન આંકતાં. સર્વ જીવો માટે દયા એ જ એમનું એક માત્ર સૂત્ર રહેતું હતું. તેમના સમયની જે વ્યવસ્થાઓ હતી એ જોઈને લોકોના મુખમાંથી તેમના માટે વાહ નીકળી જતી અને કહેતા કે, `અહલ્યાબાઈ જેટલો પ્રજાપ્રેમ બીજું કોઈ ના દાખવી શકે.'
માત્ર પ્રજા માટે જ નહીં, તેઓએ અબોલ પશુ-પંખીઓ માટે પણ ખૂબ દયા દાખવી હતી. ઢોર-ઢાંખરને ચરવા માટે, તેમને પોષણ મળી રહે તે માટે તેમણે ઠેર ઠેર પડતર જમીનમાં ચારો ઉગાડવાનું કામ કરાવ્યું અને ત્યાં કોઈ પણ પશુ નિરાંતે ભરપેટ ચરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. એટલું જ નહીં, પશુઓ માટે ઠેર ઠેર તળાવો અને પાણીની બીજી વ્યવસ્થાઓ પણ કરી. પંખીઓને ચણવા માટે ચબૂતરાઓમાં નિયમિત દાણા-પાણી નંખાય છે કે નહીં તેનું પણ તેઓ સતત ધ્ધ્યાન રાખતાં. ઊભા પાક ખરીદીને અહલ્યાબાઈ તે ખેતરો પક્ષીઓને ચણવામાં ખુલ્લાં મૂકી દેતાં. માછલીઓ અને જળચર પ્રાણીઓ ભૂખ્યાં ન રહે તે માટે લોટની ગોળીઓ બનાવીને પાણીમાં નાંખવામાં આવતી. કીડીઓને પણ તેમના દર પાસે નિયમિત ખોરાક મળી રહે તે માટે ધ્યાન અપાતું.
અહલ્યાબાઈએ પોતાની ધર્મ-પરાયણતાને રાષ્ટ્રીય ઓપ આપ્યો હતો. ધાર્મિક હોવા છતાં તેઓ ધર્માંધ નહોતાં એ પણ એક ખૂબ જ મોટી વાત હતી. દરેક ધર્મના અનુયાયીઓ તેમના રાજ્યમાં સુખેથી રહી શકતા હતા. ધર્મના નામે જુલમ, જબરદસ્તી, અન્યાય કે અત્યાચાર તેમણે ક્યારેય નહોતાં કર્યા. એવું કરવાનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો. તેમના મનમાં ક્યારેય કોઈ ધર્મ પ્રત્યે કુવિચાર પ્રગટ નહોતો થયો. ધર્મને તેઓ વ્યક્તિગત બાબત માનતાં. પીર, દરગાહ, મસ્જિદોને મળતી મદદ તેમણે ચાલુ જ રાખી હતી. મુસલમાનોને પણ પૂરી સવલતો મળે તે માટે તેઓ સતત ધ્યાન રાખતાં. તેઓ કહેતાં કે, `આપણા માટે તો માનવધર્મ એ જ સૌથી મોટો ધર્મ. કોઈ વ્યક્તિ જો અન્યાય કરે કે બીજાની સંપત્તિ પર ખોટો હક કરે, એને લૂંટી લે તો એ એના પોતાના માનવધર્મનું અપમાન કરે છે. એમાં એના આધ્યાત્મિક ધર્મના અન્ય લોકો કોઈ રીતે જવાબદાર ના હોઈ શકે. પાડાના વાંકે પખાલીને ડામ દેવો એ મારું કામ નથી.'
***
એ અરસામાં મરાઠાશાહીમાં સદાશિવરાવ ભાઉએ પ્રથમવાર આધુનિક પદ્ધતિએ લશ્કરી કવાયતો યોજવાનો આરંભ કર્યો હતો. આ પ્રકારની કવાયતી શિબિરોનું મહાદજી શિંદેએ આયોજન કરી પોતાના સામર્થ્યની છાપ માત્ર ભારતીય શાસકો પર જ નહિ બલ્કે અંગ્રેજો પર પણ પાડી હતી અને પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું. તુકોજી હોળકરે પણ અહલ્યાબાઈના આગ્રહથી આ કલા પર હાથ અજમાવ્યો. અને એ પદ્ધતિથી કવાયત માટે શિબિરનું આયોજન કર્યું. અહલ્યાબાઈએ પોતાના સૈનિકોને તાલીમ આપવા માટે કર્નલ લોઈડ નામના અંગ્રેજની સેવા લીધી. કેટલાક લોકોને એવો પ્રશ્ન થયો કે, અહલ્યાબાઈએ પોતાના સૈન્યની તાલીમ માટે અંગ્રેજને શા માટે નીમ્યા હશે ? તો આમ કરવા પાછળ અહલ્યાબાઈની બેજોડ બુદ્ધિમત્તા કારણભૂત હતી. પશ્ચિમના માણસને નોકરી રાખવા પાછળનો હેતુ એ હતો કે, એ અંગ્રેજ જાગીર મેળવવાનો દાવો કરતો અટકે એટલે કે બીજા કોઈની જાગીર એક વિદેશીના હાથમાં જતી અટકે. પશ્ચિમનો આ અંગ્રેજ અહીં નોકરીમાં બંધાયેલો હોવાથી એ કોઈપણ રાજા કે સરદાર જે છેવટે પોતાના જાતભાઈઓ છે તેમની સાથે લડી ન શકે. નોકરીમાં હોવાથી તે પોતાના તાબામાં રહે. આમ કર્નલ લોઈડની સેવા લેવામાં પણ અહલ્યાબાઈના રાજકીય ચાતુર્ય અને દૂરંદેશીપણાની એક છાપ મરાઠાઓના ઇતિહાસમાં નોંધપાત્ર બને છે.
