અહલ્યાબાઈ રોજ સૂર્યોદય પહેલાં બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી જતાં અને પગે ચાલીને નર્મદાજીમાં સ્નાન કરવા જતાં. પછી બે કલાક સુધી પૂજા-પાઠ અને ધ્યાન કરતાં. તે પછી બ્રાહ્મણોને તથા યાચકોને દાન આપતાં. તે પછી રાજકાજ સંભાળતાં અને મોડે સુધી કામ ઉકેલતાં. કામનો જલદી નિવેડો લાવવો એ તેમનો સિદ્ધાંત હતો. બપોરે સાદું ભોજન જમીને થોડો આરામ કરતાં. ઘણી વાર રાતના ૯.૦૦ વાગ્યા સુધી તેઓ કામમાં તત્પર રહેતાં અને પછી ભોજન કરીને નિદ્રાધીન થતાં.
અહલ્યાબાઈમાં ભારોભાર નમ્રતા હતી. ખાસ કરીને વડીલો આગળ તેઓ બહુ જ માનભર્યો અને નમ્રતાભર્યો વ્યવહાર આચરતાં. મહાદજી શિંદે તેમના પરિવારના વડીલ હતા, તેથી તેઓ અવારનવાર પોતાનું વડીલપણું સ્થાપિત કરવા આગ્રહ રાખતા.
એક વાર કોઈ બાબત ઉપર મતભેદ થતાં તેમણે ઉગ્ર થઈને અહલ્યાબાઈને કહ્યું કે, `તમે સ્ત્રી છો. સ્ત્રીની બુદ્ધિ ટૂંકી હોય. તેથી તમને અમુક બાબતની ખબર પડે નહીં. અમે જે કરીએ તે જ બરાબર કહેવાય.'
મહાદજીની વાત સાંભળીને અહલ્યાબાઈએ ઉગ્ર થઈને રોકડું પરખાવ્યું કે, `મને અબળા સ્ત્રી સમજતા નહીં અને હવે પછી કોઈ પણ સ્ત્રી માટે આવા અપશબ્દો વાપરશો નહીં, અન્યથા હું ભૂલી જઈશ કે તમે મારા વડીલ છો!'
મહાદજી શિંદે અહલ્યાબાઈની ઉગ્રતા અને મક્કમતા આગળ ઝાંખા પડી ગયા અને ક્ષમા માંગી.
એક સમય એવો આવ્યો હતો કે દક્ષિણમાં ટીપુ સુલતાને ભારે હાહાકાર મચાવ્યો હતો. ઘણાં હિંદુ રાજ્યો તેનાથી ત્રાસી ગયાં હતાં. અહલ્યાબાઈના સેનાપતિ તુકોજીએ ગુસ્સાથી તેને પાઠ ભણાવવા કમર કસી અને વગર વિચાર્યે દુશ્મનની સેનાનો તાગ લીધા વગર કોઈપણ આયોજન વિના હુમલો કરવાનું નક્કી કર્યુ ત્યારે અહલ્યાબાઈએ કહ્યું, `ટીપુથી સાવધાન રહેજો. તેના પ્રપંચમાં ફસાઈ ન જતા. રાજાએ પોતાનાથી બળવાન અને કંઈક ઊતરતી કક્ષાના શત્રુ રાજા સાથે વગર જોઈતો વિરોધ કરવો નહીં. બને તો તેનાથી બચીને દૂર રહેવાનો પ્રયત્ન કરવો. જે લોકો ગમે ત્યારે, ગમે તેની સામે શિંગડાં ભરાવે છે તેઓ મુત્સદ્દીગીરીમાં કાચા કહેવાય. એના બદલે છત્રપતિ શિવાજીની જેમ દુશ્મનનો બરાબર તાગ કાઢ્યા બાદ એના પર અચૂક વાર કરવો.'
અહલ્યાબાઈનો આ જવાબ સાંભળી તુકોજી તેમની મુત્સદ્દીગીરીથી પ્રભાવિત થઈ ગયા અને પોતાની યોજના માંડી વાળી.
