પ્રકરણ - ૨૫ । જનહિતનાં કાર્યો કરવાં એ જ હવે અહલ્યાબાઈનું જીવનલક્ષ્ય હતું

24 Mar 2025 15:32:31

ahilyabai holkar jivankatha prakaran 25 
 
 
એકવાર એક શાસ્ત્રીએ અહલ્યાબાઈ સંબંધી એક સ્તુતિગ્રંથ લખ્યો અને અહલ્યાબાઈને સમર્પણ કરવા તેમની પાસે આવ્યા. અહલ્યાબાઈએ સ્તુતિગ્રંથ વાંચવા માંડ્યો. તેમાં લખ્યું હતું,
 
`નિજનિવાસ સે દૂર હી રખી
રાજમહલ કી સબ વિલાસિતા ।
અસામાન્ય યહ તુમ્હેં બનાતા
સ્વયં કો હિ સામાન્ય માનતા ।
શત શત વન્દન, દેવિ અહલ્યે !
હમ સબકી હો સહજ પ્રેરણા ॥'
 
અહલ્યાબાઈએ આ ગ્રંથની સ્તુતિ વાંચીને કોઈપણ પ્રકારની પ્રશંસા કર્યા વિના કે શાબાશી આપ્યા વિના જ તે શાસ્ત્રીને કહ્યું, `તમે મારા જેવી દીન, પામર સ્ત્રીની સ્તુતિ કરી છે તે વ્યર્થ છે. કારણ કે હું તો એક સામાન્ય અબળા અને પાપી જીવ છું. એના કરતાં આપે પરમેશ્વરની સ્તુતિ કરી હોત તો તમારા સમયનો સદુપયોગ પણ થયો હોત અને તમને પુણ્ય મળ્યું હોત.'
 
આ પ્રસંગથી અહલ્યાબાઈની નમ્રતાનો પરિચય થાય છે. આત્મશ્લાઘા કે આત્મસ્તુતિથી પર રહેનાર એવાં અસામાન્ય રાજ્યકર્તા તરીકેનો તેમનો પરિચય પણ આ પ્રસંગમાંથી મળે છે. અન્ય રાજા મહારાજાઓ પોતાના પર ખાસ કવિતાઓ અને પ્રશસ્તિઓ લખાવતા અને આવી પ્રશંસા કરનાર કવિઓને હીરા - ઝવેરાતથી નવાજતા. એથી ઊલટું અહલ્યાબાઈ પ્રત્યેક કર્મીને ઈનામ, દાન આપતાં, પરંતુ પોતાનાં વખાણ કરનારને તેમણે ફૂટી કોડી પણ આપી નહિ. આમ આત્મસ્તુતિથી પર રહેનારાં અહલ્યાબાઈનો આ ગુણ તેમના વિરલ વ્યક્તિત્વનો અણસાર આપે છે. અહલ્યાબાઈ અન્યના વ્યક્તિત્વમાં રહેલા ગુણોને ઓળખી કાઢતાં. કામ કરનારની અવશ્ય કદર કરતાં. મહાદજીને એક લાખ સુધીની રકમ જરૂર પડે ત્યારે આપવાની સૂચના પણ તેમણે અધિકારીઓને આપી હતી. અહલ્યાબાઈની વ્યક્તિને ઓળખવાની સૂઝ તેમને અધિકારીઓની ભરતીમાં ખૂબ ઉપયોગી બનતી. પ્રસંગાનુસાર કઠોર શિક્ષા તેમજ ઉત્તમ કાર્ય બદલ બક્ષિસ આપવાનો યોગ્ય નિર્ણય લેવામાં અહલ્યાબાઈની કદી ભૂલ થતી નહિ.
 
પૂના દરબારમાં મહેશ્વરના વકીલ રાખવામાં આવતા. આ વકીલે મહેશ્વર દરબારની માહિતીનો પત્ર નાના ફડણવીસને લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ખાનગી ખજાનામાંથી સ્ત્રીઓ માટેના હીરા માણેક જડિત વસ્ત્રને તેમણે તોડાવી તેમાંથી પાંડુરંગનો મુકુટ બનાવવા આપ્યો છે. આ વસ્ત્રની અંદાજી કિંમત ૫૦૦૦/- રૂપિયા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે અહલ્યાબાઈએ આવા કીમતી દાગીના દેવોને મુકુટ ચડાવવામાં વાપર્યા હતા. અફાટ સંપત્તિ અને સત્તાનાં સ્વામિની હોવા છતાં તેઓ ઉપભોગવૃત્તિથી હંમેશાં દૂર રહ્યાં. તેઓ જીવનમાં હંમેશાં `જલક્મલવત્', સંસારથી અલિપ્ત રહ્યાં હતાં. અલિપ્ત રહેવા છતાં સંસારને તિરસ્કૃત ન ગણતાં સમાજની શક્ય એટલી સેવા કરી હતી.
 
