પ્રકરણ – ૨૪ । અહલ્યાબાઈની રાજકીય દૃષ્ટિ તત્કાલીન અન્ય રાજવીઓ કરતાં ઘણી આગળ હતી

24 Mar 2025 15:08:18

ahilyabai holkar jivankatha prakaran 24
 
 
એક કુશળ રાજનીતિજ્ઞ તરીકે અહલ્યાબાઈ લશ્કરનું મહત્ત્વ જાણતાં હતાં. લશ્કરની અવગણના કરવી, લશ્કર ઓછું કરવું અથવા લશ્કરને નબળું પાડવું એટલે રાષ્ટ્રરૂપી શરીરમાંથી કરોડરજ્જુ ખસેડી લેવા જેવું જ કૃત્ય ગણાય એમ તેઓ ચોક્કસપણે માનતાં. લશ્કર ઓછું કરવાની પેશવાની નીતિ સામે પણ તેમનો વિરોધ રહેતો. ઓછામાં ઓછું વીસ-પચીસ હજારનું સૈન્ય તો હોવું જ જોઈએ એમ તેઓ માનતાં. કારણ કે ચારેબાજુથી હુમલાઓનો ભય રહેતો. આવા સમયે જો બળવાન લશ્કર ના હોય તો સામ્રાજ્યનું રક્ષણ કરવું અશક્ય બની જાય. અહલ્યાબાઈએ મોટા બાજીરાવ પેશવાને એકવાર પત્ર લખ્યો હતો કે, 'શ્રીમંત અપ્પા સાહેબ વસઈમાં કામે લાગ્યા ત્યારે તેમણે લશ્કરના સૈનિકોને શું કહ્યું હતું તે આપ જાણો છો? શ્રીમંત અપ્પા સાહેબ પેશવાએ પ્રોત્સાહન આપવા જાહેરાત કરી હતી કે કિલ્લો સર કરતાં જેનો પુત્ર મરે તેને ઘોડો આપીશું, જે સિપાહી યુદ્ધમાં માર્યો જાય તેમના વંશજોને સંભાળવાની જવાબદારી લઈશું, જે યુદ્ધ લડીને હેમખેમ આવે તેનું સન્માન કરીશું.' આ રીતે લોકોને તેમણે પ્રોત્સાહિત કર્યા અને લોકો પણ રાષ્ટ્રકાર્ય માટે લડવા તૈયાર થયા, નિષ્ઠાપૂર્વક લડીને જીત્યા અને શ્રીમંતે પણ તેમણે આપેલાં વચનો પાળી જાણ્યાં. લશ્કર બાબતની અહલ્યાબાઈની કાળજી રહેતી હોવા છતાંય મોટા માધવરાવ પેશવાએ તેમના મનનું ધાર્યું જ કર્યું. અન્ય પેશવાઓએ પણ કર્તવ્ય તરફની બેકાળજી દાખવી અને સમય સંજોગો અનુસાર સતર્ક રહેવાની પરવા ન કરતાં લશ્કર રાખ્યું નહિ. આથી મરાઠા સામ્રાજ્યને ઘણું સહન કરવું પડયું અને એનાં પરિણામો પણ ખૂબ માઠાં આવ્યાં.
 
