પ્રકરણ – ૨૩ । એ અગ્નિની જ્વાળાઓમાં લપેટાતા એમના દેહની યાદ આજે ય અમને દઝાડે છે

વિદ્વાનોની વાત અહલ્યાબાઇને ગળે ઊતરી. એ પછી શાસ્ત્રીઓએ તેમને વિનંતી કરી કે, `માતોશ્રી, આપને મહાદેવની આણ છે. આપ હવે અન્નજળના ત્યાગનો નિર્ણય ભૂલીને ભોજન-પાણીગ્રહણ કરી લો."

    ૧૧-જાન્યુઆરી-૨૦૨૫   
કુલ દૃશ્યો |

ahilyabai holkar jivankatha prakaran 23
 
 
અહલ્યાબાઇએ પરવાનગી આપી એ પછી બે દિવસ બાદ એકવીસ વિદ્વાન પંડિતો અને શાસ્ત્રીઓ મહેશ્વર આવી પહોંચ્યા. અહલ્યાબાઇ નિશ્ચિત સમયે તેમને મળવા માટે આવ્યા અને સૌને વંદન કરીને બેઠાં.
 
માતોશ્રીનો નિસ્તેજ ચહેરો, કૃશ શરીર, ઊંડી ઊતરી ગયેલી આંખો જોઇને સૌને તેમની મનઃસ્થિતિનો ખ્યાલ આવી ગયો. પંડિતોએ આશીર્વાદ આપીને થોડીવાર ઔપચારિક વાત કરી. એ પછી અહલ્યાબાઇની પુત્રી, જમાઇ અને પૌત્રના અવસાનનો શોક વ્યક્ત કર્યો.
 
સ્વજનોના અવસાનની વાત નીકળતાં જ અહલ્યાબાઇની આંખોમાંથી દડ દડ કરતાં આંસુઓની ધારા વહેવા માંડી. તેઓ ફિક્કું હસ્યાં અને બોલ્યાં, `આપ સર્વે મહાનુભાવો છો. પ્રકાંડ પંડિત અને શાસ્ત્રી છો. આપ મને આશ્વાસન આપો છો એ શબ્દો ખૂબ સારા લાગે છે, પણ મારા મનમાંથી ગુનાહિત લાગણી હું ઓછી જ નથી કરી શકતી. મારી પુત્રીના મૃત્યુ માટે, એના સતી થવા પાછળ હું જવાબદાર છું એવું મને સતત લાગ્યા કરે છે અને મારો જીવ ગભરાયા કરે છે.'
 
`માતોશ્રી, એવો કોઇ ભાર મન પર ના રાખશો. આપ તો મહેશ્વર અને ઇન્દોરનો ટેકો છો. હોળકરોનો મુખ્ય આધાર છો. આપ આમ ઢીલાં પડી જશો તો કેમ ચાલશે? શોક ત્યજી દો. સતી થવાની તો આપણે ત્યાં પરંપરા છે. આપ એના માટે જરાય દોષિત નથી. ગુનાહિત લાગણી દૂર કરી દો.' એક પંડિતે કહ્યું.
 
અહલ્યાબાઇ બોલ્યાં, `અમે બધા આઘાતો ઇશ્વરની ઇચ્છા છે એમ માનીને સહન કરી લીધા, પરંતુ મારું મન અંદરથી હવે પોકારી પોકારીને કહી રહ્યું છે કે, મારાથી કોઇ પાપ થઇ ગયું છે. અમે જાણ્યે-અજાણ્યે અનર્થ કરી બેઠાં છીએ. રાત-દિવસ આ વિચારથી મને શાંતિ મળતી નથી. મારા પુત્ર ચિરંજીવ માલેરાવના હાથે માંત્રિકનું મૃત્યુ થયેલું એના જ આત્માએ માલેરાવને પણ ભ્રમિત કર્યા હતા. એ પાપાચારની અગ્નિમાં શેકાઇ શેકાઇને મરી ગયા. છેલ્લે સુધી એમણે આચરેલા પાપને એ ભુલાવી નહોતા શક્યા. મારા પ્રાણ પણ આમ જ છૂટશે એવું મને લાગે છે. મારી દીકરીને અને યશવંતરાવની બીજી ત્રણ રાણીઓને મેં સતી થવા દીધીએ ભાર મારા હૃદય પરથી ઊતરતો નથી. આવી ભ્રમિત અવસ્થામાં મારે પ્રાણ છોડી દેવા જોઇએ એવું મને લાગે છે.'
 
અહલ્યાબાઇના શબ્દો સાંભળીને સર્વે પંડિતોને દુઃખ થયું. સિંહણ જેવી મહાનારી આજે માનસિક ભ્રમણાને કારણે સાવ દુર્બળ થઇ ગઇ હતી. સૌ વિચારમાં પડી ગયા. ભારમલદાદા પંડિત વામન શાસ્ત્રીની પાસે જ બેઠા હતા. તેમણે કહ્યું, `શાસ્ત્રીજી આપે સાંભળ્યુંને! બાઇસાહેબ કેવી વાત કરે છે. તેઓ માનસિક રીતે ભાંગી ગયાં છે. હવે આપ સૌ જ એમને આ માનસિક અવસ્થામાંથી બહાર કાઢી શકો તેમ છો. કંઇક કરવા વિનંતી.'
 
વામન શાસ્ત્રીએ માથું ધુણાવ્યું અને થોડીવાર વિચાર કરીને બોલ્યા, `માતોશ્રી, આપના હાથે અજાણ્યે પણ કોઇ પાપ આચરાય તેવું અમને કોઇને લાગતું નથી. આપનાં તો દર્શન માત્રથી પાપીઓના પાપનો નાશ થઇ જાય તેવાં અલૌકિક છો આપ. આપના મનમાંથી આ પાપ થયાની ખોટી ભાવના કાઢી નાંખો પછી બધાં સારાં વાનાં થશે. જન્મ અને મૃત્યુ આપણા હાથની વાત નથી. દેહ તો નશ્વર છે જ અને ઇશ્વરની ઇચ્છા સિવાય પાંદડું પણ હલતું નથી.'
 
અહલ્યાબાઇએ કહ્યું, `આદરણીય પંડિતજી, ક્ષમા કરજો, પણ આપ કહો છો તે સત્ય નથી. મારા હાથે પાંચ-પાંચ નિર્દોષ જીવોની હત્યા થઇ છે. એમાં એક મારી દીકરી મુક્તા પણ છે. આ મારી કોઇ કલ્પના કે ભ્રમણા નથી, હકીકત જ છે. જે અમને દિવસ-રાત કોરી ખાય છે. ચિરંજીવ માલેરાવ મૃત્યુ પામ્યા ત્યારે પણ તેમની બે પત્નીઓ સતી થઇ હતી. અમે એમને પણ ના રોકી શક્યા એ વાત પણ અત્યારે હૈયા પર દાતરડું ફેરવે છે. એટલું જ નહીં, મારા ભાણેજ નાથુબાની બાળવયની બે પુત્રવધૂઓ પણ સતી બની. આપ વિચાર તો કરો, એ નાની નાની, કુમળી કાયાઓને આગમાં શેકાતાં કેવી વેદના થઇ હશે! અને અમે આખા યે મલકનો તાજ માથે પહેરીને ફરનારાં, એમને બચાવી ના શક્યાં. અરેરે... કેવું મોટું પાપ કહેવાય આ તો.'
 
પંડિત વામન શાસ્ત્રી બોલ્યા, `માતોશ્રી, આપના મનમાં જે કોઇ અજંપો છે. પાપ કર્યાની લાગણી છે એના વિશે અમે આપને થોડું કહેવા માંગીએ છીએ. આપનું ચિત્ત એ સાંભળવા માટે તૈયાર છે?'
 