માતોશ્રી અહલ્યાબાઈનું જીવન ખૂબ જ ઊંચા વિચારોને સમર્પિત હતું.
 
'त्येन त्यक्तेन भुंजिथा' નો આદર્શ અહલ્યાબાઈએ તેમના જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યો હતો. તેમણે જગન્નાથપુરીમાં પણ દાગીના તેમજ પોશાક મોકલ્યા હતા. જગન્નાથપુરીમાં તેમની ઇચ્છા એક બગીચો અને ભિક્ષાગૃહ બનાવવાની હતી. આ માટે જમીનની જરૂર હતી. તેમણે ત્યાંના રાજા રામચન્દ્ર પંડયાને જમીન વેચાતી આપવા માટે વિનંતી કરી. જમીનની કિંમતના રૂપિયા ૧૮૦૦ પણ મોકલાવ્યા. રાજાએ જમીન ભેટમાં આપી અને પૈસા જગન્નાથપુરીને જ અર્પણ કરવાનું કહ્યું.
 
અહલ્યાબાઈએ ત્યાં મંદિર, ભિક્ષાગૃહ અને બગીચો બનાવીને જનતાને સમર્પિત કર્યા.
 
અહલ્યાબાઈએ પોતાની રાજકીય સત્તાની બહારના પ્રદેશોમાં પણ લોકકલ્યાણનાં કાર્યો કર્યાં. પોતાના જ ખજાનામાંથી ધન કાઢીને ધર્મ તેમજ લોકકલ્યાણનાં રાષ્ટ્રવ્યાપી કાર્યો કર્યાં. અહલ્યાબાઈનું ધર્મકાર્ય એટલે રાષ્ટ્રકાર્ય. રાજકીય પ્રદેશો અલગ હોવા છતાં સાંસ્કૃતિક દૃષ્ટિએ સમગ્ર ભારત એક જ છે તેવું ભારતની રાષ્ટ્રીય એકતા-અખંડિતતાનું સ્વરૂપ તેમણે સ્પષ્ટ કર્યું. રાષ્ટ્રને નવચેતના બક્ષતાં અનેક કાર્યો તેમણે આજીવન કર્યાં. તેમના આ ગુણોનું ગાન કરતાં એક કવિએ લખ્યું હતું કે,
 
રાજ્યસ્વામિની યદ્યપિ શ્રી તુમ
રાજ્યભોગ પરાઙમુખ ભી થી ।
સ્વયં ત્યેન ત્યક્તેન સુક્ત સે
અનુગણિત હો સ્થિપ્રજ્ઞ થી ।
અનાસક્ત ભી ફિર ભી
મન મેં જનજન સે આત્મીય ભાવના ।
શત - શત વન્દન, દેવિ અહલ્યે !
હમ સબ કી હો ત્યાગ-પ્રેરણા ॥
 
 
***
 
 
એકવાર અહલ્યાબાઈએ કુશળ સ્થપતિઓને નિમંત્રણ આપી દરબારમાં બોલાવેલા. મહેશ્વર રાજધાની બન્યા પછી નદી પરના ઘાટો, મંદિરો કે અન્ય સ્થાપત્યો ખૂબ જ ઉચ્ચ કક્ષાનાં તેમજ કલા-કારીગરીના નમૂના બની રહે તે માટે તેઓ ખૂબ કાળજી રાખતાં. અહલ્યાબાઈને કારીગરોના આગમનની જાણ થતાં જ તેમણે પૂછ્યું, `માધોસિંગ અને દેવીસિંગ આવ્યા છે કે?'
મુકુન્દરાવે હકારમાં ડોકું હલાવ્યું અને તેમને દરબારમાં પધારવા વિનંતી કરી. માધોસિંગ અને દેવીસિંગ એ સમયના ખૂબ જ કુશળ અને પ્રખ્યાત સ્થપતિઓ હતા.
 
અહલ્યાબાઈએ તેમને પૂછ્યું, `માધોસિંગ અને દેવીસિંગ આપણે અગાઉ મળેલા ત્યારે યવનોએ નાશ કરેલાં મંદિરો બાંધવાની, નવાં મંદિરો તેમજ નર્મદાના તીરે ઘાટ બાંધવાની, ધર્મશાળાઓ, વિસામા તેમજ અન્નક્ષેત્રો બાંધવાની વાત થઈ હતી. આપનાં કુટુંબીજનોની રહેવા, ભોજન વગેરેની યોગ્ય અને સંતોષકારક વ્યવસ્થા થઈ ગઈ હોય તો આપણે આપણા કામની બાબતમાં આગળ વાત કરીએ.
 
`માતોશ્રી, આપની તો અમારા પર કૃપા છે જ. અમને કોઈ વાતની ખોટ નથી. ભારમલદાદા પોતે એમાં ધ્યાન રાખે છે. હવે આપ આજ્ઞા કરો તે પ્રમાણે નદી પર ધાટ બાંધવાનું કામ અમે મહેશ્વરથી જ શરૂ કરી દઈએ.' માધોસિંગે કહ્યું.
 
અહલ્યાબાઈએ વિચારપૂર્વક કહ્યું, `આપણે સૌ નદી પર જઈએ. પ્રત્યક્ષ સ્થાન જોઈને શું મુશ્કેલીઓ છે અને શેની જરૂર છે તેનો વિચાર કરીએ.'
 
આમ વાત કરીને સૌ સાથે નદી પર જવા નીકળ્યાં. અહલ્યાબાઈએ કહ્યું, `ઘાટ પર કપડાં ધોતી વખતે કે સ્નાન કરતી વખતે લપસી જઈને કેટલાય લોકો મૃત્યુ પામે છે. પ્રત્યેક વર્ષે ઘણાં લોકો તણાઈ જતા હોય છે, કેટલાકને મગર હડપ કરી જતા હોય છે. આ બધું ન બને તેનું ધ્યાન રાખીને આપણે ઘાટ બનાવવાના છે. ચાલો, આપણે બધાં નદીનું નિરીક્ષણ કરીએ.
 
માધોસિંગ ઘાટની રચના, તેની લંબાઈ, ઊંચાઈ વગેરેની સવિસ્તૃત માહિતી અહલ્યાબાઈને આપતા જતા હતા. `નદીમાં ગમે તેટલું પાણી હોય તો પણ ઉપરના પગથિયા પર ઊભા રહી શકાશે. ઓછામાં ઓછાં પગથિયાં બાંધીને ઘાટ બનાવાશે, જેથી ખર્ચ પણ ઓછો થાય છે.
 
નદી પર ઊભેલી એક સ્ત્રીએ તરત જ કહ્યું, `માતોશ્રી, પુરુષો તો ઊંચા હોય માટે તેઓ મોટાં ડગલાં ભરી ઊંચાં પગથિયાં આરામથી ચડી જઈ શકે. પરંતુ આપણે સ્ત્રીઓને તો ઊંચાં પગથિયાં ચડતાં ખૂબ જ મુશ્કેલી પડે. વળી સ્ત્રીઓના હાથમાં બાળક હોય, માથા પર ઘડા હોય, જો ઠેસ વાગે તો બિચારી પડી જ જાય.'
 
અહલ્યાબાઈએ તે સ્ત્રી સાથે સહમત થતાં કહ્યું, `માધોસિંગ, ભલે પગથિયાં વધુ બનાવવાં પડે પણ સરળતાથી ચડી શકાય તેવાં જ પગથિયાં બનાવો, જેથી કોઈનેય કષ્ટ ન પડે. ખર્ચની ચિંતા ના કરો. પ્રજાની સગવડ માટે જ તો આપણે ઘાટ બાંધીએ છીએ. અને બીજી વાત, ચોમાસામાં આવતા પૂરનું પણ ધ્યાન રાખવું પડશે.
 
માધોસિંગે જણાવ્યું કે, `અનુભવી વૃદ્ધ માણસોનો સંપર્ક કરીને નદીની ઊંડાઈ તેમજ પૂરનાં પાણી વિશેની જ તપાસ એમણે કરી છે. માટે એ બાબતમાં નિશ્ચિંત રહેવું.'
 