અહલ્યાબાઈએ પૂનામાં તુકોજીને સૈન્યના ખર્ચ માટેની વ્યવસ્થ્યા કરી આપી. દારૂગોળો તેમજ શસ્ત્ર સરંજામનો ખર્ચ સીધી રીતે લોઈડના હાથમાં આવ્યો નહીં, પૈસા સીધા લોઈડના હાથમાં જાય તો તે ગમે તેટલો દારૂગોળો કે શસ્ત્રો ખરીદી પોતાનું વર્ચસ્વ વધારી શકે અને બંદૂકો કે તોપના જોરે પોતાનું બળ બતાવી અન્યને ડરાવી, જબરજસ્તીથી પોતાનું ધાર્યું કરી શકે. આ બધાં ભયસ્થાનને ધ્યાનમાં રાખીને જ અહલ્યાબાઈએ કર્નલ લોઈડને સંપૂર્ણપણે સરકાર પર આધારિત રાખ્યો હતો.
સૈનિકોના પગાર નિશ્ચિત હોવાથી તેમાં પણ વિવાદનો પ્રશ્ન નહોતો. સૈનિકો બેદરકાર ન બને માટે હાજરી લેવાતી અને કડક પગલાંના રૂપે ગેરહાજરીનો પગાર કપાતો. તોપખાનાના કાર્યમાં ૨૨૨માંથી ૨૦ લોકો વિદેશી તેમજ બાકીના ૨૦૨ લોકો ભારતીય રાખવામાં આવતા. સૈન્યને પણ શાસનના તાબામાં રાખવામાં આવતું.
અહલ્યાબાઈએ મહાદજી શિંદેને પૂના જઈને અંગ્રેજો સામે સ્વરક્ષણ મેળવવા માટેની યોજના બનાવવાનો અનુરોધ કર્યો હતો. સને ૧૭૮૧માં મહાદજી શિંદે મહેશ્વર આવ્યા ત્યારે વસઈ અંગ્રેજોના તાબામાં ચાલ્યું ગયું એ બદલ તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. અહલ્યાબાઈ વસઈનું ભૌગોલિક મહત્ત્વ જાણતાં હતાં. મરાઠાઓ અંગ્રેજો સામે ટક્કર લેવા માટે એક થઈ શકતા ન હોવાથી અંતિમ નિર્ણય લઈને મહાદજી શિંદેએ દક્ષિણમાં જઈ અંગ્રેજો પર સીધું આક્રમણ કરવું એવી સૂચના તેમણે આપી હતી.
ભારતભરમાં અંગ્રેજોનું આગમન અને તેમનો વધતો જતો પગપેસારો ભારત રાષ્ટ્ર માટે કેટલો ઘાતક હતો તે અહલ્યાબાઈ તેમનામાં રહેલા દૂરંદેશીપણાને કારણે પૂર્ણપણે જાણતાં હતાં. આથી જ દોડાદોડ કરીને પણ મહાદજી શિંદેની મદદ લઈને અથવા તો ગમે તેમ કરી અંગ્રેજોના ઘાતક પંજાથી ભારતને બચાવી લેવા માગતાં હતાં. અંગ્રેજોની પ્રત્યેક હિલચાલનો અહેવાલ તેઓ તેમના વિશ્વાસુ અધિકારીઓ પાસેથી સતત મેળવતાં રહેતાં. વેપાર કરવાની ઇચ્છાથી આવેલા અંગ્રેજો ભારતમાં સત્તા પ્રસ્થાપિત કર્યા વગર રહેવાના નથી એ વાતની ખબર અહલ્યાબાઈને અગાઉથી જ હતી. અંગ્રેજોને શિકસ્ત આપવી એ અહલ્યાબાઈનું ધ્યેય હતું જ. આ ધ્યેયને હાંસલ કરવા માટે તેઓ માત્ર બીજાને સલાહ-સૂચના આપી બેસી ન રહ્યાં. પોતાના સૈન્યનું આધુનિકરણ કરવામાં પણ અહલ્યાબાઈએ પાછી પાની કરી નહોતી. પૂર્ણપણે જાગૃત થઈને અહલ્યાબાઈએ મરાઠાઓની એકતા એ જ સમયની માંગ છે એમ સમજીને અથાક પ્રયત્નો શરૂ કરી દીધા હતા.
***
(ક્રમશઃ)