સૈન્ય સ્વરાજ્યના સંરક્ષણ પૂરતું જ રાખવું એવું અહલ્યાબાઈ માનતાં. અહલ્યાબાઈની રાજકીય દૃષ્ટિ તત્કાલીન અન્ય રાજવીઓ કરતાં ઘણી આગળ હતી. એ સમયમાં શક્તિશાળી રાજ્યો નબળાં રાજ્યોને ખાઈ જતાં હતાં, એવા સમયમાં પણ તેમણે કદી અન્ય પ્રાંતોને પોતાના રાજ્યની સરહદમાં ભેળવી દેવાના પ્રયત્નો કે વિચાર સુદ્ધાં કર્યા નહોતા. અન્ય રાજવીઓ તો પોતાની સરહદના વિસ્તાર માટે પોતાના જ ભાઈભાંડુઓ પર આક્રમણ કરતા હતા. આવા સંજોગોમાં અહલ્યાબાઈએ સ્વીકારેલાં ધોરણો અનુકરણીય અને પ્રશંસનીય છે. અરસપરસના પ્રદેશમાંથી જે કાંઈ મળે તે ઝૂંટવીને પણ લઈ જવાની વૃત્તિ ધરાવતા સરદારો વચ્ચેના ઝઘડાઓ તેમણે શાંત કર્યા. અહલ્યાબાઈના પોતાના રાજ્યમાં કોઈપણ પ્રકારના ઉપદ્રવ થતા નહીં. આજુબાજુના રાજા-રજવાડાંઓમાંથી પણ અહલ્યાબાઈના વિસ્તારમાં આક્રમણ કરવાની કોઈ હિંમત કરતા નહિ. લશ્કરની ઉત્તમોત્તમ સજ્જતા એ જ સંરક્ષણનો શ્રેષ્ઠ માર્ગ છે એ વાત તેઓ ક્યારેય ભૂલ્યા નહોતા. સ્ત્રીઓનું લડાયક-દળ પ્રથમવાર તૈયાર કરવાનું શ્રેય પણ અહલ્યાબાઈને મળે છે.
 
સૈન્ય માટે જ્યારે ભરતી કરવાની હોય ત્યારે અહલ્યાબાઈ મહેશ્વરમાં સૈનિકોની ભરતી કરતાં અને ત્યારબાદ નિમણૂક પામેલા સૈનિકોને તુકોજી પાસે રવાના કરતા. દરેક જાગીરદારોને જરૂરી એવા વ્યવસ્થાપકો, શાસ્ત્રીય પંડિત, વૈદ્ય, જ્યોતિષી, માર્ગદર્શક, હિસાબી કારકૂનો, નાળાબંધી કરનારા, ચમાર, ધોબી, લુહાર, તંબુ બનાવવાવાળા તેમજ રસોઇયાઓ વગેરે પર અહલ્યાબાઈની નજર રહેતી અને આનાથી ધાક પણ રહેતી. અહલ્યાબાઈએ પ્રત્યેકની સેવા માટેનું વેતન નક્કી કરેલું રહેતું. નક્કી કરેલા વેતન કરતાં વધુ વેતન ચૂકવી ન શકાતું. વધુ પૈસા ચૂકવેલા બતાવ્યા હોય તો પણ તે પૈસા મળતા નહીં. આમ પગારોની ચુકવણીમાં પણ ભ્રષ્ટાચાર ન થાય તેની અહલ્યાબાઈ ચકાસણી રાખતાં. તુકોજીએ એકવાર સૈનિકોને કોઈ કારણસર દંડ કરવાની સૂચના અહલ્યાબાઈને આપી ત્યારે અહલ્યાબાઈએ સ્પષ્ટ નન્નો ભણ્યો. તુકોજીને પણ સૈનિકો માટે થોડું કુમળું હૃદય રાખી કામ કરાવવાનો આગ્રહ રાખ્યો. સૈન્ય પાસેથી જ સઘળાં કામ કઢાવવાનાં હોવાથી એમની નારાજગી સારાં પરિણામ ન આપે. સૈનિકોને ખુશ રખાય તો રાજ્યનાં સઘળાં કામો સારી રીતે કરવાનું શક્ય બને. આથી દંડ નહીં કરવો અને એમને ઠપકો આપી જવા દેવા કે જેથી ફરી તેઓ નિષ્ઠા અને પ્રામાણિકપણે કામ કરે, પરંતુ જો સૈનિક ફરીથી દોષિત ઠરે તો તેને અવશ્ય સજા કરવી. આમ અહલ્યાબાઈ પ્રસંગ પડયે સૈનિકોનો પક્ષ લેતાં અને જરૂર પડ્યે એમને સજા થાય એનો પણ આગ્રહ રાખતાં.
 