`હા, શાસ્ત્રીજી! અમે હવે થોડાં સ્વસ્થ છીએ. આપ સર્વે પારંગત વિદ્વાનોને મારી વિનંતી છે કે, આપ શાસ્ત્રોનો અભ્યાસ કરીને મને જણાવો કે શાસ્ત્રોમાં પતિના મૃત્યુ બાદ સતી થવું પડે તેવું લખ્યું છે ખરું? જો થવું જ પડતું હોય તો જે સ્ત્રી સતી ન બને તેને માટે શું પ્રાયશ્ચિત કરવાનું લખેલું છે? શાસ્ત્રમાં જે કંઇ શિક્ષા કહેલી હશે તે ભોગવવા માટે અમે તૈયાર છીએ. અમારા પતિના મૃત્યુ સમયે આપ સૌ હાજર જ હતા. કુંભેરીની લડાઇમાં થયેલા તેમના નિધન બાદ એમની અન્ય ૧૩ પત્નીઓ સતી થઇ ગઇ હતી. આ બધા નિર્દોષ જીવો ચિતામાં બળીને ભસ્મ થઇ ગયા. મારા સસરા સૂબેદાર મલ્હારરાવના કહેવાથી અમે નાછૂટકે સતીનાં વસ્ત્રો ત્યાગ્યાં અને સાસુ-સસરાના આધાર માટે એમની સેવામાં જ જીવતાં રહ્યાં. અમારું જીવન પણ આ જ જીવતા સળગવાની યાતના જેવું યાતનામય રહ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજનાં માતુશ્રી પણ સતી નહોતાં થયાં. એમનું દૃષ્ટાંત ધ્યાનમાં રાખીને અમે પણ જીવનને કર્તવ્યની વેદી પર ચડાવ્યું. પરંતુ મારા જ કુટુંબની પાંચ-પાંચ નિર્દોષ બાલિકાઓને મેં સતી થતાં અટકાવી નહીં. એ મારા મતે તો મોટું પાપ છે. આપ શાસ્ત્રો જોઇને આ બાબતમાં શું સજા છે એની સ્પષ્ટતા કરો. મારે સજા ભોગવવી છે. પ્રાયશ્ચિત્ત કરવું છે.' અહલ્યાબાઇ રડીને હળવાં થયાં હતાં, પણ સતીની આગ હજુ તેમના હૃદયમાં એમ જ સળગતી હતી.
 
અહલ્યાબાઇની વાતથી પંડિતોને એટલું આશ્વાસન તો રહ્યું કે, શાસ્ત્રો મુજબની જો સાચી વાત કરવામાં આવશે તો અહલ્યાબાઇના હૃદયમાં રહેલો પાપનો ભાર અવશ્ય હળવો થશે. સર્વે પંડિતો એકઠા થઇને ચર્ચા કરવા લાગ્યા. પછી થોડીવાર બાદ સર્વે પંડિતજનો વતી પંડિત વામન શાસ્ત્રીએ કહ્યું કે, `માતોશ્રી, આપનો પ્રશ્ન બિલકુલ યોગ્ય છે. અમે સૌ શાસ્ત્રો અને સતી વિશે જાણીએ છીએ. પણ અમારી ઇચ્છા છે કે નાનામાં નાની બાબતોનો પણ અભ્યાસ કરવામાં આવે. પછી જ આપને ઉત્તર આપવામાં આવે. અમારે આ માટે ચારેક દિવસનો સમય જોઇએ છીએ. અમે ચાર દિવસ બધાં જ શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું અને પછી આપને જવાબ આપીશું.'
 
અહલ્યાબાઇએ કહ્યું, `ભલે પંડિતજી. આપને જેટલો સમય જોઇએ એટલો લો અને અમારા અતિથીગૃહમાં રહો. આપ માટે સર્વે વ્યવસ્થા સારી રીતે થઇ જશે.'
 
`પણ બાઈસાહેબ, અમારી આપને એક વિનંતી છે!'
 
`શું?'
 
`આપ અન્નજળ લઇ લો હવેે. આપને જોઇને અમને ખૂબ જ દુઃખ થાય છે. ભોજન કરી લો.'
 
