૧૭૮૨નું વર્ષ ચાલી રહ્યું હતું. અહલ્યાબાઈનું જીવન મહેશ્વરની પ્રજાની સેવામાં વીતી રહ્યું હતું. એ વખતે ચંદ્રાવત નામના એક રાજાએ મહેશ્વર પર હુમલો કર્યો હતો. દુશ્મની દાયકાઓ જૂની હતી. છેક મલ્હારરાવના જમાનાની. ચંદ્રાવતે મહેશ્વર પર હુમલો કર્યાના સમાચાર જાણ્યા કે તરત જ અહલ્યાબાઈ હોળકરની આંખો સમક્ષ એ દાયકાઓ જૂની દુશ્મનીનાં કારણો દૃશ્યો બનીને તરવરી ઊઠ્યાં હતાં. તેઓ ધીમે ધીમે ભૂતકાળમાં ખોવાઈ ગયાં.
***
ચન્દ્રાવત રાજા ચન્દ્ર વંશના હોવાથી તેમને આ નામ મળ્યું હતું. આશરે સાતસો વર્ષ પૂર્વે ઉદયપુરના રાજવી કુળમાં મુનશી નામના એક શૂરવીર રાજા થઈ ગયા. તેમનો ચન્દ્ર નામે એક પુત્ર હતો. એણે રામપુર અને ભાનપુરમાં પોતાનું રાજ્ય સ્થિર કર્યું ત્યારે ચન્દ્રાવત રાજપૂત શાસન સ્થિર થયું. નવમા દસકાથી ચૌદમા દસકા સુધી આ જિલ્લો પરમાર રાજપૂતોના તાબામાં હતો. પંદરમા દસકામાં માળવામાં સુલતાનના તાબામાં તેમજ ત્યારબાદ ઉદયપુરના તાબામાં આવ્યો. ઉદયપુર, જયપુર અને જોધપુર આ સંસ્થાનોના અંદરોઅંદર થયેલ કરાર અનુસાર સવાઈ જયસિંહ બાદ તેમના પુત્ર માધોસિંહને ગાદી મળે તેમ નક્કી થયું હતું. પરંતુ ગાદી મોટા પુત્ર ઈશ્વરસિંહે મેળવી. માધોસિંહને મલ્હારરાવે જયપુરની ગાદી મેળવી આપી. આથી માધોસિંહે ૧૭૪૯માં મલ્હારરાવને આ જિલ્લાનું એક પરગણું આપ્યું. આમાં ચન્દ્રાવત સાથે મતભેદ થયો. ચન્દ્રાવત, હોળકર અને માધોસિંહ આ ત્રણે આ પ્રશ્નમાં ગૂંચવાયા. મલ્હારરાવના શક્તિશાળી રાજ્યમાં તેમના પ્રભાવ હેઠળ ચન્દ્રાવત દબાઈને બેસી રહ્યો, પરંતુ તેના મનમાં ડર તો હતો જ. માલેરાવના મૃત્યુ બાદ સત્તા જ્યારે અહલ્યાબાઈના હાથમાં આવી ત્યારે તેણે બંડ પોકાર્યું અને અહલ્યાબાઈના પ્રદેશમાં રંજાડ શરૂ કરી. રામપુર અને ભાનપુર બંનેના ભેગા મળવાથી ઇન્દોરનો ગરોથ જિલ્લો બને છે. હોળકરોના રાજ્યની આ ઉત્તર સીમા હતી. આ પછી રાજપૂતોના રાજ્યનો પ્રારંભ થતો હતો. ચન્દ્રાવત રાજપૂત આ વિસ્તારને પોતાની માલિકીનો સમજી બેઠા હતા. માધોસિંહને જયપુરની ગાદી મળે ત્યારે માધોસિંહ આ જાગીરો જગતસિંહને પરત કરે એવું વચન પણ માધોસિંહે આપ્યું હતું. જયપુરની ગાદી માટે ઈશ્વરસિંહ અને માધોસિંહ વચ્ચે ગૃહક્લેશ ચાલતો હતો. માધોસિંહે હોળકરોની મદદ લીધી અને આ મદદ માટે ૬૪ લાખ રૂપિયા આપવાનું પણ નક્કી થયું હતું. માધોસિંહને હોળકરોની મદદથી રાજગાદી હાંસલ થઈ, પરંતુ તેણે વચન પ્રમાણે રૂપિયા ન આપ્યા અને ઉપરથી રામપુર તોડ્યું. આથી ચન્દ્રાવત નારાજ થયા, પરંતુ મલ્હારરાવ સામે એક હરફ ઉચ્ચારવાની હિંમત કરી નહીં. મલ્હારરાવે ચન્દ્રાવતને શાંત કરવા માટે ૨૧ ગામ જાગીરમાં આપ્યાં અને રામપુરમાં ગોવિંદકૃષ્ણને કર્તાહર્તા તરીકે નીમ્યા. આ જ ચન્દ્રાવત રાજપૂતે મલ્હારરાવના મૃત્યુ બાદ તકનો લાભ ઉઠાવ્યો અને બળવો કર્યો. બળવાના સમાચાર મળતાં જ તેમણે ગંગાધર યશવંતના પુત્ર અન્નાજીને ફોજ સાથે મોકલ્યા. લક્ષ્મણસિંહ ચન્દ્રાવતને અહલ્યાબાઈના સૈન્ય સામે ટકવાનું મુશ્કેલ બન્યું, આથી એણે શરણાગતિ સ્વીકારી. સ્વામીભક્તિ અને સારા વ્યવહારની શરત કરીને તેને બંદી તેમજ કોટાના રાજા પાસેથી જાગીર અપાવી, પરંતુ બંડખોર સ્વભાવનો ચન્દ્રાવત સંતોષ માનીને બેસે તેવો હતો નહીં. તેણે ફરીથી બંડ પોકાર્યું. રાવત ભીમસિંહને વિનંતી કરીને વિશ્વનાથ સાથે મૈત્રીકરાર કરીને આ પ્રશ્નનો અંત લાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ ચન્દ્રાવતનો નિવેડો જલદી આવ્યો નહીં. મહાદજી શિંદેએ પણ ચન્દ્રાવત સામે સામ - દામથી કામ લેવાના પ્રયત્નો કર્યા પણ કંઈ વળ્યું નહીં. ચંદ્રાવતે એની બદમાશી ચાલુ જ રાખી અને આજે ફરી એ હુમલો કરવા આવી ચડ્યો હતો.
***
અહલ્યાબાઈ ભૂતકાળમાંથી પાછાં આવ્યાં. તેમણે વિચાર્યું બસ હવે ચન્દ્રાવતને આખી જિંદગી યાદ રહી જાય તેવો સબક શીખવાડવો છે. આમ વિચારી ચન્દ્રાવતની બંડખોરી ડામવા અહલ્યાબાઈએ તાત્કાલિક એક મોટી ફોજ વ્યંકોજી બાબુરાવના નેતૃત્વ હેઠળ મોકલી આપી. ઉપરાંત તાનાજી ભાસ્કરની સાથે તોપો, દારૂગોળો રવાના કર્યાં. અહલ્યાબાઈનું લશ્કરી સામર્થ્ય ખૂબ અલ્પ છે તેવું ચન્દ્રાવત માનતો હતો, પરંતુ તેની માન્યતા ખોટી ઠરી. અહલ્યાબાઈ હવે એકદમ દૃઢ નિશ્ચય સાથે ચન્દ્રાવતને કાયમી પાઠ ભણાવવા માટે પ્રતિબદ્ધ થયાં હતાં. તેની બંડખોરીને ડામવા તેઓ પૂર્ણ શક્તિથી કામે લાગ્યાં. અન્ય પ્રાંતના પણ બધા રાજાઓએ આ માટે સૈન્યની મદદ આપવાની તૈયારી બતાવી. ઉત્તરમાં પલસુડા ગામ પાસે ચન્દ્રાવત સાથે જંગ આરંભ્યો અને અહલ્યાબાઈ ચન્દ્રાવતની બંડખોરી નિર્મૂળ કરવામાં સફળ નીવડ્યાં. અહલ્યાબાઈએ આબાજી પંત તેમજ રાઘો રણછોડના નેતૃત્વ હેઠળ સૈન્ય મોકલીને જંગમાં ચન્દ્રાવતને કારમો પરાજય આપ્યો. રામપુર વિસ્તાર હવે પૂર્ણપણે મુક્ત થયો. અહલ્યાબાઈની મહાનતા યુદ્ધમાં જીતવા કરતાં વધુ તો શત્રુને એના ગુના માફ કરી તેની જાગીરો પરત કરવામાં છે. ચંદ્રાવત પૂર્ણ તાબામાં હોવા છતાં સહાનુભૂતિ રાખી તેને છોડી દીધો અને એનું રાજ્ય પરત કર્યું. દુઃખના પ્રસંગોમાં પણ અહલ્યાબાઈ તેને મદદ કરતાં એમાં એમના હૃદયનું સૌંદર્ય દૃષ્ટિગોચર થાય છે. ચન્દ્રાવત અહલ્યાબાઈના શાસનકાળમાં પહેલો અને છેલ્લો બંડખોર નીવડયો. છેવટે તેની સાથે પણ સારા સબંધો કેળવાયા તેનું શ્રેય અહલ્યાબાઈના ઉદાર મનને જ મળે છે.
***
હવાની લહેરખીની જેમ સમય વીતી રહ્યો હતો. અહલ્યાબાઈ મહેશ્વરની અને માળવાની પ્રજાના સુખ માટે દિવસ રાત એક કરી રહ્યાં હતાં. ધર્મ કાર્ય માટે આખા દેશમાં ફરી રહ્યાં હતાં. ક્યાંક મંદિર તો ક્યાંક ઘાટ બંધાવી રહ્યાં હતાં. ક્યાંક ગરીબો માટે મકાન બંધાવી રહ્યાં હતાં, તો ક્યાંક કોઈને ખેતર આપી રહ્યાં હતાં. તેમણે આખા દેશમાં ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ધર્મની અને સેવાની ધજા લહેરાવી હતી. પણ આટલું બધું કરવા છતાં તેમના જીવનનો દુઃખનો ભાગ હજુ ઓછો નહોતો થયો. કાળ પણ જાણે અહલ્યાબાઈની સહિષ્ણુતાની પરીક્ષા જ કરવા બેઠો હતો. અહલ્યાબાઈના માથે હજુ એક તલવારનો ઘા મારવા માંગતો હતો.
પુત્ર માલેરાવના મૃત્યુને તેઓએ હજુ માંડ માંડ ભુલાવ્યું હતું. બીજી આફતોને ટળ્યે હજુ થોડોક જ સમય થયો હતો અને તેમના જીવનમાં બીજો એક આઘાત આવી પહોંચ્યો. તેમની પુત્રી મુક્તાબાઈનો એકનો એક પુત્ર નાથુબા અચાનક અવસાન પામ્યો. અહલ્યાબાઈનો પુત્ર ચાલ્યા ગયા બાદ આ એક પુત્ર તેમની આશા હતો. હવે આશાનું એ કિરણ પણ ઓલવાઈ ગયું હતું. દીકરાના જવાથી પુત્રી મુક્તાબાઈ અને જમાઈ યશવંતરાવ પાગલ જેવાં થઈ ગયાં હતાં. અહલ્યાબાઈ પણ સુધબુધ ખોઈ બેઠાં હતાં. એમાં પણ નાથુબાના નાની વયે એટલે કે બાળવયે જ લગ્ન થઈ ગયાં હતાં. આથી નાથુબાના મૃત્યુ બાદ તેમની બે કુમળી વયની પત્નીઓ પણ ચિતામાં શહીદ થઈ હતી. બે કુમળી વયની દીકરીઓ ભડભડતી ચિત્તામાં સળગી મરી એ જોઈને અહલ્યાબાઈનું હૃદય ચીરાઈ ગયું. તેઓ ધારીને પણ એને રોકી ના શક્યાં.