અઢારમી સદીમાં રાજકીય પરિસ્થિતિ બિલકુલ અલગ હતી. શાસકો અલગ અલગ હતા. એમનાં રાજ્ય અને વિસ્તારો અલગ હતા. આ રાજ્યોમાં અમલી એવા કાયદા અને વ્યવસ્થાની રીતો અલગ હતી, તેમ છતાં સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ ઐક્ય હતું. ભાષાઓ, પહેરવેશ, ખાણીપીણી, ભિન્ન હોવા છતાં પ્રત્યેક રાજ્યમાં સાંસ્કૃતિક તેમજ ધાર્મિક માન્યતાઓ એક જ હતી. રામ અને કૃષ્ણ લોકોના આદર્શ હતા. આરાધ્યદેવ જુદા જુદા હોવા છતાં હિન્દુઓમાં તાત્ત્વિક રીતે ભેદ નહોતો. રાજકીય પરિસ્થિતિની દૃષ્ટિએ એક સંક્રમણ કાળ હતો. છત્રપતિ શિવાજી મહારાજ અને ઉત્તરમાં રાણા પ્રતાપ જેવા વીર પુરુષોનાં સમર્પિત જીવન દૃષ્ટાંતરૂપ હતા. એ સમયની જરૂરિયાત પ્રમાણે તેમજ મહારાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ સમયના શાસકોએ પોતાના વિસ્તારોના રક્ષણ ખાતર સરહદે કિલ્લાઓ બનાવવાનું યોગ્ય સમજ્યું હતું. કિલ્લાઓના રક્ષણ માટે તેમજ યુદ્ધ સમયે આક્રમણ માટે ખૂબ જ ઉપયોગી બનતા. આ કિલ્લા પરના પહેરેગીરો દૂર દૂરના વિસ્તારનું અવલોકન કરીને દુશ્મનોના આગમન પર ધ્યાન રાખી શક્તા. રાજ્યના રક્ષણ તેમજ તેના વિસ્તારના હેતુથી હોળકર સામ્રાજ્યના મુખ્ય છ કિલ્લાઓ હતા. મહેશ્વર, ચાંદવડ, સેંધવા, ગાળણા, કુશલગઢ અને હિંગળાજગઢ. આ તમામ કિલ્લાઓ પર અહલ્યાબાઈના સૈનિકોની અને અહલ્યાબાઈની ખુદની ચાંપતી નજર રહેતી હતી. કોઈની હિંમત નહોતી કે એ કિલ્લાઓ પર ઊંચી આંખ ઉઠાવીને પણ જોઈ શકે.
 
***
 
અહલ્યાબાઈ એક ઉત્તમ તેમજ મુત્સદ્દી રાજકારણી હતાં. હોળકરોના રાજ્યની કુદરતી સીમાઓ બાંધેલી નહોતી અને વિસ્તાર પણ ઘણો મોટો હતો. તેમનાં પરગણાં મધ્યપ્રદેશથી માંડીને મળવા રાજસ્થાન સુધી વિસ્તરેલાં હતાં. કેટલાંક પરગણાં માળવામાં, કેટલાંક નૈમાડ વિસ્તારમાં તેમજ દક્ષિણમાં પઠાર વિસ્તારમાં હતાં. કુલ મળીને ૧૨૭ પરગણાં હોળકર સંસ્થાનનાં હતાં. ઉત્તરમાં કોટા તેમજ ઉદયપુરની સીમા લગોલગ હતી. દક્ષિણમાં ગ્વાલિયર, ઘાર, બડવાની, નિઝામ તેમજ પેશવાનાં રાજ્ય હતાં. પૂર્વમાં ગ્વાલિયર, દેવાસ, ધાર તેમજ ભોપાળમાં રાજ્યો હતાં. પશ્ચિમમાં વડવાની તેમજ ડુંગરપુર હતાં.
 