તે જ સમયમાં ઉત્તર ભારતમાં પીંઢારાઓનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. પીંઢારા મૂળ તો કોઈ ને કોઈ રાજાના સૈનિક હતા, પણ નોકરીમાંથી છૂટા કર્યા પછી બીજો કોઈ ધંધો ન મળવાથી સરેઆમ લૂંટફાટ અને અત્યાચાર કરતા હતા. કેટલાક મરાઠા લોકો પણ આમાં ભરાઈ ગયા હતા. આવા લોકો જ્યારે-જ્યારે પણ અહલ્યાબાઈની સેનામાં ભરતી થવા આવતા ત્યારે-ત્યારે અહલ્યાબાઈ તુકોજીરાવને સમજાવતાં કે, `આ લોકો ભલે મરાઠા હોય તો પણ તેમનું ચારિત્ર્ય ઊંચું નથી. આ લોકો ગમે ત્યારે, ગમે તેવાં નીચાં કાર્યો કરી શકતા હોય છે. એટલે આવા લોકોને આપણી સેનામાં રખાય નહીં. જો એક પણ માણસ કંઈ ખોટું કરી બેસે તો પૂરી સેના વગોવાઈ જાય.' દૂરંદેશી ભરેલી તેમની વાણીએ ફરીવાર તુકોજીને ભૂલ કરતાં રોકી લીધેલાં.
અહલ્યાબાઈના રાજ્યકાળ દરમિયાન પૂનાની ગાદીએ ચાર પેશ્વાઓ આવી ગયા. મોટા માધવરાવ, નારાયણરાવ, રઘુનાથરાવ અને સવાઈ માધવરાવ. જ્યાં વારંવાર સત્તા બદલાતી રહે ત્યાં રાજ્યની સ્થિરતા જોખમાઈ જાય છે, પણ લાંબા ગાળા સુધી એકહથ્થુ સત્તા રહે અને તે હાથ જો ભગવાન જેવો હોય તો તેવી સત્તાથી રાજ્ય ખૂબ સારું ખીલી ઊઠતું હોય છે.
અહલ્યાબાઈનું નેતૃત્વ એટલું સક્ષમ હતું કે, તેઓએ તમામ પેશ્વાઓ સાથે સારા સંબંધો જ જાળવી રાખ્યા હતા. આમ તેમના સબળ અને સક્ષમ સુશાસનમાં વરસો વીતી ગયાં.
***
નર્મદા નદીનાં નીર ધસમસતાં વહી રહ્યાં હતાં. પશ્ચિમાકાશે સૂરજ મહારાજ આથમી રહ્યા હતા. એમનું કેસરિયાળું અજવાળું જળમાં પ્રતિબિંબિત થઈ રહ્યું હતું. એક વિશાળ ઘાટ પર માતોશ્રી અહલ્યાબાઈ બેઠાં હતાં. તેમના મનમાં ભૂતકાળ રમી રહ્યો હતો. આજકાલ કરતાં મહેશ્વરમાં જ તેમને ચાલીસ વર્ષ પસાર થઈ ગયાં હતાં. ચાર ચાર દાયકાથી રાજકારભાર સંભાળીને હવે તેઓ થાકી ગયાં હોય તેવો તેમને ભાસ થઈ રહ્યો હતો. તેઓ તેમના મન સાથે વાતો કરી રહ્યાં હતાં, `અહલ્યા, ઘેટાં બકરાં ચરાવનારી છોકરીથી માંડીને હોળકરોની પુત્રવધૂ અને સત્તાધીશ સુધી તે ઘણાં બધાં પાત્રો ભજવી લીધાં. ઈન્દોર અને મહેશ્વરમાં ય ચાર ચાર દાયકા કરતાં વધારે સમય સુધી સત્તાના સિંહાસને રહી. તારાથી થાય તેટલું તેં કર્યું. બધાં દુઃખો સહન કરીને પણ પ્રજાહિતમાં કાર્ય કર્યાં. હવે જીવનનો સંધ્યાકાળ આવી ગયો છે. હવે કંઈક નિર્ણય કરવો જોઈએ.'
તેમના જ મને તેમને પૂછ્યું, `હા, પણ શું નિર્ણય કરવો જોઈએ?'