આટલા આયોજન પછી સરદાર ધૂળેએ બોલાવેલી હોડીઓમાં બેસી સૌ નદીમાં આગળ વધ્યાં. કયા સ્થળે શું શું ફેરફાર થશે તે માધોસિંગ જણાવી રહ્યા હતા ત્યારે અહલ્યાબાઈએ પર્યાવરણની જાળવણી અંગે સૂચન કરતાં કહ્યું, `માધોસિંગ આ બધા કામમાં વૃક્ષોનો વિચ્છેદ ના થાય તે પણ જોજો.' માધોસિંગે કહ્યું કે, `વૃક્ષોને અમે હાનિ નહીં પહોંચાડીએ. એની આસપાસ પથ્થર મૂકીને તેને કાયમ રાખીશું જેથી નદીના વહેણ સાથે તે ધોવાઈ ન જાય.'
 
સઘળું આયોજન જાણ્યા પછી અહલ્યાબાઈને સંતોષ થયો. તેમણે માધોસિંગની કુશળતાની પ્રશંસા કરી અને પરત ફર્યાં.
 
***
 
અહલ્યાબાઈના યુગમાં ઝડપી સાધનો ખૂબ જ અલ્પ પ્રમાણમાં હતાં. ઝડપી કામકાજ માટે ઘોડા, ઊંટ તેમજ માણસોનો ઉપયોગ થતો. આ સમયમાં સ્વયં સંચાલિત સાધનો નહોતાં. અહલ્યાબાઈના સમયમાં રાજ્ય સંચાલિત તેમજ શાહુકારી (ખાનગી) એમ બે ભિન્ન પ્રકારની સંદેશાવહનની વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. શાંતિના સમયમાં રાજ્ય પણ ખાનગી સંદેશાવહનની વ્યવસ્થાનો ઉપયોગ કરતું. યુદ્ધના સમયે રાજ્યની ખાસ વ્યવસ્થા રહેતી. બે સંદેશાવાહકો રાખવામાં આવતા, જેથી કોઈ એક બીમાર પડે કે શત્રુનો ભય હોય તો બીજાની મદદ મળી રહે. અહલ્યાબાઈને તેમનાં પાડોશી રાજ્યો, પેશવા તેમજ તુકોજી સાથે અવારનવાર પત્રવ્યવહારની જરૂર પડતી, વિશેષ પ્રસંગ હોય તો ખાસ સંદેશાવાહકની વ્યવસ્થા કરવામાં આવતી. પત્રવ્યવહારને `જાસૂદ', `કાસીદ', `હરકારા' એવાં નામ તેમજ પદ આપવામાં આવતાં. પત્ર અન્ય વ્યક્તિ કે કોઈ શત્રુના હાથમાં ન આવી જાય તે માટે અમુક વ્યક્તિની સમક્ષ નિવેદન કરવામાં આવતું કે પત્ર જે તે વ્યક્તિના હાથમાં બરાબર પહોંચ્યો છે. પત્ર પહોંચવાનો સંદેશ પણ મોકલવામાં આવતો. આમ આજે પણ જેને `રજિસ્ટર્ડ પોસ્ટ' કહીએ છીએ તેની વ્યવસ્થા પણ અહલ્યાબાઈના કાળમાં હતી. પત્ર માટે વિદ્વાન માણસોનો ઉપયોગ કરવામાં આવતો. અહલ્યાબાઈ પૂર્વે પ્રાચીનકાળમાં પણ આ રીતે માણસો દ્વારા દૂરના અંતરો સુધી પત્રો મોકલવાની પ્રથા હતી. આથી આ કાર્યમાં નિપુણ હોય તેવા અનેક લોકો ઉપલબ્ધ હતા. અહલ્યાબાઈએ આ પરંપરાગત પત્રવ્યવસ્થામાં ઘણા નવા આયામો ઉમેર્યાં હતાં.
સને ૧૭૬૩-૬૪માં બાપુજી મહાદેવને પૂનાથી પત્ર મોકલવામાં આવ્યો હતો. જે પત્ર ૧૬ દિવસે પૂનાથી દિલ્હી પહોંચવો જોઈએ તેમ નક્કી થયેલું. પત્ર સમયસર જો સોળમા દિવસે પહોંચે તો તેનું ૫૦ રૂપિયા મહેનતાણું નક્કી થયેલું. જો સત્તરમા દિવસે પહોંચે તો ૪૦ રૂપિયા અને અઢારમા દિવસે પહોંચે તો ૩૦ રૂપિયા તેમજ ઓગણીસમા દિવસે પહોંચે તો કંઈ ન દેવું એ નક્કી થયેલું. પૂનાથી દિલ્હીનું ૭૦૦ માઈલનું અંતર હતું. ૧૬ દિવસમાં પત્ર લઈને પહોંચવું હોય તો ૪૫ માઈલનું અંતર એક દિવસમાં કાપવું પડે. વળી ટાઢ, તડકો, વરસાદ આમાંનું કંઈક તો હોય જ. પત્ર લઈ જનાર પણ એક મનુષ્ય અને એનું વાહન પણ એક જીવંત પ્રાણી.
 