`ના, મારા હૃદયનો ભાર મારા ગળે કોળિયો કે પાણીનું ટીપું પણ નહીં ઊતરવા દે.'
 
`પણ શાસ્ત્રોમાં આને પાપ ના ગણ્યું હોય તો!'
 
`તો વિચારીશ!'
 
`વિચારીશ નહીં! તો અમને વચન આપો કે આપ અન્નજળ ગ્રહણ કરશો. અને અમારા હાથે કરશો.'
 
અહલ્યાબાઇએ તરત કંઇ ઉત્તર ના આપ્યો. એ પછી ઘણા બધા શાસ્ત્રીઓએ કહ્યું. આખરે તેમણે સૌનું માન રાખવા કહ્યું કે, `ભલે, શાસ્ત્રોનો જવાબ મારા ગળે ઊતરશે તો હું જરૂર અન્નજળ ગ્રહણ કરીશ.'
 
`જય હો...!' આમ કહીને સૌ શાસ્ત્રીઓ છૂટા પડ્યા.
 
***
 
ચાર દિવસ વીતી ગયા હતા. દૂર દૂરથી પધારેલા બધા જ શાસ્ત્રીઓ અને પંડિતોએ ભેગા થઇને શાસ્ત્રમાં સતી થવા અંગે જે કંઇ માર્ગદર્શન આપ્યું હતું તે વિશે પૂરતી તપાસ કરી લીધી હતી.
 
પાંચમા દિવસની સવારે દરબાર ભરાયો. શ્વેત વસ્ત્રોમાં સજ્જ અહલ્યાબાઇ હાથમાં અને ગળામાં માળા ધારણ કરીને સિંહાસન પર બેઠા હતાં. તેમની પડખે તેમનાં સાસુમા હરકુંવરબા અને નણંદ ઉદાબાઇ પણ બેઠાં હતાં. એ ઉપરાંત બધા જ મંત્રીઓ અને મહાનુભાવો તથા વિદ્વાન પંડિતો અને શાસ્ત્રીઓ બેઠાં હતા. નિયમ પ્રમાણે શાસ્ત્રીઓએ પવિત્ર શ્લોકથી સભાનો પ્રારંભ કર્યો. અહલ્યાબાઈએ આર્દ્ર સ્વરે કહ્યું, `સર્વે વિદ્વાન પંડિતો અને શાસ્ત્રીઓને મારા નત મસ્તકે વંદન. આપે કહ્યુંં હતું એ પ્રમાણે ચાર દિવસ આપને આપ્યા, હવે મને જણાવો કે શાસ્ત્રોમાં સતી થવા અંગે શું કહ્યુંં છે અને મારા હાથે જે પાપ થયું છે એનું પ્રાયશ્ચિત્ત મારે કેવી રીતે કરવું?'
 
અહલ્યાબાઇના પ્રશ્ન પર મહાન શાસ્ત્રી ઘોંડ દીક્ષિત ઊભા થયા અને બોલ્યા, `બાઇસાહેબ અમે ચાર દિવસ તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પતિના મૃત્યુ બાદ પત્નીએ સ્વેચ્છાએ સતી થવાનું કે તેની ઇચ્છા વિરુદ્ધ જબરદસ્તી સતી બનાવવાનું કે સતી થવાની કોઇ પણ પ્રકારની પ્રથા વિશે શાસ્ત્રોમાં ક્યાંય કોઇ જ ઉલ્લેખ નથી. અરે કુટુંબમાં જો પ્રથા ના હોય તો સ્ત્રીએ પતિના મૃત્યુ બાદ કેશ ઉતારવા જેવી બાબતનો પણ ક્યાંય ઉલ્લેખ નથી. આથી સતી થયેલી સ્ત્રીઓનો આત્મા સ્વર્ગમાં જાય, તેને ખૂબ જ પુણ્ય મળે અને જે સતી ના થાય તે નર્કમાં જાય કે પાપની અધિકારી બને તેવું વાસ્તવમાં કશું જ નથી.'
 
અહલ્યાબાઇએ પૂછ્યું, `શું આપ ખાતરીપૂર્વક આ કહી શકો છો?'
 