મનના પ્રશ્નના જવાબમાં મનમાં ઘણી બધી ઊથલપાથલ ચાલી અને આખરે કેટલીયે વાર પછી મન બોલી ઊઠયું., `અહલ્યા, કાશી એટલે આપણા હિન્દુ ધર્મ માટે મુક્તિનું સ્થાન. તારા જીવનના આ અંતિમ દિવસો છે. તું કાશી ચાલી જા. જીવનનો અંત ત્યાં જ આણ.' બસ અહલ્યાબાઈને જવાબ મળી ગયો અને તે સાંજે તેમણે આથમતા સૂરજની સાક્ષીએ પોતાની આથમતી ઉંમરના દિવસો કાશીમાં વિતાવવાનો નિર્ણય કર્યો.
***
એક દિવસે માતોશ્રીએ હરકુંવરબા, ઉદાબાઈ, તુકોજી, સંતાજી, ભારમલદાદા, કેસોજી, મુકુન્દરાવ જેવા સૌ આપ્તજનોને બોલાવ્યા.
હરકુંવરબાએ જ પ્રશ્ન કર્યો, `બેટા, શું વાત છે? આજે આમ અચાનક સૌને શા માટે બોલાવ્યાં છે? કંઈ અઘટિત તો નથી થયું ને!'
માતોશ્રી બોલ્યાં, `ના, ના બાઈસાહેબ, કંઈક અઘટિત નથી બન્યું. બસ મેં તો મારા મનની એક વાત મૂકવા માટે આપ સૌને અહીં બોલાવ્યાં છે.'
`શું વાત છે?' ભારમલદાદાએ પૂછ્યું.
`હું હવે રાજકાજ છોડવા માંગું છું. મારું મન હવે આ કામમાં લાગતું નથી. મેં મારા જીવનના છેલ્લા દિવસો કાશીમાં વિતાવવાનો નિર્ણય કર્યો છે. હું કાશીએ જઈને રહીશ હવે.'
`હેં....! ' એક સાથે ઘણાબધા ગળામાંથી હેંકારો નીકળી ગયો.
હરકુંવરબા જ બોલ્યાં, `બેટા, તું તો મહેશ્વરનો અને સમગ્ર માળવાનો ટેકો છે. સૌ હોળકરોનો શ્વાસ છે. તારા વગર અહીં કોઈ જીવી નહીં શકે.'
`પણ હવે મારા મોતના દિવસો નજીક છે એવું મને લાગે છે. અને અંતિમ શ્વાસ માટે કાશીથી ઉત્તમ સ્થાન બીજું કયું હોઈ શકે?'
`આવું ના બોલો માતોશ્રી!' તુકોજીએ કહ્યું.
`બોલવા-ના-બોલવાથી કંઈ ફેર નથી પડવાનો. મારે મારા સંધ્યાકાળે શાંતિ જોઈએ છે.'
`માતોશ્રી, તમારી કીર્તિ ચોમેર પથરાયેલી છે. તમે અહીં જ નહીં પણ આખા ભારતમાં ઠેર ઠેર મંદિરો, ઘાટો, આશ્રમો, ધર્મશાળાઓ બંધાવી છે. એટલે તમે કાશી જશો ત્યાં પણ લોકો તમારી પાસેથી એ જ અપેક્ષા રાખશે જે મહેશ્વરમાં રાખી હતી. તમારે ત્યાં નવી રાજધાની કરવી પડશે.' ભારમલદાદાએ કહ્યું.
`અપેક્ષા રાખશે પણ હું એ પૂર્ણ કરવા સક્ષમ નથી. હું તો કાશી જઈને મા ગંગાના ખોળામાં અને શિવજીના ચરણોમાં સમર્પિત થઈ જઈશ.'
એ દિવસે સૌએ અહલ્યાબાઈને ખૂબ સમજાવ્યાં પણ તેઓ પોતાના નિર્ણય પર મક્કમ હતાં. તેમણે અંતે કહ્યું, `મારો નિર્ણય અફર છે. ક્યારે જવું એ વિચારીને હું આપ સૌને જાણ કરીશ. હજુ થોડો સમય તો અહીં છું જ.'