અહલ્યાબાઈની રાજકીય સિદ્ધિઓ પાછળ એમના જીવનનો એક ખૂબ શાણપણભર્યો સિદ્ધાંત હતો. અહલ્યાબાઈ પોતે રાજકાજ સંભાળતાં હોવાથી હંમેશાં દરેકનો અભિપ્રાય લેતાં, સાંભળતાં પણ પોતાનો અંતરાત્મા કહે તે મુજબ વર્તતાં. તુકોજીને લશ્કર સોંપ્યું એ સિવાય બીજા કોઈ ખાસ અધિકારીઓ નહોતા. તેઓ કહેતા કે, 'હું આજે સત્તા અને સામર્થ્યનાં બળથી જે કંઈ છું તેનો જવાબ મારે પરમેશ્વર સમક્ષ આપવો પડશે.' અહલ્યાબાઈએ રાજકારભારનું કેન્દ્રીયકરણ કર્યું હતું. તેમ છતાંય અહલ્યાબાઈ જરૂર પડ્યે પોતાના વિશ્વાસુ લોકોની સલાહ લેવાનું ચૂકતાં નહિ. એ જ એમની વિશેષતા હતી. એનાથી જ તેઓ લોકપ્રિય અને આદરને પાત્ર બની રહ્યાં હતાં.
 
***
 
અહલ્યાબાઈ પોતાની પ્રજા પ્રત્યે પોતાના પુત્ર સમાન પ્રેમ રાખતાં. પ્રજાના ખજાનાની રકમ પણ પ્રજાની મહેનતનું ફળ છે માટે એ પ્રજાની પાછળ જ વપરાવી જોઈએ તેવું તેઓ દૃઢતાપૂર્વક માનતાં. પ્રજાના હિતને નજર સમક્ષ રાખીને પ્રત્યેક કાર્યની યોજના કરવાનો તેમનો આગ્રહ રહેતો અને તે પ્રમાણે જ તેઓ યોજનાઓ બનાવતાં. પોતાના અંગત સુખની પરવા કર્યા વગર તન, મન, ધન તેમણે પ્રજાને જ સમર્પિત કર્યું હતું. વિશ્વના ઈતિહાસમાં કોઈપણ સમ્રાટ કે રાજ્યકર્તાઓએ અહલ્યાબાઈ જેટલો પ્રજાપ્રેમ નહીં મેળવ્યો હોય. પ્રજાના પૈસાથી પ્રજાની સમૃદ્ધિ વધવી જોઈએ, નહીં કે સરકારી ખજનુની. રાજાએ ખજાનામાં ભરી રાખેલો ધનવૈભવ કાં તો બીજા લૂંટી જતા હોય છે અથવા તો રાજાના વંશજો ઉડાવતા હોય છે. આવું ન બને તે માટે અહલ્યાબાઈએ મહેસૂલમાંથી મેળવેલ દ્રવ્ય પ્રજાહિતમાં જ ખર્યું હતું.
 
પ્રજાના પાલનપોષણ અને રક્ષણની જવાબદારી રાજ્યની છે તેવું અહલ્યાબાઈ માનતાં. પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થતાં. પુત્રને સુખી જોઈને માતાને જેટલો આનંદ થાય તેટલો જ ઉમંગ અહલ્યાબાઈને પ્રજાનો ઉત્કર્ષ જોઈને થતો. અધિકારીઓ પર પણ તેઓ ધ્યાન રાખતાં કે તેઓ ક્યારેય તેમને પ્રજા પર અત્યાચાર ન કરે. તેમના રાજ્યમાં શાહુકારો, વેપારીઓ, જમીનદારો તેમજ સાક્ષરો શ્રીમંત બની રહ્યા છે તે જોઈને તેઓ ખૂબ ખુશ થતાં. પાડોશી રાજ્યમાંથી લોકો તેમના રાજ્યમાં વસવાટ કરવા માટે આવવા ઉત્સુક રહેતા. નિઝામના રાજ્યમાંથી મુસ્લિમો તેમજ ટીપુના રાજ્યમાંથી બ્રાહ્મણો તેમના રાજ્યમાં આવીને વસ્યા હતા.
 