ઘોંડ દીક્ષિતે કહ્યું, `માતોશ્રી, મારો શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ છે અને મેં અન્ય વિદ્વાનો સાથે પણ ચર્ચા કરી છે. છતાં પણ આપ અન્ય કોઇ શાસ્ત્રીઓને કે વિદ્વાનોને પૂછવા માંગતાં હો તો પૂછી જુઓ. મારી વાત કોઇ ખોટી સાબિત કરી બતાવે તો હું સર્વસ્વ ત્યાગીને વનવાસ જવા માટે તૈયાર છું. આપણા પૂજ્ય અને આદરણીય ગ્રંથો રામાયણ અને મહાભારતમાં યુદ્ધમાં અનેક મૃત્યુઓ થયાં હતાં પણ તેમાં કોઇ સ્ત્રી સતી થયાનો ઉલ્લેખ નથી. શ્રીમદ્દ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ ક્યાંય પતિના મૃત્યુ બાદ પત્નીને આવું આચરણ કરવું તેમ કહ્યુંં નથી.'
 
અહલ્યાબાઇ પૂરતી ખાતરી કરી લેવા માંગતાં હતાં. તેમણે બીજો પ્રશ્ન કર્યો, `તો પછી અત્યાર સુધી આ વાત અમને કોઇએ કહી કેમ નહીં? જો અગાઉ આ વાતની જાણ કરી હોત તો આ નિર્દોષ હત્યાઓ અટકાવી શકાઇ હોત.'
 
`માતોશ્રી, ક્ષમા કરજો. પરંતુ સતી થવાની આપણે ત્યાં ઘણા વરસોથી એક રૂઢિ ચાલી આવે છે. એક પરંપરા જ બની ગઇ છે એમ સમજો. અને સામાજિક રૂઢિ કે પરંપરા વિરુદ્ધ કોઇ પણ બ્રાહ્મણ કંઇ બોલે તો તેમને સજા થઇ હોવાના પણ અનેક દાખલા છે. એટલે રૂઢિ અને પરંપરાની વિરુદ્ધમાં જવાની આજસુધી કોઇની હિંમત થઇ નહોતી.'
 
અહલ્યાબાઇનું હૃદય બળી રહ્યું હતું. તેમને પારાવાર દુઃખ થઇ રહ્યું હતું. તેમણે ભીના કંઠે અને જિજ્ઞાસાથી પૂછ્યું, `તો પછી આ રૂઢિ આપણા હિન્દુ સમાજમાં આવી કેવી રીતે?'
 