***
અહલ્યાબાઈએ કાશીએ જઈ અંતિમ દિવસો ગાળવાનો નિર્ણય તો કરી લીધો પણ એ જ રાત્રે તેમના મનમાં પ્રશ્ન જાગ્યો કે, `મારા ગયા પછી આટલા મોટા હોળકર રાજ્યને સંભાળશે કોણ?' અહલ્યાબાઈને કોઈ સંતાન ન હતું તેથી પરિવારમાંથી કોઈને બધો ભાર સોંપવાનો હતો. તુકોજી તેમના નજીકના સ્વજન હતા. તેમને બે પુત્રો હતા. કાશીરાવ અને મલ્હારરાવ. કાશીરાવ અપંગ હતા. અપંગ પણ રાજા થઈ શકે અથવા અધિકારી થઈ શકે, કારણ કે નિર્ણયો મસ્તિષ્કથી થતા હોય છે, હાથ-પગથી નહીં. તો પણ રાજા દર્શનીય હોવા જોઈએ. જે દર્શનીય ન હોય અને બેડોળ હોય તેનું પ્રાથમિક વ્યક્તિત્વ સારું દેખાતું નથી હોતું. સૌંદર્ય અને આરોગ્ય શરીરનાં બે ઐશ્વર્ય છે. જેની પાસે આ બે ઐશ્વર્યો હોય છે તે શરીરથી ધનવાન હોય છે. કાશીરાવ માણસ તરીકે સારા હોવા છતાં અપંગ હોવાથી મંત્રી વગેરે અધિકારીપદ ઉપર તો શોભી શકે, પણ રાજા તરીકે ન શોભે. અને મલ્હારરાવ શરીરથી સ્વસ્થ હોવા છતાં પણ તે સાત્ત્વિક પ્રકૃતિનો ન હતો. તે પોતાની સત્તાનો દુરુપયોગ પ્રજાને રંજાડવામાં કરતો. તેની તામસી પ્રકૃતિ હતી. તામસી પ્રકૃતિ લોકોનાં દુઃખમાં આનંદ અનુભવતી હોય છે; જો લોકો દુઃખી ન હોય તો દુઃખી કરીને પણ આનંદ મેળવતી હોય છે. આવી વ્યક્તિને રાજા બનાવી શકાય નહીં. જો બનાવો તો પ્રજા ત્રાહિ-ત્રાહિ થઈ જાય અને જન્મજાત પ્રકૃતિને લાખ પ્રયત્ન કરીને પણ બદલી શકાતી નથી.
તુકોજીના બંને પુત્રો તુકોજીના કહેવામાં ન હતા. તેથી તેમને રાજકારોબાર સોંપી શકાય તેમ ન હતું. હવે રાજ્ય સોંપવું કોને? આ વિકટ પ્રશ્ન હતો. પણ હજુ તેઓ કોઈ નિર્ણય કરે તે પહેલાં જ એક દુર્ઘટના બની ગઈ.
***
અહલ્યાબાઈ હવે કાશી ચાલ્યાં જવાનાં છે એ વાત મહેશ્વરમાં જેણે જાણી એ ઉદાસ થઈ ગયા. તેમના હૃદયમાં ખટકો થયો. પણ સમય સમયનું કામ કરતો હોય છે. કોઈ પણ વસ્તુ માનવીના હાથમાં ક્યાં હોય છે? અહલ્યાબાઈએ કાશીએ જવાનો નિર્ણય કર્યો હતો પણ ભગવાને કંઈક બીજું જ ધાર્યું હતું.