થોડો સમય પસાર થયો. ૧૮૯૦ની સાલ હતી. જ્યારથી નાથુબા ગયો હતો ત્યારથી તેના પિતા યશવંતરાયની તબિયત સાવ બગડી ગઈ હતી. અહલ્યાબાઈને જમાઈની ખૂબ ચિંતા થતી હતી, પણ કોઈ રીતે તેમની બીમારી અને આઘાત ઓછો જ નહોતો થયો. પુત્રી મુક્તાબાઈ અનેક વાર માતા આગળ રડી પડતી. માતા અહલ્યાબાઈ એને આશ્વાસન આપતાં કે, `તું ચિંતા ના કર! જમાઈરાજને કશું જ નહીં થાય.' પણ જે થવાનું હતું એ થઈને જ રહ્યું. યશવંતરાવ પુત્રના વિયોગના આઘાતમાં ચાલ્યા ગયા. મુક્તાબાઈ ભાંગી પડ્યાં અને અહલ્યાબાઈના માથે તો જાણે આભ તૂટી પડ્યું.
હવે જીવનમાં પોતાની કહી શકાય તેવી એક માત્ર પુત્રી જ બચી હતી. અહલ્યાબાઈ ધ્રૂજી ઊઠ્યાં હતાં. જમાઈની અંતિમ વિધિની તૈયારીઓ થઈ રહી હતી. અહલ્યાબાઈ ચોધાર આંસુઓ સારતાં બેઠાં હતાં. અચાનક તેમની પુત્રી મુક્તાબાઈ સતીના વેશમાં તેમની સામે આવીને ઊભી રહી. અહલ્યાબાઈની આંખો ફાટી ગઈ. તેમણે પૂછ્યું, `દીકરી આ શું છે?'
`પરંપરા મા! હું એમના વિના નહીં જીવી શકું. હું સતી થઈ રહી છું.'
`પણ તારા વિના હું નહીં જીવી શકું એનું શું? હું વિના ચિત્તા પર ચડે આખી જિંદગી બળ્યા કરીશ.'
`મા, મને માફ કરો. પણ મારે આ કરવું જ પડશે.'
`બેટા, જરૂરી નથી. જો મેં પણ દાદાજીના કહેવા પર સતી થવાનું ટાળ્યું હતું. અમારો વિચાર કર બેટા!'
`મા, તમારા જેવી સહનશક્તિ, દુઃખ - દર્દોને જીરવવાની તાકાત અને ધૈર્ય મારામાં નથી. મારાથી નહીં થાય એ!'
`બેટા, બધું થઈ જ પડશે. મહેરબાની કરીને સતી ના થઈશ.'
`મા, જીવતાં જીવ તમારી જેમ ચિતા પર સળગ્યા કરવું એ કરતાં એક વાર બળી મરવું વધારે સારું. અને હું એકલી સતી નથી થઈ રહી. મારા સ્વામીની બીજી ત્રણેય પત્નીઓ પણ સતી થઈ રહી છે. હવે તમે મને રોકો તો તમને મારા સમ છે.'
પુત્રીના આ શબ્દો સાંભળીને અહલ્યાબાઈના માથા પર કુહાડીના ઘા થયા. તેમની નજર સામે થોડા સમય પહેલાં જ સતી થયેલી નાથુબાની નાની નાની પત્નીઓ તરવરી ઊઠી. તે બંનેની ઉંમર તો માત્ર આઠ અને દસ વર્ષની હતી. અને સતી થવાની વાતથી જ એ ડરી ગઈ હતી. ડરથી તેમના ચહેરા જીવતા - જાગતા પ્રેત જેવા દેખાતા હતા. જ્યારે તેઓ ચિતામાં સતી થઈ ત્યારે તો તેમની ચીસથી આખું આસમાન ભેદાઈ અને છેદાઈ ગયું હતું. અને આજે તેમની પુત્રી મુક્તાબાઈની પણ એ જ હાલત થવાની હતી. સતી થવાની ભયાનક પીડા અને યાતના અહલ્યાબાઈને યાદ આવતાં હતાં અને એ ધ્રૂજી ઊઠતાં હતા.