એક શાસ્ત્રીજીએ કહ્યું, `માતોશ્રી, એની પાછળ પણ વિવશતા કારણભૂત છે. યુદ્ધોમાં પરાજય પામેલા આપણા હિન્દુ રાજાઓના રાજ્યમાં મોગલો લૂંટફાટ કરતા હતા. તેઓ આપણા હિન્દુ રાજાઓને બંદી બનાવીને કે મારીને તેમની રાણીઓને ઉઠાવી જતા હતા. તેમના પર અમાનુષી અત્યારો કરતા, બળાત્કાર કરતા. છેલ્લાં સૈકામાં આ પ્રકારની ઘટનાઓ મોટા પ્રમાણમાં બનવા લાગી હતી. સ્ત્રીઓ માટે જીવવું હરામ થઇ ગયું હતું. એમાંય વિધર્મી જ્યારે આપણી સ્ત્રીઓને ઉપાડી જતા ત્યારે તો જે રીતે એ સ્ત્રીઓ સાથે અત્યાચાર અને બળાત્કાર થતા એ કરતાં મોત બહેતર હતું. વિધર્મીઓ તેમને જબરદસ્તી ઇસ્લામ પણ કબૂલ કરાવતા હતા. વિધર્મીઓના શયનખંડમાં વરસો સુધી રહેવાનું અને લાશ બનીને જીવવું પડતું. આથી હિન્દુ સ્ત્રીઓ માટે મોટી વિટંબણાઓ ઊભી થઇ ગઇ હતી. છેવટે આનો કોઇ ઉપાય ના રહેતાં આપણી હિન્દુ સ્ત્રીઓએ નક્કી કર્યુ કે, વટલાઇને, વિધર્મી પર-પુરુષોનો ભોગ બનીને જીવતે જીવ મરવા કરતાં એક જ વાર મરી જવું વધારે સારું. આથી હિન્દુ સમાજમાં સતી થવાની પ્રથાની શરૂઆત થઇ. પછી તો ધીમે ધીમે આ પરંપરા બની ગઇ. પતિને કોઇ વિધર્મીએ ભલે ના માર્યો હોય, સ્ત્રીને કોઇ ઉપાડી પણ ના ગયું હોય કે એના પર કોઇ અત્યાચાર પણ ના થતા હોય તો પણ સ્ત્રીઓ સતી થવા લાગી. પતિનું કુદરતી મૃત્યુ થાય તો પણ સ્ત્રીઓ સતી થવા માંડી. આ રીતે હિન્દુ સમાજમાં આ પરંપરા ઘર કરી ગઇ. આજે સ્થિતિ ખૂબ ખરાબ છે. આજે તો આપે કહ્યું તેવું થાય છે. કોઇ સતી ના થાય તો તેને પાપિણી કહેવામાં આવે છે. વળી એવી ગેર માન્યતા પણ પ્રવર્તે છે કે, સતી ન થનારને નર્ક પ્રાપ્ત થશે અને જે સતી થશે એને સ્વર્ગ પ્રાપ્ત થશે.'
 
શાસ્ત્રીજીની વાત સાંભળીને અહલ્યાબાઇના હૈયામાં ધ્રાસકો પડ્યો. એમનું હૃદય આગમાં ભડભડવા માંડ્યું હતું. અન્ય શાસ્ત્રીઓએ પણ આ બાબતે વધારે પ્રકાશ પાડ્યો અને સતીપ્રથાનો કોઇ ધાર્મિક આધાર ના હોવાની વાત કરી.
 
અહલ્યાબાઇએ પંડિત વિદ્વતજનોના મુખે જે કંઇ સાંભળ્યું હતું એ સાંભળીને તેમની આંખોમાંથી દડ દડ આંસુઓ વહેવા લાગ્યાં હતાં. તેમણે કહ્યું, `અરેરે... કેવી વિડંબના! જેને અમે ધર્મ સમજતા હતા એ ધર્મના નામે તૂત હતું. એનો અર્થ એમ થયો કે અમે અમારી પુત્રવધૂઓને સતી બનવા દીધી એનો કોઇ શાસ્ત્રોક્ત આધાર જ નથી. આ તો એક પ્રકારની હત્યા જ થઇ કહેવાય. મારી પુત્રીને પણ હું ના રોકી શકી. અરે મારા દોહિત્રની કુમળી પત્નીઓને પણ મેં સળગતી જોઇ. હે ઇશ્વર, મહાભયંકર પાપ થઇ ગયું છે મારાથી. હે પંડિતજનો.... મારા આ પાપનું પ્રાયશ્ચિત્ત કોઇ શાસ્ત્રોમાં હોય તો મને કહો. હું ગમે તે કરવા માટે તૈયાર છું.'
 
એક વિદ્વત પંડિત બોલ્યા, `માતોશ્રી, મારી સમજ તો એમ કહે છે કે જે પાપનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે જ નહીં એના પ્રાયશ્ચિત્તનો ઉલ્લેખ કેવી રીતે હોઇ શકે! મારો કહેવાનો અર્થ એટલો જ છે કે રિવાજ પ્રમાણે ચાલવાથી કોઇ અનર્થ થાય તો શું પ્રાયશ્ચિત્ત કરવું એનો પણ કોઇ શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી.'
 
`હા... હા... વાત સાચી છે.' અન્ય પંડિતોએ પણ કહ્યું.
 
`ના, પણ પાપ તો થયું જ છે ને!'
 