સિરોજ ગામમાં ખેમદાસ નામનો એક ધનાઢય શાહુકાર રહેતો હતો. તે સંતાનપ્રાપ્તિ વિના જ મૃત્યુ પામ્યો હતો. ત્યાંના અધિકારીઓએ ખેમદાસની પત્ની પાસેથી ત્રણ લાખ રૂપિયા માગ્યા હતા. જો પૈસા ન મળે તો મિલક્ત સરકારી દફતરે ચઢાવી દેવાની ધમકી આપી. તે પોતાના ભત્રીજાને લઈને મહેશ્વર આવી અને સઘળી હકીકત અહલ્યાબાઈને જણાવી. અહલ્યાબાઈએ શાંતિથી તેને સાંભળ્યા બાદ પુત્ર દત્તક લેવાની મંજૂરી આપી અને બાઈ સાથે આવી વર્તણૂક કરનાર અધિકારીને પદભ્રષ્ટ કર્યા. જેથી અન્ય અધિકારીઓ પણ તેના પરથી પાઠ શીખે. આ બાઈએ ખુશ થઈને અહલ્યાબાઈને ભેટ-નજરાણાં આપવા માંડયાં. અહલ્યાબાઈએ તેને સવિનય પાછાં આપ્યાં અને દત્તક લીધેલ પુત્રને ખોળામાં બેસાડી વસ્ત્રો તેમજ પાલખી આપી રવાના કર્યાં.
 
ઈન્દોરમાં ધનાઢ્ય શાહુકાર દેવીચંદ નિઃસંતાન મરણ પામતાં તુકોજીએ તેમની સંપત્તિ જપ્ત કરવાનો વિચાર કર્યો. દેવીચંદની પત્ની મહેશ્વર આવી અને સઘળી બીના અહલ્યાબાઈને કહી બતાવી. અહલ્યાબાઈએ તુકોજીને સંદેશ મોકલ્યો કે, 'તમારે ઈન્દોરથી દૂર જ રહેવું અને પ્રજાને ત્રાસ આપવાનો વિચાર સુધ્ધાં કરવો નહિ.” તુકોજી સાનમાં સમજી ગયા.
 
મધ્યપ્રદેશના ખરગોન ગામમાં તાપીદાસ અને બનારસીદાસ એમ બે ભાઈઓ રહેતા હતા. બંને ખૂબ ધનવાન હતા. આ લોકો પણ નિઃસંતાન મરણ પામ્યા. એમની લાખોની સંપત્તિ ઉપરાંત લોકો પાસે ઘણી લેણી રકમ નીકળતી હતી. તાપીદાસની પત્નીએ અહલ્યાબાઈના દરબારમાં આવીને કહ્યું કે, તેને ધનસંપત્તિનો મોહ નથી. આથી જ તેમના પતિ અને દિયરની સંપત્તિ અહલ્યાબાઈને સમર્પિત કરવાની ઇચ્છા દર્શાવી. અહલ્યાબાઈએ આ સંપત્તિનો અસ્વીકાર કરતાં કહ્યું કે, જો તેને સંપત્તિની જરૂર ન હોય તો તે તેનો દાનધર્મ તેમજ લોકોપયોગી કાર્યમાં ઉપયોગ કરે. આમ કરવાથી ધનનો સદુપયોગ થશે અને સન્માર્ગે વપરાયેલો પૈસો તેના પતિનું નામ પણ અમર કરશે.' તાપીદાસની પત્નીએ કુંદા નદીના કિનારા પર એક ઘાટ તેમજ ગણેશનું મંદિર બનાવ્યું. આમ અહલ્યાબાઈએ પ્રજાની સંપત્તિ મેળવવાની ક્યારેય ઇચ્છા ન રાખી. પ્રજાને ચોર લૂંટારાનો ઉપદ્રવ સહન કરવો ન પડે તે માટે પણ અહલ્યાબાઈ હંમેશાં સજાગ રહેતાં.
 
એક વખત સંગમનેરનો અનંત ફંદી નામનો કવિ અહલ્યાબાઈની કિર્તી સાંભળી તેમને મળવા મહેશ્વર જઈ રહ્યો હતો. રસ્તામાં ભીલોએ એને લૂંટ્યો. અનંત ફંદીના તો બૂરા હાલ થયા. તેણે વિનંતી કરી કે મને છોડી દો. મારે તો અહલ્યાબાઈના દરબારમાં જવાનું છે. ભીલોએ જેવું અહલ્યાબાઈનું નામ સાંભળ્યું કે તરત જ તેની બધી વસ્તુઓ પરત કરી અને તેની સાથે સંરક્ષક તરીકે એક માણસને પણ સાથે મોકલ્યો. અનંત કંદી અહલ્યાબાઈના પગમાં પડી ગયો અને જણાવ્યું કે, માત્ર આપના નામથી જ મારો જાન બચ્યો છે. હવે હું અહીં જ રહીને આપની સેવા કરીશ.'
 