અહલ્યાબાઈ ખૂબ રડ્યાં, પુત્રીને સમજાવી પણ એ ના માની તે ના જ માની. આખરે કમને તેઓ પણ સ્મશાનમાં પુત્રીની સાથે ગયાં. તેમની નજર સામે જ યશવંતરાવની ચિતા ખડકાઈ. સતી થનાર પોતાની પુત્રી મુક્તાબાઈ અને યશવંતરાવની બીજી પત્નીઓનાં ઓવારણાં લીધાં અને છાતી સરસી ચાંપી. આખરે ચિતા સળગી, એના પર મુક્તાબાઈને ચડવાનો સમય આવી ગયો. અહલ્યાબાઈ અષાઢમાં વરસી ગયેલી વાદળી જેમ નિસ્તેજ થઈ ગયાં. હવે આંસુ પણ નહોતાં નીકળી શકતાં. જેવી મુક્તાબાઈ અને બીજી સ્ત્રીઓ આગમાં હોમાઈ કે તરત જ તેઓ બેહોશ થઈને ભોંય પર ફસડાઈ પડ્યાં.
જમાઈની અંતિમ વિધિ પૂર્ણ થઈ. દીકરી પણ એમની સાથે સાથે રાખ થઈ ગઈ. એ જ દિવસથી અહલ્યાબાઈએ મૌન ધારણ કરી લીધું. એક કક્ષમાં પુરાઈ ગયાં હતાં. દાસીઓ ભોજન લઈને જતી પણ તેઓ માત્ર બે ઘૂંટડા દૂધ જ પીતાં. આમ ને આમ ત્રણ-ચાર દિવસ વીતી ગયા.
એક દિવસ હરકુંવરબાએ તુકોજીને બોલાવ્યા અને અહલ્યાબાઈ વિશે વાત કરી. તુકોજી પણ આ વિશે જાણતા હતા. બંને આખરે અહલ્યાબાઈને સમજાવવા પહોંચ્યા.
હરકુંવરબાઈએ કહ્યું, `દીકરી, હવે શોક પૂરો કર અને કક્ષની બહાર નીકળ.'
`આ શોક આજીવન છે મા!'
`કશું જ આજીવન નથી હોતું.'
`મારો એકનો એક પુત્ર અને પુત્રી ચાલ્યાં ગયાં. દોહિત્ર ચાલ્યો ગયો. પુત્ર જેવા જમાઈ પણ ચાલ્યા ગયા. પુત્રી પણ ના રહી. હવે મને કશામાં રસ નથી. મારે આમ જ મરી જવું છે.'
તુકોજી બોલ્યા, `માતોશ્રી, શું હું તમારો પુત્ર નથી?'
`એ તો છો જ!'
`શું મહેશ્વરની પ્રજા તમારાં સંતાનો નથી?'
`એની ના નથી, પણ હું જ હવે યોગ્ય માતા નહીં બની શકું.'
`એવું ના કહો. શોક ત્યજી દો માતોશ્રી!'
સૌ લોકોએ ખૂબ સમજાવ્યા પણ માતોશ્રી માન્યાં નહીં. તેઓએ પોતાની જાતને એક ઓરડામાં બંધ કરી દીધી.
અહલ્યાબાઈના જીવનનો સાયંકાળ હજુ શરૂ નહોતો થયો છતાં પણ તેઓએ તન, મન અને ધનથી સંપૂર્ણપણે બધું ત્યાગી દીધું હતું. અહલ્યાબાઈ પહેલેથી જ ધર્મ પ્રત્યે વળેલાં હતાં, પરંતુ હવે તેમની ક્ષણે ક્ષણ જાણે પ્રભુનાં ચરણોમાં જ સમાપ્ત થઈ રહી હતી. તેઓ ઠેર ઠેરથી શાસ્ત્રીઓ અને પંડિતોને બોલાવીને તેમની સાથે શાસ્ત્રાર્થ કરતાં હતાં. તેમાંય પુત્રી મુક્તાબાઈ, પૌત્ર નાથુબા અને જમાઈ યશવંતરાવના અવસાન પછી અવસાદે તેમને ઘેરી લીધાં હતાં.