કાસદના સાથે કરાર થયેલો હતો કે, દર પચ્ચીસ દિવસે તેણે કાશી જવું. પચ્ચીસ દિવસે જવાબ પાછો લઈને આવવું. આ કામના પચ્ચીસ રૂપિયા તેમજ રોજનું શેર અનાજ આપવામાં આવતું. ભરચોમાસામાં કલકત્તાથી દિલ્હી ૧૫ દિવસમાં પત્રો પહોંચતાં. સંદેશાવાહક એક સ્થાને પહોંચતો કે સામેના સંદેશાવાહકને તરત જ રવાના કરતો જેથી સામેના સ્થાને જવાબ ઝડપથી પહોંચે. પત્ર પાણીથી ન બગડે તેવી થેલીઓમાં બરાબર બાંધીને મોકલવામાં આવતા.
 
સને ૧૭૮૩માં અહલ્યાબાઈએ પદમશી નેન્સી નામની ખાનગી સંસ્થાને સંદેશાવાહક તરીકેનો કારભાર સોંપ્યો હતો. પત્રવાહકોને રાતે જંગલની વાટે જવાનું હોય અને જંગલી જાનવરોનો ભય હોય અથવા રાતે મુસાફરી કરવાની હોય તો મુશ્કેલીના સમય પૂરતા લોકો તેમને સાથ આપતા. મશાલ વગેરે ઉપયોગી સામગ્રી સાથે વિસ્તાર પૂરો થાય ત્યાં સુધી પહોંચાડી આવતા. નદી પર નાવ તરત મળી રહેતી. સરકાર તરફથી જ આ સંદેશાવાહકોને ઘોડા, કપડાં તેમજ ઘુઘરા બાંધેલી લાકડી મળતાં. ઘૂઘરા બાંધેલી લાકડી આપવાનો હેતુ એ હતો કે લોકોને પણ ખ્યાલ આવે કે પત્રવાહક જઈ રહ્યો છે તો તેને નિર્વિઘ્ને પસાર થવાનો માર્ગ મોકળો થાય અને તે ઝડપથી જઈ શકે. બીજો હેતુ એ પણ હતો કે સતત મુસાફરી કરનાર આ પત્રવાહકને આ ઘુઘરાના મધુર રણકારથી મનોરંજન થાય અને તેના થાક અને શ્રમમાં થોડીક રાહત અનુભવી શકે. કેવી અદ્ભુત વ્યવસ્થા! એ જમાનામાં જંગલો ખૂબ ગાઢ હતાં. જંગલી પશુ-પ્રાણીથી હર્યાંભર્યાં જંગલોમાંથી રાતે કે દિવસે પસાર થવાનું હોય અને જો કોઈ કાચોપોચો માણસ હોય તો ડરીને આ કામ કરવાની જ ના પાડી દે. આ પત્રવાહકો ખૂબ શૂરવીર તેમજ સમયસૂચકતા વાપરનારા હતા. આગળ જતા પત્રવાહકને પણ તેના આગમનની ખબર પડે તે માટે ઇશારા તેમજ ચોક્કસ પ્રકારના અવાજો કરવાની પણ પદ્ધતિ હતી. પત્ર જો રસ્તામાં ગમે તે કારણોસર અટકી પડે તો તે ગુનો બનતો. અહલ્યાબાઈની આવી ઉત્તમ પ્રકારની સંદેશવહન વ્યવસ્થા એક મોટું જમા પાસું હતી. પત્રવ્યવહારથી તેઓ બધા પર નિયંત્રણ પણ રાખી શકતાં. આમ અહલ્યાબાઈના સમયની સંદેશવહન વ્યવસ્થામાં પણ એમની ઉત્કૃષ્ટ વ્યવસ્થાપકના ગુણોનાં દર્શન થાય છે.
 