`આપ જો એમ જ સમજતાં હો તો એક વાત મનમાં બાંધી રાખો કે આપનાથી આ પાપ અજાણતાં થયું છે. આના ભાગીદાર આપ એકલાં નથી. સદીઓથી ચાલતી આવતી પરંપરાને આ કારણે થયું છે. અને બીજી વાત એ કે, આપે આપની સર્વ અંગત મિલકત મંદિરો અને ઘાટો બાંધવા માટે ખર્ચ કરી છે અને કરી રહ્યાં છો. આપ ગરીબોને દાન આપી રહ્યાં છો, તેમના માટે ઉપચારકેન્દ્રો ખોલી રહ્યાં છો, તેમના માટે રહેવા માટે છત્ર બાંધી રહ્યાં છો. આપ આપનાથી થાય તે બધી જ મદદ કરી રહ્યાં છો. આપનાથી અજાણતાં થયેલાં પાપ કરતાં પુણ્યોનું પલડું ભારે છે. આપે આ બધાં સત્કાર્યો કરીને પરોક્ષ રીતે આનું પ્રાયશ્ચિત્ત કરી જ લીધું છે એમ સમજો. આથી આપ હવે મનમાંથી બધા વહેમ અને ભાર કાઢી નાંખો. જે બની ગયું એ હવે બની જ ગયું છે. તમારે પ્રાયશ્ચિત્ત જ કરવું હોય તો બધો જ ભાર દૂર કરીને જીવનને લોકસેવામાં ફરીથી પરોવી દો. સતત ઇશ્વરનું સ્મરણ કરો, કારણ કે જે કંઇ થયું છે એ ઈશ્વરની ઇચ્છાથી જ થયું છે અને થાય છે.'
 
વિદ્વાનોની વાત અહલ્યાબાઇને ગળે ઊતરી. એ પછી શાસ્ત્રીઓએ તેમને વિનંતી કરી કે, `માતોશ્રી, આપને મહાદેવની આણ છે. આપ હવે અન્નજળના ત્યાગનો નિર્ણય ભૂલીને ભોજન-પાણીગ્રહણ કરી લો.'
 
આખરે સૌના આગ્રહથી અહલ્યાબાઇએ બારેક દિવસે જળનો ઘૂંટ અને અન્નનો ટુકડો મોંમાં નાંખ્યો. સૌની આંખો આંસુથી ભીંજાઇ ગઇ. અને ત્યારબાદ ધીમે ધીમે અહલ્યાબાઈ બધો જ શોક ભૂલીને રાજકાજ સંભાળવા લાગ્યા. પછી સમય વહેતો ગયો અને તેમનું જીવન જનતાનાં ભલાં કામો માટે જ પસાર થવા લાગ્યું.
 
***
 
(ક્રમશઃ)
 
આગળના પ્રકરણ : -
 
પ્રકરણ – ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!!
પ્રકરણ - ૯ । હોળકરોના કુળને આમ સ્મશાનવત્ બનાવીને ના જા, દીકરી! હું તારા પગે પડું છું
પ્રકરણ – ૧૦ । ત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દીથી દેદીપ્યમાન એવા મલ્હારરાવના જીવનનો અંત આવ્યો
પ્રકરણ – ૧૧ । .... અને માલેરાવના રાજ્યારોહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ
પ્રકરણ - ૧૩ । પુત્રને જીવનમાં પહેલીવાર લાગણી જન્મી એ જોઈને માતોશ્રી આનંદિત થઈ ગયાં
પ્રકરણ – ૧૭ । આપ જીતશો તો લોકો થૂ થૂ કરશે કે આપ સ્ત્રી સાથે લડ્યા અને હારશો તો
પ્રકરણ – ૧૯ । સતીની ચિતાની આગ કરતાં અહલ્યાબાઈ જીવનની જે આગમાં બળ્યાં છે એ વધારે દાહક છે
પ્રકરણ – ૨૧ । ...અને માતોશ્રીની રાજધાની ઇન્દોરથી મહેશ્વર ખસેડાઈ
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.