પુત્રીના સતી થયાને આજે આઠ દિવસ થયા હતા. તેઓ ચિતામાં સળગતા મુક્તાબાઈના દેહને ભૂલી નહોતાં શકતાં. તેઓ આ આઘાતથી સાવ તૂટી ગયાં હતાં. પોતાની પુત્રી સતી થઈ ગઈ, આગમાં સળગીને રાખ થઈ ગઈ અને પોતે કશું જ ના કરી શક્યાં તે માટે તેમને ભારે વસવસો હતો. આઠ આઠ દિવસથી અન્નજળનો ત્યાગ કર્યો હતો. તેમનું શરીર એક જ અઠવાડિયામાં સાવ દુર્બળ થઈ ગયું હતું. હરકુંવરબા, ઉદાબાઈ, તુકોજી, શિવગોપાળ, ભારમલદાદા વગેરે તેમની સાથે ને સાથે જ હતાં. તેમને સમજાવતાં હતા કે, `જે થવાનું હતું એ થઈ ગયું. હવે શોક ના કરશો. આપણે ત્યાં કાંઈ પહેલી વાર કોઈ સતી નથી થયું. શોક ત્યજીને અન્નજળ ગ્રહણ કરો.' પણ અહલ્યાબાઈના મનનો ભાર કેમેય કરીને હળવો નહોતો થતો.
આથી ભારમલદાદા, શિવગોપાળ અને બીજાં બધાં એકઠાં થયાં અને વિચારવા લાગ્યાં કે, અહલ્યાબાઈને અન્નજળ અપાવવવા અને આ શોક ઓછો કરાવવા શું કરવું જોઈએ! બહુ જ ચર્ચા-વિચારણાને અંતે ભારમલદાદાએ કહ્યું, `મને એમ લાગે છે કે, બાઈસાહેબના મનમાં પોતાની પુત્રીના સતી થવા અંગે જે કોઈ ભાર છે એ ધર્મના રસ્તે જ દૂર કરી શકાશે!'
`મને કંઈ સમજાયું નહીં.' શિવગોપાળે કહ્યું.
`પોતાની પુત્રી સતી થઈ એ અંગે બાઈસાહેબ સતત પોતાની જાતને દોષ આપ્યા કરે છે. તેઓના મનમાં સતત એમ થયાં કરે છે કે, તેઓએ પોતાની પુત્રીને સતી થતાં રોકવી જોઈતી હતી અને તેઓ તે કામમાં નિષ્ફળ ગયાં છે. આપણે તેમને ખૂબ સમજાવ્યાં પણ તેઓ સમજ્યાં નથી. માટે મને લાગે છે કે, આપણે વિદ્વાન શાસ્ત્રીઓ અને પંડિતોને બોલાવીએ અને શાસ્ત્રાર્થ દ્વારા અહલ્યાબાઈના મનનું દુઃખ અને અજંપો દૂર કરવાનો પ્રયત્ન કરીએ.'
`ખૂબ જ સારો અને સાચો રસ્તો છે! આપણે એકવાર એમને જાણ કરીએ અને પછી પંડિતોને બોલાવીએ.'
`ઠીક છે!'
આ ચર્ચા બાદ બધાએ અહલ્યાબાઈને કહ્યું કે, `બાઈ સાહેબ, અમે ઇચ્છીએ છીએ કે થોડાક પંડિતોને બોલાવીને આપણે બેસીને વાતો કરીએ. એનાથી એક તો પુણ્ય મળશે અને બીજું કે આપના મનમાં જે કોઈ અજંપો હશે એ પણ દૂર થશે.'
પંડિતો અને વિદ્વાનોને મળવાનું તો અહલ્યાબાઈને ખૂબ ગમતું. તેમણે તરત જ પરવાનગી આપી દીધી.
***
(ક્રમશઃ)