એ સમયમાં છપાઈ કલા કે મુદ્રણાલયો પ્રચલિત થયાં ન હોવાના કારણે મૂલ્યવાન ગ્રંથો હસ્તલિખિત હતા. આવા ગ્રંથો સામાન્યતઃ શાસ્ત્રી, પંડિત, પુરાણિક કે જોશીઓ પાસે રહેતા. કેટલાક ખમતીધર ગૃહસ્થો, સરદારો, જાગીરદારો કે રાજા-રજવાડાંઓમાં આવા ગ્રંથો મળતા. શાહુ મહારાજ સતારામાં સ્થિર થયા તે પછી ગ્રંથસંગ્રહનો ઉપયોગ શરૂ થયો. પેશવાએ પુસ્તકશાળા પણ શરૂ કરી હતી. સામાન્ય લોકો પાસે જરૂર પૂરતાં તૂટ્યાંફાટ્યાં પુસ્તકો રહેતાં. મોટે ભાગે તો કોઈની પાસે ગ્રંથો નહોતા. ગ્રંથ જોઈએ તો પણ તે ગ્રંથની હાથથી નકલ કરીને પરત કરવાની શરતે જ ગ્રંથ કોઈની પાસેથી મળી શકતો. નકલ કરતાં દિવસો નીકળી જતા. આવા સમયમાં અહલ્યાબાઈએ ગ્રંથની નકલ કરાવીને જે સંગ્રહ કર્યો તે ખરેખર બેજોડ હતો. અહલ્યાબાઈએ માત્ર પોતાના ગ્રંથોની નકલ કરાવી નહીં પરંતુ અન્ય લોકોને પણ ગ્રંથની નકલો દાનમાં આપી. આમ તેમણે જ્ઞાનવર્ધનનું કાર્ય કર્યું. એ ઉપરાંત નકલ કરનાર લહિયાઓના એક મોટા વર્ગને રોજી પૂરી પાડી.
 
અહલ્યાબાઈના રાજ્યમાં પંડિતોને આશ્રય મળતો. અહલ્યાબાઈ જુદાં જુદાં સ્થળોએથી વિવિધ વિષયના નિષ્ણાતોને બોલાવીને તેમને કામ સોંપીને તેમના યોગક્ષેમની વ્યવસ્થા કરતાં. વિવિધ પ્રાંતોમાંથી આવેલ વિદ્વાનો પાસેથી ત્યાંના જુદા જુદી રીતરિવાજો પણ તેમની પાસેથી જાણવા મળતા. આમ એકલા પડેલાં અહલ્યાબાઈએ એક એકથી ચડિયાતા અને ગૌરવ અપાવે તેવાં પ્રજાની સુખાકારીનાં કાર્યો કર્યા હતાં. જનહિતનાં કાર્યો અને તેના માટે ગમે તે કરી છૂટવું એ જ હવે તેઓનું જીવનલક્ષ્ય હતું.
 
***
 
(ક્રમશઃ)
 
 
આગળના પ્રકરણ : -
 
 
પ્રકરણ – ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!!
પ્રકરણ - ૯ । હોળકરોના કુળને આમ સ્મશાનવત્ બનાવીને ના જા, દીકરી! હું તારા પગે પડું છું
પ્રકરણ – ૧૦ । ત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દીથી દેદીપ્યમાન એવા મલ્હારરાવના જીવનનો અંત આવ્યો
પ્રકરણ – ૧૧ । .... અને માલેરાવના રાજ્યારોહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ
પ્રકરણ - ૧૩ । પુત્રને જીવનમાં પહેલીવાર લાગણી જન્મી એ જોઈને માતોશ્રી આનંદિત થઈ ગયાં
પ્રકરણ – ૧૭ । આપ જીતશો તો લોકો થૂ થૂ કરશે કે આપ સ્ત્રી સાથે લડ્યા અને હારશો તો
પ્રકરણ – ૧૯ । સતીની ચિતાની આગ કરતાં અહલ્યાબાઈ જીવનની જે આગમાં બળ્યાં છે એ વધારે દાહક છે
પ્રકરણ – ૨૦ । બાસાહેબ, મને આ મહેલમાં આપણા પૂર્વજોની લાશો દેખાય છે
પ્રકરણ – ૨૧ । ...અને માતોશ્રીની રાજધાની ઇન્દોરથી મહેશ્વર ખસેડાઈ
પ્રકરણ – ૨૨ । ચન્દ્રાવત અહલ્યાબાઈના શાસનકાળમાં પહેલો અને છેલ્લો બંડખોર નીવડયો
પ્રકરણ – ૨૩ । એ અગ્નિની જ્વાળાઓમાં લપેટાતા એમના દેહની યાદ આજે ય અમને દઝાડે છે  
પ્રકરણ –  ૨૪ । અહલ્યાબાઈની રાજકીય દૃષ્ટિ તત્કાલીન અન્ય રાજવીઓ કરતાં ઘણી આગળ હતી 
 
Powered By Sangraha 9.0