અહલ્યાબાઈ બોલ્યા, શૃંગારરસની કવિતા લખવાનું બંધ કરી લોકો કર્તવ્યનિષ્ઠ બને અને પ્રેરણા લઈ પોતાનું જીવન સુધારે એવી કવિતાઓ લખો, વીરરસની કવિતાઓ લખો અને લોકોપયોગી બનો.
 
અનંત ફંદીએ આ ઘટના બાદ શૃંગારિક રચનાઓ રચવાનું બંધ કર્યું. આમ અનંત ફંદીના જીવનમાં એક ખૂબ મોટું પરિવર્તન અહલ્યાબાઈના કારણે આવ્યું. અહલ્યાબાઈને તે ભક્ત બની ગયો.
 
રૈયતને દાણાપાણી મળી રહે એમાં જ રાજ્યવહીવટનું સામર્થ્ય સિદ્ધ થાય. આદર્શ વહીવટી તંત્ર પ્રજાની સમૃદ્ધિથી સંતોષ માને અને પ્રજા પાસેથી નાહકના કર ન ઉઘરાવે તો જ રાજ્ય મજબૂત અને પ્રજાસુખી રહે. પ્રજાને ત્રાસ આપીને ખજાના ભરનાર રાજ્યર્તા પ્રજાના આશીર્વાદ ન મેળવી શકે એવા ઉમદા વિચારો અહલ્યાબાઈના હતા. માટે જ તેમણે પ્રજાનો પૈસો પ્રજાના રક્ષણ અને ભલા માટે જ વાપર્યો હતો. લોકોને સુખ-સમૃદ્ધિ અને સંરક્ષણ પૂરું પાડીને અહલ્યાબાઈએ મુગલ શાસન અને સ્વરાજ્યની ભેદરેખાઓ સ્પષ્ટ કરી આપી હતી. અને એ જમાનામાં તેમના આ જ પ્રેમાળ સ્વભાવને કારણે ચારેકોર તેમનો જય જયકાર થઈ રહ્યો હતો.
 
***
 
(ક્રમશઃ)
 
 
આગળના પ્રકરણ : -
 
પ્રકરણ – ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!!
પ્રકરણ - ૯ । હોળકરોના કુળને આમ સ્મશાનવત્ બનાવીને ના જા, દીકરી! હું તારા પગે પડું છું
પ્રકરણ – ૧૦ । ત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દીથી દેદીપ્યમાન એવા મલ્હારરાવના જીવનનો અંત આવ્યો
પ્રકરણ – ૧૧ । .... અને માલેરાવના રાજ્યારોહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ
પ્રકરણ - ૧૩ । પુત્રને જીવનમાં પહેલીવાર લાગણી જન્મી એ જોઈને માતોશ્રી આનંદિત થઈ ગયાં
પ્રકરણ – ૧૭ । આપ જીતશો તો લોકો થૂ થૂ કરશે કે આપ સ્ત્રી સાથે લડ્યા અને હારશો તો
પ્રકરણ – ૧૯ । સતીની ચિતાની આગ કરતાં અહલ્યાબાઈ જીવનની જે આગમાં બળ્યાં છે એ વધારે દાહક છે
પ્રકરણ – ૨૦ । બાસાહેબ, મને આ મહેલમાં આપણા પૂર્વજોની લાશો દેખાય છે
પ્રકરણ – ૨૧ । ...અને માતોશ્રીની રાજધાની ઇન્દોરથી મહેશ્વર ખસેડાઈ
પ્રકરણ – ૨૨ । ચન્દ્રાવત અહલ્યાબાઈના શાસનકાળમાં પહેલો અને છેલ્લો બંડખોર નીવડયો
પ્રકરણ –  ૨૩ । એ અગ્નિની જ્વાળાઓમાં લપેટાતા એમના દેહની યાદ આજે ય અમને દઝાડે છે 
Powered By Sangraha 9.0