એક દિવસની વાત છે. સવારનો સમય હતો. માતોશ્રી અહલ્યાબાઈ પગપાળા ચાલીને મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતાં. ચાલતાં ચાલતાં તેઓ મંદિરે પહોંચ્યાં. ભોળાનાથનાં દર્શન કર્યા પછી પગપાળા જ પોતાના નિવાસ તરફ આવી રહ્યાં હતાં. વરસાદના દિવસો હતા. થોડીવાર પહેલાં જ વરસાદ બંધ થયો હતો. રસ્તાઓ હજુ ભીના હતા. નર્મદા નદી પર બાંધેલા ઘાટ પર જળ છંટાયેલાં હતાં. પગથિયાં પણ હજુ ભીનાં ભીનાં જ હતાં. માતોશ્રી અહલ્યાબાઈ ધીમે ધીમે પગથિયાં ચડતાં ચડતાં જઈ રહ્યાં હતાં. પગથિયાં ભીનાં હોવાને કારણે અચાનક તેમનો પગ લપસ્યો. આગળ પાછળ નોકરો ચાલી રહ્યા હતા પણ તેઓ તેમને સંભાળે એ પહેલાં તો તેઓ પડી ગયાં. તેમના મુખમાંથી ચીસ નીકળી ગઈ. નોકર-ચાકરોએ તેમને ઊભાં કરવાનો પ્રયત્ન કર્યો. તેઓએ સ્વયં પણ ઊભાં થવા માટે પ્રયત્ન કર્યો, પણ તેઓ ઊભાં ના થઈ શક્યાં. તેમનો પગ મચકોડાઈ ગયો હતો. ભયંકર પીડા થઈ રહી હતી. પગ મંડાતો જ નહોતો.
નોકરોએ દોડધામ મચાવી મૂકી. બે નોકરો દોડીને પાલખીલેવા પહોંચ્યા. ત્યાં સુધી અન્ય નગરજનોની ભીડ જામી ગઈ હતી. પોતાનાં ઈશ્વરતુલ્ય માતોશ્રી આ રીતે પડી ગયાં અને પીડામાં કણસી રહ્યાં હતાં એ જોઈને બધાંને અત્યંત દુઃખ થયું. સૌ માતોશ્રીની સેવા કરવા માટે તત્પર બન્યાં હતાં. તેઓ જાતે તો ઊભાં થઈ શકે તેમ નહોતા એટલે નોકરો તરત જ તેમને ઊંચા કરીને નજીકના જ મંદિરની ઓસરીએ લઈ ગયા. લોકો તરત જ ગાદી અને ઓશીકાં લઈ આવ્યા. માતોશ્રીને એના પર બેસાડવામાં આવ્યાં. ચાર-પાંચ લોકો વીંઝણો લઈને હવા નાંખવા લાગ્યા. અહલ્યાબાઈનો પગ ભયંકર દુઃખી રહ્યો હતો, છતાં પણ તેઓએ કહ્યું, `અરે, ભાઈઓ! મને કંઈ નથી થયું. સામાન્ય વાગ્યું છે. આપ આટલી બધી સેવા ના કરો.' પણ લોકો અને સેવકો એમ અટકે તેમ નહોતા.
***
બીજી તરફ પાલખી લેવા પહોંચેલા નોકરે મહેલે ખબર આપી દીધા કે, અહલ્યાબાઈ પડી ગયાં છે અને ખૂબ વાગ્યું છે. આ સાંભળતાં જ મહેલમાં પણ દોડાદોડ મચી ગઈ. ભારમલદાદા અને તુકોજી સાથે સાથે શિવગોપાળ અને શિંદે પણ દોડતા અહલ્યાબાઈ પાસે આવી પહોંચ્યા. એટલું જ નહીં, હરકુંવરબા અને ઉદાબાઈ પણ આવવા રવાના થયાં.
અહલ્યાબાઈને પાલખીમાં બેસાડીને સૌ મહેલે લઈ આવ્યાં અને તાત્કાલિક વૈદ્યરાજને બોલાવવામાં આવ્યા. વૈદ્યરાજે પગ જોઈને કહ્યું કે, `માત્ર મચકોડ નથી. હાડકું ભાંગી ગયું છે. ઝડપથી ઠીક નહીં થાય. વાર લાગશે!'
અહલ્યાબાઈ આ સાંભળીને ચિંતિંત સ્વરે બોલ્યાં, `હેં શું વાત કરો છો? વાર લાગશે? કેટલા દિવસ ચાર-પાંચ કે અઠવાડિયું?'
વૈદ્યરાજ બોલ્યા, `માતોશ્રી, એટલા ઓછા દિવસ નહીં. મહિનાઓ લાગશે. તેમાં હાડકું તૂટ્યું છે એ પણ બહુ ખરાબ રીતે તૂટ્યું છે. સારામાં સારાં ઔષધો લેશો તો પણ એ હાડકું સંધાતાં મહિનાઓ લાગશે. એ પછી જ તમે જમીન પર પગ મૂકી શકશો. એ પહેલાં જો તમે ભૂલથી પણ હિંમત કરશો તો મુશ્કેલી થશે. હાડકું સંધાયું હશે એ પાછું જુદું થઈ જશે. માટે આપને વિનંતી છે કે, આપ જમીન પર જરાય પગ ના મૂકશો.'
વૈદ્યરાજની વાત સાંભળીને અહલ્યાબાઈ ઉદાસ થઈ ગયાં. તેમણે નિઃસાસો નાંખ્યો, `અરે...રે.... મારે તો હજુ અહીં ઘણાં કામ કરવાનાં હતાં. ઘણાં મંદિરોએ પગપાળા દર્શન કરવા જવાનું હતું અને એ પછી કાશીએ પ્રસ્થાન કરવાનું હતું. એના બદલે આ તો મોટી ઉપાધિ આવી.'
`માતોશ્રી.... ચિંતા ના કરો. અમે સૌ આપની સેવામાં છીએ. આપને પથારીમાંથી પગ પણ નીચે મૂકવા નહીં દઈએ. આપની બધી જ સેવા કરીશું.' અનેક જણે આ પ્રકારે વાત કરી.
અહલ્યાબાઈએ ફરીવાર નિઃસાસો નાંખીને કહ્યું, `એ જ તો મુશ્કેલી અને દુઃખ છે કે મારે જતી જિંદગીએ પથારીવશ થઈને રહેવું પડશે. જિંદગીભર લોકોની સેવા કરવાનો અને કદી કોઈના પર ભાર બનીને આ રીતે સેવા ન કરવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા દિવસોમાં પ્રભુની સેવા કરવાનું પ્રણ લીધું હતું. એના બદલે ભગવાને મને આ કેવા દિવસો દેખાડ્યા! મારે લોકોની સેવા લેવાની? ઓશિયાળા બનીને રહેવાનું. પથારીમાં રહેવાનું? કોઈ ઊભા કરે તો થવાનું અને કોઈ આવે તો જ બહાર જવાનું. હે ભોળાનાથ. જિંદગીના છેલ્લા દિવસોમાં ય તેં મારી પરીક્ષા લેવાનું ના છોડ્યું?'
હરકુંવરબા અહલ્યાબાઈની પીડા સમજતાં હતાં. પણ અત્યારે એમને માનસિક રીતે ટેકાની જરૂર હતી. એ પણ એ જાણતાં હતાં. તેઓ બોલ્યાં, `અરે, મારી દીકરી, તું તો બહુ ઢીલી છે. એક પગ તૂટ્યો એમાં તો આટલી બધી દુઃખી થઈ ગઈ. અરે તું તો રણમેદાને ઘૂમનારી ચંડી છો. શરીર પર તલવારના ઘા પડ્યા હોય તોય લડનારી છો અને આ નાની એવી પીડાથી ગભરાઈ ગઈ? પથારી કંઈ જિંદગીભરની નથી. તું પથારીમાં રહીશ તો અમે ય તારી સાથે વધારે વાતો કરી શકીશું. નહીંતર તને પ્રજાનાં કાર્યો આડે અમારી સાથે વિતાવવા માટે ઝાઝો સમય જ નહોતો મળતો.'
`હા, માતોશ્રી, તમે ચિંતા જરાય ના કરો. તમે આખી જિંદગી સેવા કરી છે સૌની તો હવે અમને તમારી સેવાની તક આપો.' સૌએ કહ્યું.
અહલ્યાબાઈને એ દિવસે બધાંએ ખૂબ જ આશ્વાસન આપ્યું. પણ અહલ્યાબાઈ સ્વયં જાણતાં હતાં કે, હવે તેઓ પરવશ થઈ ગયાં છે. તેમણે પછી બધા લોકો સાથે દલીલ કરવાનું બંધ કરી દીધું અને માત્ર સ્મિત આપતાં રહ્યાં.
***
(ક્રમશઃ)